- ગઈકાલે લોકો અને પોલીસની બેદરકારી અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરએ પ્રકાશિત કર્યો હતો
- દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ ગઈકાલે રાત્રે 9 વાગ્યા પહેલાં જ રોડ-રસ્તા સૂમસામ થઈ ગયા
પોલીસ કમિશનર કચેરીના 500 મીટર દૂર આવેલા નમસ્તે સર્કલ આગળ જ 10 વાગ્યા સુધી 500થી વધારે લોકો બહાર જોવા મળ્યા હતા. તેઓ હોળી-ધુળેટીના તહેવારને પગલે રાજસ્થાન જવા માટે ટ્રાવેલ્સ બસની રાહ જોઈ રહ્યા હતા. રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવે છે છતાં બેફામ લોકોની ભીડ એકઠી થઈ હતી, સાથે પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરએ પ્રકાશિત કર્યો હતો. એ બાદ ગઈકાલે રાત્રે 9 વાગ્યા પહેલાં જ રોડ-રસ્તા સૂમસામ થઈ ગયા હતા.
કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં કડક સૂચના અપાઈ
શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને પગલે રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, જેથી લોકો મોડી રાત સુધી બહાર ટોળાં વળીને બેસે નહીં અને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. રાત્રિ કર્ફ્યૂની ચુસ્ત અમલવારી થાય એ માટે પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, પરંતુ પોલીસ કમિશનર કચેરીના 500 મીટર દૂર આવેલા નમસ્તે સર્કલ આગળ જ 10 વાગ્યા સુધી 500થી વધારે લોકો બહાર જોવા મળ્યા હતા. હોળી-ધુળેટીના તહેવારના પગલે રાજસ્થાન જવા માટે ટ્રાવેલ્સ બસની રાહ જોઈ રહ્યા હતા, સાથે 30થી વધુ ટ્રાવેલ્સની બસ પણ ત્યાં જોવા મળી હતી અને તેની બુકિંગ ઓફિસ પણ ચાલુ હતી.
શાહીબાગના તમામ રસ્તાઓ સૂમસામ
મહત્ત્વનું છે કે 9 વાગ્યા બાદ જો કોઈ કર્ફ્યૂનો ભંગ કરતો નજરે પડે તો તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવે છે. આ અંગેનો અહેવાલ ગઈકાલે દિવ્ય ભાસ્કરએ પ્રકાશિત કર્યો હતો, જેમાં પોલીસ પણ ત્યાંથી પસાર થઈ હતી, પણ કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે આ અહેવાલના પગલે બીજા દિવસે 9 વાગ્યા પહેલાં જ નમસ્તે સર્કલ આગળની તમામ દુકાનો પોલીસે બંધ કરાવી હતી, સાથે રાત્રિ કર્ફ્યૂ પહેલાં જ શાહીબાગના તમામ રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. જો પોલીસ આવી રીતે જ કર્ફ્યૂની અમલવારી કરાવે તો કોરોનાનું સંક્રમણ ફેલાતા અટકાવી શકાશે, સાથે આ તહેવારના પગલે પણ લોકોની ભીડ ન થાય એ માટે પણ પોલીસે ટ્રાવેલ્સ કંપનીના માલિકોને 8 વાગ્યા પહેલાં જ ટ્રાવેલ્સ બસને ઉપાડવા માટે સૂચના આપી છે.
2-3 લોકો સિવાય કોઈએ કોરોના ટેસ્ટ ન કરાવ્યો
નમસ્તે સર્કલની આજુબાજુ લગભગ 30થી વધુ ટ્રાવેલ્સ બસની લાંબી કતાર લાગી હતી, સાથે રાજસ્થાન ગવર્નમેન્ટે પણ કોઈપણ રાજ્યમાંથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત લઈને આવવા સૂચન કર્યું હતું .જોકે માત્ર 2-3 લોકો સિવાય કોઈએ કોરોના ટેસ્ટ કરાવ્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટ બોર્ડર પર કરાવીશું, અહીં કરાવીએ ને પોઝિટિવ આવે તો રાજસ્થાન જઈ ન શકાય.
પોલીસ પહોંચી, પણ કઈ કરી ન શકી
મહત્ત્વનું છે કે લોકો કર્ફ્યૂ બાદ પણ 9:30 વાગ્યા સુધી બસની રાહ જોઈને ઊભા રહ્યા હતા, સાથે કેટલીક ટ્રાવેલ્સની બસ અને એમની ઓફિસ પણ 9;30 વાગ્યે ચાલુ જોવા મળી હતી. જોકે પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી, પરંતુ 500થી વધારે લોકો અને 30થી વધુ બસને જોઈ તેઓ પણ મૂકપ્રેક્ષક બન્યા હતા. મહત્ત્વની વાત છે કે આ રીતે જ લોકોની ભીડ એકઠી થશે તો કઈ રીતે કોરોનાને ફેલાતો રોકી શકાશે? લોકો માસ્ક વગર બિનધાસ્ત ટોળું વળીને બસની રાહ જોઈ રહ્યા હતા.
રાજસ્થાનીઓનો સૌથી મોટો તહેવાર છે હોળી-ધુળેટી
સમગ્ર દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે, જેને લઈને લોકોમાં ક્યાંય ને ક્યાંય ભયનો માહોલ જોવા મળે છે. આ વખતે કેટલાંક રાજ્યમાં હોળી-ધુળેટીના પર્વની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત રાજ્યમાં પણ લોકોને હોળી-ધુળેટીની સાદાઈથી અને મર્યાદિત લોકો સાથે ઊજવવા માટે જણાવાયું છે. જોકે રાજ્યનાં કેટલાંક ગામોમાં હોળી-ધુળેટીના દિવસે મેળો પણ યોજાય છે. અમદાવાદ શહેરમાં પણ લોકો પાર્ટી પ્લોટમાં, શેરીઓ અને પોળમાં ભેગા મળીને હોળી મનાવતા હોય છે, પણ આ વખતે હોળી-ધુળેટીની મજા શહેરીજનો માટે ફિક્કી રહેશે, કારણ કે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતા રાજસ્થાનના લોકો માટે આ તહેવારનું ઘણું મહત્ત્વ હોય છે. તેઓ વર્ષમાં એક જ વાર ધામધૂમથી આ તહેવાર તેમના વતનમાં જઈને ઊજવતા હોય છે.