
- સ્ટેડિયમનું નામકરણ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતા મોદીની ટીશર્ટ પહેરીને દર્શકો મેચ જોવા પહોંચ્યા
- આખા ગ્રુપે સ્ટેડિયમની બહાર ‘ભારત માતા કી જય’ અને ‘નરેન્દ્ર મોદીની જય’ના નારા લગાવ્યા
- ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચનો આજે પ્રથમ દિવસ છે
- ભારત સીરિઝમાં 2-1થી આગળ છે, મેચ જીતવા અથવા ડ્રો કરવા પર ભારતનું જોર
ભારતમાં ક્રિકેટનો એક અલગ જ ક્રેઝ છે. ભારતના ક્રિકેટ રસિકો કોઈપણ પ્રકારની ચેમ્પિયનશિપને જોવાનું ચૂકતા નથી. ત્યારે આજે અમદાવાદના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડીયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ યોજાઈ રહી છે. જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદીઓની સાથે દેશ-વિદેશથી સમર્થકો મેચ જોવા માટે આવી રહ્યા છે. આવા સમયે ભારતની ટીમને ચિયર કરવા માટે દર્શકો અવનવા પોશાકો અને બોડી પેઈન્ટ કરાવીને સ્ટેડિયમમાં પહોંચ્યા છે. આજે ચોથી મેચના પ્રથમ દિવસે અમદાવાદનું એક ગ્રુપ નરેન્દ્ર મોદીની પ્રિન્ટ વાળી ટી શર્ટ પહેરીને સ્ટેડિયમ ખાતે પહોંચ્યું હતું.

12 લોકોના ગ્રુપે અલગ અંદાજમાં એન્ટ્રી લીધી
અસારવા વિસ્તારમાંથી રાકેશ શુક્લા 12 લોકોના ગ્રુપ સાથે મેચ જોવા પહોંચ્યા હતા. રાકેશ શુક્લાએ જણાવ્યું હતું કે, અત્યારે સરદાર પટેલ સ્ટેડિયમનું નામકરણ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે. જેથી તેઓ આજે નરેન્દ્ર મોદીના પ્રિન્ટ વાળી ટી શર્ટ પહેરીને આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉ જ્યારે આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું ત્યારે તેઓ સરદાર પટેલની ટી શર્ટ પહેરીને મેચ જોવા માટે આવતા હતા. આ તમામ લોકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના આખા ગ્રુપે સ્ટેડિયમની બહાર ‘ભારત માતા કી જય’ અને ‘નરેન્દ્ર મોદીની જય’ના નારા લગાવ્યા હતા અને ત્યારપછી સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ કર્યો હતો.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.
