- લોકડાઉનને કારણે SVP સુધી પહોંચવા માટેની સ્થિતિ પણ ખરાબ હતી
- પિતાની મરણમૂડી લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ
કોરોનાએ ગુજરાતમાં એન્ટ્રી મારી ત્યાર બાદ આખા અમદાવાદને બાનમાં લીધું હતું. ખાસ કરીને શહેરનો કોટ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો. કોરોનાથી લોકો ટપોટપ મોત થવા લાગતા શહેર ડેથસ્પોટ બની ગયું હતું. જેને કારણે અનેક પરિવારે સ્વજનો ગુમાવ્યા હતા. કોરોનાના 1 વર્ષ થવા નિમિત્તે આજે વાત અમદાવાદના જમાલપુરમાં રહેતા ઈરફાન શેખની.
જમાલપુરમાં રહેતા ઈરફાન શેખે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું કે, ઘરના મોભીને કોરોના થયો ત્યારે આસપાસના લોકોએ મોઢું ફેરવી લીધું.રેડ ઝોન જેવી સ્થિતિ હતી અને પિતાને હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે આસપાસના દરવાજા ટપોટપ બંધ થઈ ગયા હતા. તેમજ અંતિમવિધિના પણ ફાંફા પડી ગયા હતા. એ દિવસ આજે પણ નહીં ભૂલી શકું.
પિતા ઘણીવાર કહેતા મારા વેપારમાં આવી જા
ઇરફાનભાઈ શેખ હાલ હાર્ડવેરની દુકાન ચલાવે છે, પરંતુ આ તેમનું મનગમતું કામ ન હતું. તેઓ હંમેશા પિતાના વેપારથી કંઈક અલગ કામ કરવા માંગતા હતા અને તેઓ ફાસ્ટ ફૂડ અને મોબાઈલનો બિઝનેસ કરતા હતા. તેમનો આ વ્યવસાય જામી ગયો હતો. તેમને પિતા ઘણી વાર કહેતા કે તું મારા વેપારમાં આવી જા. પરંતુ તેને કંઈક અલગ કરવું હતું, જો કે વિધિએ અલગ જ લેખ લખ્યા હતા.
બધું જ બરાબર ચાલતું હતું ને મારા પિતાની તબિયત લથડી
આ દરમિયાન ઇરફાનભાઈના જીવનમાં બધું જ બરાબર ચાલતું હતું, ત્યારે જ કોરોનાએ જમાલપુર અને કોટ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો. જેમાં અનેક વડીલોની સાથે શેખ પરિવારના મોભીને પણ કોરોના થયો. આ અંગે ઇરફાનભાઈએ જણાવ્યું કે મારા પિતાને કોરોનાનાં પ્રાથમિક લક્ષણો ન હતા પણ તેમની તબિયત લથડવા લાગી હતી. એ દિવસ આજે પણ હું નહિં ભૂલી શકું, કારણકે સમગ્ર જમાલપુરમાં કોરોનાની દહેશત હતી.
સામે જુએ તો મદદ માગશે તેવું માનીને લોકો જતા રહેતા
ઈરફાનભાઈએ આગળ કહ્યું કે, બધેથી કોરોનામાં પરિચિતના મોતના સમાચાર આવતા હતા. મારા પિતાની તબિયત લથડી ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. તે સમયે આસપાસના લોકો કે જેઓ સાથે રોજ વાટકી વ્યવહાર હતો, તેઓએ પણ દરવાજા બંધ કરી લીધા. કોઈ મદદે આવવાનું તો દૂર સામે જુએ તો મદદ માગશે તેવું માનીને જતા રહ્યા હતાં.
ફાસ્ટફૂડ ખાવા કોઈ આવતું નહી ને દુકાનનું ભાડું વધી રહ્યું હતું
ઈરફાનભાઈએ પોતાની આપવીતી આગળ વધારતા જણાવ્યું કે, મારા પિતાને તે દિવસે રાતે હું SVP હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહ્યો હતો. પિતાની તબિયત ખરાબ હતી. લોકડાઉનને કારણે SVP સુધી પહોંચવાની સ્થિતિ ખૂબ ખરાબ હતી. હું ત્યાં પહોંચ્યો અને મારા પિતાનો કોરોના ટેસ્ટ કરાવ્યા તો પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર આપવામાં આવી પણ તેઓ બચી શક્યા નહી. પિતાનું મૃત્યુ થયું અને રોજગાર બંધ હતો. અંતિમવિધિ કરવી પણ મુશ્કેલ હતી. આ સમયે મારી માતાએ તેમની મરણમૂડી 20 હજાર રૂપિયા મને આપ્યા અને એ પણ લોકડાઉનમાં વપરાઈ ગયા હતા. કોરોના ઓછો થયા બાદ પણ મારો વેપાર ચાલી શક્યો નહીં. કોઈ ફાસ્ટફૂડ ખાવા માટે આવતું નહી અને દુકાનનું ભાડું પણ વધી રહ્યું હતું. જેથી મેં જેમ તેમ કરીને મારા પિતાની દુકાને બેસવાનું શરૂ કર્યું હતું.
ઈરફાનભાઈએ અંતમાં કહ્યું કે, મને વેપાર વિશે કંઈ ખબર ન હતી. તેની સાથે ઘર, માતા અને બાળકોની જવાબદારી પણ હતી. પરંતુ મુશ્કેલી માણસને કોઈ રસ્તો જરૂર બતાવે છે, આજે મેં મારા પોતાના વેપારને સંભાળી લીધો છે. તેની સાથે એક એવો વેપાર પણ કરું છું, જેમાં મળતો નફાનો મોટો ભાગ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં વાપરું છું. કારણ કે હું એવું માનુ છું કે મારી સાથે જે થયું તે કોઈ બીજા સાથે ન થાય. કોઈ પરિચિત મોઢું ન ફેરવે અને તેમને જરૂરી મદદ મળી શકે.