
- મોટા ભાગના દર્દીઓ શરીરમાં દુખાવા સાથે એડમિટ થઈ રહ્યા છે
- ચૂંટણીમાં નેતાઓ અને લગ્નમાં લોકોની લાપરવાહીથી વાયરસનો વિસ્ફોટ
ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતાં સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના 6 કેસ 10 માર્ચ આસપાસ મળ્યા હતા. ત્યાર બાદ એકાએક કોરોના કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ 2596 જેટલા કેસ સામે આવ્યા છે, જેથી એક્ટિવ કેસ પણ વધીને સીધા 1839 થઈ ગયા છે. કોરોના સંક્રમણના ફેલાવા પાછળ ચૂંટણીમાં બેફામ થઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલો પ્રચાર, કાર્યકરોએ સર્જેલાં ટોળાં અને સાથે સાથે લગ્ન સહિતના સમારંભોમાં બેદરકાર બનીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતાં કેસમાં વધારો થયો છે. સુરતમાં જોવા મળતા નવા સ્ટ્રેનના દર્દીઓમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો જોવા મળતાં નથી. શરીરના દુખાવા સાથે દર્દીઓ એડમિટ થતા હોવાનું જણાવતાં નોડલ ઓફિસર ડો. અમિત ગામીતે કહ્યું કે કેટલાકમાં શ્વાસની પણ સમસ્યા ઊભી થઈ રહી છે.
એક્ટિવ કેસમાં ધરખમ વધારો
કોરોનાના નવા સ્ટેન આવ્યા અગાઉ સુરતમાં રોજના 100 અને એનાથી નીચે બે આંકડાની સંખ્યામાં કેસ આવી ગયા હતા. કોરોના પર કાબૂ મેળવાઈ ગયો હતો, જોકે લાપરવાહીની સાથે યુકે અને આફ્રિકાના સ્ટ્રેનના આગમન સાથે કેસમાં વધારો થયો છે. બે આંકડામાં નોંધાતા કેસ વધીને 500 નજીક પહોંચી ગયા છે. એક્ટિવ કેસ 10 દિવસ અગાઉ જે 866 હતા, એ વધીને 1839 થઈ ગયા છે. આ દસ દિવસના ગાળામાં 6 વ્યક્તિનાં કોરોનાથી મોત થયાં છે, સાથે જ કુલ 2596 કેસ વધી ગયા છે, જેથી આરોગ્ય વિભાગ માટે કોરોનાનો નવો સ્ટ્રેન ચિંતાનો વિષય બન્યો છે.
દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો
સિવિલ હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડૉ. અમિત ગામીતે જણાવ્યું હતું કે કેસમાં વધારો જોતાં લોકોએ સાવચેત રહેવું જોઈએ. પહેલાં કોરોનાથી ચિંતિત 50 લોકો સામાન્ય લક્ષણમાં પણ ઓપીડી કરાવતા હતા, જે વધીને હવે રોજ 150 દર્દી સિવિલમાં સંભવિત લક્ષણ સાથે આવે છે. 10 દિવસ પહેલાં માંડ 4 કેસ પોઝિટિવ મળી રહ્યા હતા, એ વધીને હવે રોજ 15થી 20 કેસ સંક્રમિત મળી રહ્યા છે. એમાંથી છેલ્લી ઘડીએ આવતા 2થી 3 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી રહી છે. એવી જ રીતે સ્મિમેર હોસ્પિટલમાં પણ રોજ 100 જેટલા દર્દી ઓપીડી માટે આવે છે, એમાંથી 10થી 15 દર્દી શંકાસ્પદ લાગતાં એડમિટ કરવામાં આવી રહ્યા છે. સ્મિમેરનાં સૂત્રોએ કહ્યું હતું કે 23 પોઝિટિવ મળ્યા છે. 1 વેન્ટિલેટર પર છે તો 6 બાઇપેપ પર અને 10 ઓક્સિજન પર સારવાર મેળવી રહ્યા છે, જેમાંથી 2 દર્દીના કોરોના રિપોર્ટ આવવાના બાકી છે.
શ્વાસની સમસ્યા પણ વધી
ડૉ. અમિત ગામીતે આગળ કહ્યું હતું કે નવા કોરોના દર્દીઓમાં લક્ષણ બદલાયેલાં જણાયાં છે. હાલમાં મોટા ભાગના દર્દીઓ શરીરમાં દુખાવા સાથે એડમિટ થયા છે. તેમને તાવ પણ ઓછો રહ્યો છે. આ સામાન્ય લક્ષણમાં સારવાર નહીં કરાવ્યા બાદ કેટલાકમાં શ્વાસની સમસ્યા જોવા મળી છે.
યુકે સ્ટ્રેન 43-90% વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે
સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે એની પાછળ યુ.કે. સ્ટ્રેન B.1.1.7 જવાબદાર હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું. એ વિશે તેમણે કહ્યું હતું કે યુ.કે.ના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. એ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે આ વાયરસ 43 ટકાથી 90 ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાયરસનો ચેપ લાગે તો એ માનવશરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જોકે અન્ય વાયરસના અને યુ.કે. સ્ટ્રેનના વાયરસનાં લક્ષણો મોટા ભાગનાં સરખાં છે.

નવા સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે
એવી આશંકા રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે કે પહેલાંના વાયરસ કરતાં આ સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે છે અને એટલા માટે આ વાયરસ વધારે જોખમી છે. એક શરીરમાંથી બીજા શરીરમાં વાયરસ મ્યૂટેશન થયા પછી પણ એનો ચેપ વધુ ઝડપથી ફેલાવે છે. એટલા માટે જ એની CT વેલ્યુ ઓછી આવે છે. વાયરસ એટલો ઘાતક નથી, પરંતુ ચેપી વધારે છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં અત્યારસુધી આ વાયરસના કુલ 6 કેસ મળી આવ્યા છે, જેથી કમિશનરે લોકોને આ વાયરસથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા માટે ચેતવ્યા છે.

વાયરસના ફેલાવા પાછળ બેદરકારી
ચૂંટણી વખતે નેતાઓ દ્વારા થતા પ્રચાર અને વિજયોત્સવથી કોરોના ફેલાયો હોય એમ માનવામાં આવી રહ્યું છે, ત્યારે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે લોકોની બેદરકારીને કારણે વાયરસ ઝડપથી ફેલાયો છે. લગ્ન સહિતના સમારંભો અને માસ્ક ન પહેરવાં તથા સોશિયલ ડિસ્ટન્સનું પૂરતા પ્રમાણમાં પાલન ન થતું હોવાથી જોખમ વધી ગયું છે. ફરીથી કોરોનાને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ વધારી દેવાયું છે તથા ઝડપથી સારવાર આપીને લોકોને કોરોનામુક્ત કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.