
- આશ્રમના બંને ગેટ પર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે
12 માર્ચના રોજ દાંડીકૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે. એને લઈ ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધી આશ્રમમાં સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધી આશ્રમમાં બહારથી આવનારા મુલાકાતીઓનું ચેકિંગ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આશ્રમના બંને ગેટ પર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. સભા સ્થળ પર પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એરપોર્ટ સીધા ગાંધીઆશ્રમ જશે મોદી
વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને સીધા ગાંધીઆશ્રમ ખાતે આવશે. આજે સવારે શહેર પોલીસ અને SPG દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી ડફનાળા, નારણઘાટ, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ સુધી SPG ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં રિહર્સલ કરવામા આવ્યું હતું. ગાંધીઆશ્રમથી પરત અભયઘાટ સભા સ્થળ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમ્યાન 35 મિનિટ સુધી સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ સુધી અને વાડજ સર્કલથી ગાંધીઆશ્રમ સુધીનો રોડ વાહનવ્યવહાર માટે બંધ રાખવામા આવ્યો હતો. આશ્રમની આસપાસ આવેલી સોસાયટી અને ગલીઓની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

PM મોદીના આગમન પહેલાં રસ્તાનું સમારકામ શરૂ
સાબરમતી આશ્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી સહિતના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ આવશે. દાંડીયાત્રાને 91 વર્ષ થઈ રહ્યાં હોવાના અવસરે દાંડીપૂલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે આજે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીના વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે. પીએમ મોદીની આ મુલાકાતને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીજીએ આશ્રમથી દાંડીબ્રિજ પર થઈ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. બ્રિજથી આગળનો રસ્તો કાચો હતો, પરંતુ વડાપ્રધાન મોદી આવવાના હોવાથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

નરેન્દ્ર મોદી ક્યાં વિઝિટ કરશે?
* ગાંધી આશ્રમમાં નરેન્દ્ર મોદી 10 વાગે આવશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે.
* હૃદયકુંજ જશે, જ્યાં તેઓ રેંટિયો કાંતે એવી શક્યતા છે, જે માટે એક મહિલા ત્યાં હાજર રહેશે.
* નરેન્દ્ર મોદી ત્યાર બાદ ચાલતા દાંડીબ્રિજ પર જશે, જ્યાંથી તેઓ પ્રતીકાત્મક દાંડીયાત્રા શરૂ કરશે.

યાત્રામાં 81 ગાંધી-અનુયાયી જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા જેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.