
હાલ રાજ્યમાં કોરોનાનો યુ.કે. કે દક્ષિણ આફ્રિકા સ્ટ્રેન આવ્યો હોવાની વાતથી ગભરાટ ફેલાયો છે. આ મુદ્દે ગુજરાત સરકારની નિષ્ણાત ટીમના સભ્ય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે કે, આ મૂળભૂત રીતે વુહાન સ્ટ્રેન જ છે, જે ફરી એક્ટિવ થયો છે. આ સાઇકલ અમુક અંતરે આવતી રહે છે, એટલે ગભરાવાની નહીં, સાવચેતીની જરૂર છે. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ સાથે કરેલી વાતચીતના અંશ…
સવાલ: હાલ આ વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તો શું તે યુ.કે. કે દક્ષિણ આફ્રિકાનો સ્ટ્રેન છે?
ડૉ. કમલેશ: ના, હાલ દેશમાં કે ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, એ વુહાન સ્ટ્રેન જ છે, પરંતુ વાઈરસની અમુક સાઇકલ હોય છે અને એ સાઇકલ પ્રમાણે એ ફરીથી એક્ટિવ થાય છે. વાઈરસ અમુક શરીરમાં પ્રવેશે એ વખતે એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને કારણે નબળો પડે, પણ અનુકૂલન સાધી લીધા પછી ફરી એક્ટિવ થાય. અહીં પણ આવું જ થઈ રહ્યું છે. અમુક સમય પછી આ વાઈરસ ફરી એક્ટિવ થયો છે અને જે લોકો અગાઉ ઈન્ફેક્ટ ન થયા હતા, તેમને ઈન્ફેક્ટ કરી રહ્યો છે.
સવાલ: તો, લોકોમાં જુદા પ્રકારનાં લક્ષણો કેમ જોવાં મળી રહ્યાં છે?
ડૉ. કમલેશ: જુઓ, કોરોનાના અનેક લક્ષણ છે. અમુક લક્ષણો જે હાલ લોકોને લાગી રહ્યાં છે તે પહેલાં પણ હતાં જ પરંતુ તે વ્યાપક ન હતાં, પણ એવું સાવ નથી કે આવાં લક્ષણો ન હતાં. શરીરમાં નબળાઈ આવવી, આંતરડા કે અન્ય અંગોમાં તકલીફો થવી જેવી બાબતો નોંધાતી હતી. આમ છતાં, ભારતમાં જે લક્ષણ છે તેમાં ન્યૂમોનિયા અને ફેફસાંમાં રક્તકણો બાઝી જવા વધુ વ્યાપક છે.
સવાલ: શું બહારના દેશનો સ્ટ્રેન ખતરનાક હોઈ શકે?
ડૉ. કમલેશ: વિશ્વમાં માનવવસતિ ધરાવતાં છ ખંડ છે અને દરેકમાં વાઈરસ ત્યાંની આબોહવા, લોકોના શરીરની તાસીર અને જીવનશૈલી પ્રમાણે વર્તે છે. અમેરિકા કે યુ.કે. જેવા દેશોમાં ઠંડી વધુ હોવાથી ત્યાંના લોકોની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે ઓછી હોય છે, તેથી ત્યાં વાઈરસનું ઘાતકપણું વધુ છે. હવે ત્યાંના લોકોના શરીર પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલતો વાઈરસ અન્ય ખંડો કે ભારતીય ઉપખંડમાં આવે એટલે એ ઘાતક સાબિત થઈ શકે, પરંતુ આપણે ત્યાં બહારથી આવેલાં લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ થાય જ છે. જોકે અમુક કિસ્સામાં જેમની ટ્રાવેલ હિસ્ટરી ન હતી. તેમનામાં પણ આ વાઈરસ દેખાયો છે. આ વાત થોડી આશ્ચર્યજનક છે.
સવાલ: શું એકવાર કોરોના થયો તો ચિંતાનું કારણ નથી?
ડૉ. કમલેશ: પુનરાવર્તન થવાના ચાન્સ ખૂબ ઓછાં છે. અથવા એવી વ્યક્તિ ફરી સંક્રમિત થાય તો વાઈરસ મુશ્કેલી નથી સર્જતો, પરંતુ આવી વ્યક્તિ સંક્રમિત થાય, તો તે કેરિયર બનીને પરિવારના કે સાથે રહેનારાં લોકોને ઈન્ફેક્શન લગાડીને મુશ્કેલી સર્જી શકે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવાં અને માસ્કનો ઉપયોગ સતત કરતાં રહેવું એ હિતાવહ છે.
સવાલ: આવા કિસ્સામાં રસી કેટલી અસરકારક છે?
ડૉ. કમલેશ: વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો રસીમાં નબળો પાડેલો કે મૃત વાઈરસ હોય છે અને એ શરીરમાં રસી વાટે પ્રવેશે તો શરીર રોગપ્રતિકારક શક્તિ વિકસિત થાય. ત્યાર પછી જો ખરેખર વાઈરસ શરીરમાં દાખલ થાય, તો એના ગુણધર્મ પ્રમાણે શરીરમાં અમુક તકલીફો ઊભી કરી શકે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ હોવાને કારણે એ તકલીફો એટલી ગંભીર ના હોય. એટલે રસી લેવી ખૂબ જરૂરી છે અને એનાથી જ અમુક સમયે લોકો આ વાઈરસ સામે લડતા થઈ જશે.
સવાલ: વાઈરસ બદલાય તો રસી નિરર્થક થઈ જાય?
ડૉ. કમલેશ: એવું નથી હોતું. વાઈરસ બદલાય તેની સાથે રસીનું બંધારણ પણ બદલી શકાય છે, પરંતુ તે જે-તે વ્યક્તિએ નક્કી કરવાનું છે કે રસી લઈને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઊભી કરવી છે કે વાઈરસને શરીર પર ત્રાટકવા દઈને તેને તક આપવાની છે. એવું નથી કે રસી નહીં લેનારને વાઈરસની ગંભીર અસર થશે જ, પરંતુ એવા ચાન્સ નહીં આપવા જોઈએ. સલામતી ખાતર રસી લેવી જોઈએ. ભલે રસીની અસરકારકતા 100% નથી. એટલે તમને સંક્રમણ નહીં જ થાય તેવું નહીં બને, પરંતુ તમે વાઈરસને કારણે કોરોનાની ગંભીરતા આ રીતે ઓછી કરી શકો છો. ચોઇસ ઈઝ યોર્સ. પરંતુ રસી લેવી હિતાવહ છે.