- આઝાદીના 75મા વર્ષે ગાંધી આશ્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીમાં પીએમ મોદી હાજર
- અમદાવાદમાં કાર્યક્રમ બાદ હીરાબાને મળવા તેમના નિવાસ સ્થાને પીએમ મોદી જઈ શકે
ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લઈ રહ્યા છે. ગાંધી આશ્રમમાં કાર્યક્રમ પૂરો કર્યા બાદ પ્રધાનમંત્રી હીરાબાની મુલાકાત લેવા જઈ શકે છે. જેને પગલે રાયસણમાં પીએમના ભાઈ પ્રહલાદ મોદીના નિવાસ સ્થાન એવા વૃંદાવન એપાર્ટમેન્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે જ 98 વર્ષના હીરાબાએ કોરોનાની વેકસીનનો ડોઝ લીધો હતો, એવામાં મોદી માતા હીરાબાને મળવા માટે રાયસણ પહોંચી શકે છે.
મહત્વનું છે કે પીએમ મોદીના માતા હીરાબા તેમના ભાઇ પંકજ મોદી સાથે ગાંધીનગરના રાયસણમાં આવેલ વૃંદાવન બંગલોમાં રહે છે. જ્યાં આજે વહેલી સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સુરક્ષા અધિકારીઓ બંગલોની આસપાસ સઘન ચેકિંગ કરી રહ્યા છે. ગાંધીનગર સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા વિસ્તારમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત આ વિસ્તારના વેપારીઓને પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
હીરાબાએ લીધી કોરોના વેક્સીન
વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, મોદીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું કે તમે આસપાસના લોકોની મદદ કરો અને રસીકરણ માટે પ્રેરિત કરો. નોંધનીય છે કે આ પહેલા પીએમ મોદીએ પણ કોરોના રસી લઈને લોકોને ચોંકાવી દીધા હતા, ત્યારે આજે પીએમ મોદીના માતાએ કોરોના વેક્સિન લીધી છે.
વડાપ્રધાનની લોકોને વેક્સિન લેવા અપીલ
દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે કે જે લોકો હાલ વેક્સિન લેવા પાત્ર છે તેવા લોકોને વેક્સિનનો ડોઝ લેવા માટે મદદ અને પ્રોત્સાહિત કરવાનું કામ કરો.’
વડાપ્રધાને પણ રસીનો પહેલો ડોઝ લીધો હતો
પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી માર્ચે દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી હતી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી હતી. મોદીએ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે ‘મે એઈમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.’