
- સવારથી જ બસ સ્ટેન્ડ પર રિક્ષાચાલકો બે ગણું ભાડું વસૂલ કરી રહ્યા છે
- બસો બંધ થતાં બહારગામથી આવતા લોકો પણ હેરાન-પરેશાન
- તમામ AMTS અને BRTS બસો ડેપોમાં મૂકી દેવામાં આવી
રાજ્યમાં ફરી એકવાર કોરોનાની લહેર શરૂ થઈ છે, જેમાં અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગુરુવારથી શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે અનેક નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. લોકોમાં રોષ એ વાતનો છે કે કોર્પોરેશન એકાએક મોડી રાતે નિર્ણય લઈ લે છે અને જનતાને હેરાન થવું પડે છે. ચૂંટણીઓ અને મેચમાં હજારો લોકો ભેગા થયા ત્યારે કેમ નિર્ણય ન લેવામાં આવ્યો. AMTS અને BRTS બસમાં બે સીટમાં એક સીટ પર એક વ્યક્તિ એમ 50 ટકા સાથે બસો ચાલુ રાખવી જોઈએ એવી માગ કરી છે.
બસો બંધ થતાં રિક્ષાચાલકોની લૂંટ શરૂ
આજથી AMTS અને BRTS બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે. કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષાચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડી રહ્યું છે. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.

50 ટકા મુસાફરો સાથે બસ ચાલુ રાખો
AMTS બસમાં દરરોજ અપડાઉન કરતા હર્ષદભાઈ સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાતે જ કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે એને કારણે લોકો હેરાન થાય છે, આજે AMTS અને BRTS બસ સેવા બંધ કરવામાં આવતાં લોકોને હાલાકી પડી રહી છે. હું દરરોજ AMTS અને BRTS બસમાં અપડાઉન કરું છું. બસો બંધ થઈ જતાં રિક્ષામાં જવાની ફરજ પડી છે અને રિક્ષાચાલકો બે ગણું ભાડું માગી રહ્યા છે. સામાન્ય કરતાં બે ગણા ભાડા ચૂકવવા પડે છે, જેથી કોર્પોરેશને AMTS અને BRTS બસમાં 50 ટકા જ પેસેન્જર બેસાડી બસ સેવા ચાલુ રાખવી જોઈએ.

ઓછી કમાણીવાળા ડબલ ભાડું કેવી રીતે આપે
AMTS બસમાં નોકરી જતાં તારાબેને જણાવ્યું હતું કે AMTS અને BRTS બસો બંધ થતાં ખૂબ જ હાલાકી પડી છે. રિક્ષાચાલકો વધુ ભાડું માગે છે, જે કાઢવું મુશ્કેલ છે. ઓછી કમાણી હોય અને વધુ ભાડું ચૂકવી શકતા નથી ત્યારે AMTS અને BRTS બસ સેવા કોર્પોરેશને બે સીટ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સાથે એક સીટ પર એક વ્યક્તિ બેસાડી ચાલુ રાખવી જોઈએ, જેથી લોકોને હેરાનગતિ ન થાય.

ચૂંટણી-મેચ વખતે આવો નિર્ણય કેમ ન લેવાયો?
આજથી AMTS અને BRTS બંધ થતાં ગત માર્ચ મહિનામાં લોકડાઉનનો સમય લોકોને યાદ આવી ગયો હતો. તમામ AMTS અને BRTS બસો ડેપોમાં પાછી જોવા મળી હતી. બસોમાં મુસાફરી ફરી એકવાર બંધ થઈ જતાં મુસાફરો હેરાન થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ચૂંટણી અને મેચ દરમિયાન હજારો લોકો ભેગા થયા ત્યારે સરકાર અને કોર્પોરેશન ઊંઘતાં હતાં ?? કોરોના જતો રહ્યો હોય તેમ લોકોને ભેગા કર્યા અને હવે અચાનક જ તમામ બાગ-બગીચા, જિમ, રિવરફ્રન્ટ, કાંકરિયા, ઝૂ અને AMTS- BRTS બંધ કર્યાં અને કોરોનાને કાબૂમાં લેવા સરકાર અને કોર્પોરેશન કામગીરી કરી રહ્યાં છે, જેનાથી જનતા હેરાન-પરેશાન થઈ રહી છે.