- સચિન વઝેને ક્રાઇમ બ્રાન્ચમાથી હટાવવામાં આવ્યા
- વઝેએ ધરપકડના ડરથી આગોતરા જામીન માટે થાણે સેશન કોર્ટમાં અરજી કરી
મહારાષ્ટ્ર ગૃહ વિભાગના આદેશ પર મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ-ઈન્સ્પેકટર સચિન વઝેને ક્રાઇમ બ્રાન્ચમાંથી હટાવવામાં આવ્યા છે. તેમને નાગરિક સુવિધા કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. આ આદેશ શુક્રવાર 12 માર્ચ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. વઝેએ પણ તેને ક્રાઈમ બ્રાંચમાંથી હટાવવાની પુષ્ટિ કરી છે. 10 માર્ચે ગૃહમંત્રી અનિલ દેશમુખે વિરોધના ધાંધલધમાલ બાદ વાઝેના ટ્રાન્સફરની વાત કરી હતી.
વઝેએ ધરપકડના ડરથી આગોતરા જામીન માટે થાણે સેશન કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે જામીન અરજી સ્વીકારી છે અને સુનાવણીની આગામી તારીખ 19 માર્ચ નક્કી કરી છે.
વઝે પર શું આરોપ છે ?
વઝેનું નામ 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહારથી મળી આવેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના મૃત્યુ સાથે સંકળાયેલું છે. મનસુખના મોત મામલે મહારાષ્ટ્ર ATSએ હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાનો કેસ નોંધ્યો છે. મનસુખની પત્ની વિમલા હિરેને પણ વઝે પર તેના પતિની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ વિમલા હિરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા એક પત્ર દ્વારા લગાવ્યો હતો. એનો ઘટસ્ફોટ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ગત સપ્તાહે કર્યો હતો.
પત્નીએ કહ્યું- વઝે સ્કોર્પિયોનો ઉપયોગ કરતા હતા
સ્કોર્પિયો મળી આવ્યાના એક અઠવાડિયા પછી મનસુખ હિરેનની લાશ તેના ઘરથી સાત કિલોમીટર દૂર થાણેની દરિયાઇ ખાડીમાંથી મળી હતી. આ પછી તેની પત્નીએ જણાવ્યું હતું કે તેની સ્કાર્પિયો કાર છેલ્લા ચાર મહિનાથી એપીઆઈ સચિન વઝે ઉપયોગ કરી રહ્યો હતો. તેણે એટીએસમાં નોંધાવેલા નિવેદનમાં પણ સચિન વઝે પર હત્યાની શંકા પણ વ્યક્ત કરી છે.
સ્કોર્પિયોની ચોરીના નથી મળ્યા પુરાવા
મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયોનો ફોરેન્સિક રિપોર્ટ પણ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, કારની ચેસીસ અને એન્જિન નંબરને ગ્રાઇન્ડરથી દૂર કરવાના પ્રયાસ કરેલા છે. કારનો ગેટ ખોલવા અથવા ચોરી કરવા માટે કોઈ ચેડાં, તોડફોડ કરી હોવાના પુરાવા મળ્યા નથી. આનો અર્થ એ છે કે તે વ્યક્તિ ખૂબ જ સરળતાથી કારની ચોરી કરવામાં સફળ રહી હતી.
NIA અને ATSની તપાસ ચાલુ
વિમલા હિરેને કહ્યું હતું કે 17 ફેબ્રુઆરીની રાતે તેનું સ્ટીયરિંગ જામ થઈ જતાં તે વાહન રસ્તા પર છોડી દીધું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન શુક્રવારે આ કેસમાંથી એનઆઈએની એક ટીમે આ કેસ બાબતે માહિતી મેળવવા માટે થાણે પોલીસ અધિકારીઓને મળવા પહોંચી હતી. હિરેનના મોતની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસે પણ થાણેની કેટલીક વ્યક્તિઓનાં નિવેદનો પણ નોંધ્યાં છે.