- સામાન્ય કોરોના કરતાં શહેરમાં પ્રસરેલા નવા સ્ટ્રેનના કોરોનાનાં લક્ષણો પણ બદલાયાં
- કોઈપણ દર્દી હોમ ક્વોરન્ટીનનો ભંગ કરે તો પાલિકાને જાણ કરવા અપીલ
- રાંદેર ઝોનમાં 76, કતારગામમાં 42 વરાછા-એમાં 30 અને વરાછા-બીમાં 36 પોઝિટિવ મળ્યા
કોરોનાના નવા 577 કેસ નોંધાયા હતા, જેમાં સુરત શહેરમાં 476 જ્યારે જિલ્લામાં 101 કેસ નોંધાયા હતા. ઉપરાંત બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં. જિલ્લામાં પણ કેસમાં ફરી એકવખત ઉછાળો આવ્યો છે. બીજી તરફ સુરત શહેરમાં કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસરી ગયો છે. પાલિકાના કહેવા મુજબ નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા, પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી.ખાસ કરીને હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, ખંજવાળ આવવી સહિતનાં લક્ષણો નવા જોવા મળી રહ્યાં છે.
મહત્તમ દર્દીઓમાં તાવની સમસ્યા ઓછી છે પરંતુ જો ઉક્ત મુજબના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા પાલિકાએ લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં પોઝિટિવ દર્દીઓ ક્વોરન્ટાઇનનો ભંગ કરે તો પાલિકાના 1800-123-8000 નંબર પર જાણ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
આ સાત લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવો જરૂરી
શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ આવવી, લાલ થવી, ગળામાં દુ:ખાવો થવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી, ડાયરિયા થવો, પેટમાં દુખવું, માથામાં દુખાવો થવો, ચામડી પર ખંજવાળ આવવી.
સિંગણપોરના યુવાન, ઉધનાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
સિંગણપોરના 41 વર્ષીય યુવકને કોરોનાના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા સોમવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટુકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. અન્ય બનાવમાં ઉધના વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધને કોરોનાના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા ગઈ તા.12 માર્ચના રોજ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં મંગળવારે તેમનું મોત નિપજ્યું હતું.
ઝોનવાઇઝ કેસ | |
સેન્ટ્રલ | 51 |
વરાછા-એ | 30 |
વરાછા-બી | 36 |
રાંદેર | 76 |
કતારગાામ | 42 |
લિંબાયત | 51 |
ઉધના | 58 |
અઠવા | 132 |
કુલ | 476 |
શહેરમાં એક્ટિવ કેસ પૈકી 27 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ
શહેરમાં એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં આવી રહેલા પોઝિટિવ કેસમાંથી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. મંગળવારે શહેરમાં કોરોનાના 1948 એક્ટિવ દર્દીઓ છે. તેમાંથી 27% એટલે કે 526 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા સિવિલમાં 151, સ્મીમેરમાં 71 તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં 304 દર્દીઓ દાખલ છે.
કોરોના નિયંત્રણમાં લેવા વધુ બે અધિકારી ડેપ્યુટી કમિશનર તરીકે મુકાયા
રાજ્ય સરકારે કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લેવા માટે વધુ બે સિનિયર અધિકારીને મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. મહાપાલિકા વિસ્તારમાં કોરોના વાઇરસને વધુ ઝડપથી અસરકારક રીતે નિયંત્રણમાં લેવા વેક્સિનેશન પ્રોગ્રામ સહિતના હેતુ માટે એચ.આર.કેલૈયા,ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 જિલ્લા ચૂંટણી અધિકારી સુરત (સિનિયર સ્કેલ) તથા યોગેન્દ્ર એ. દેસાઈ, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 (સિનિયર સ્કેલ) અધિક કલેક્ટર મહેસૂલ તપાસણી કમિશનર કચેરી, ગાંધીનગર ને તારીખ 30-4-21 સુધી નાયબ મ્યુનિસિપલ કમિશનર મહાપાલિકા તરીકે નિયુક્તિ કરાઇ છે.