- ચંદુભાઈને મિત્રો-સ્વજનોના પ્રસંગમાં ટ્રેડિશનલ રાસ લેવાનું પસંદ છે
- નોકરી કરતા હતા ત્યારે સાથે કામ કરનારા લોકો સાથે આજે પણ સંપર્કમાં રહે છે
- જે એસ્ટ્રોન ટૉકીઝમાં કામ કરતા હતા એ વેચાઈ ત્યારે દુઃખી થયા હતા
- પેપ્સિકોએ બાલાજી વેફર્સ ખરીદવાની ઑફર આપેલી, પણ ચંદુભાઈએ પેપ્સિકોનાં ઇન્દ્રા નુયીને મળવાની ના પાડી દીધેલી
છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતીઓનો નાસ્તો બાલાજી વેફર્સનું પેકેટ ખોલ્યા વિના પૂરો નથી થતો. એક સમયે રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરવાથી લઇને દુનિયાભરમાં બાલાજી વેફર્સનું 10 હજાર કરોડનું સામ્રાજ્ય ખડું કરનારા ચંદુભાઈ વિરાણી આજે પણ એટલા જ સહજ છે અને પોતાનાં મૂળિયાં સાથે જોડાયેલાં છે. પેપ્સિકો જેવી ગંજાવર મલ્ટીનેશનલ કંપનીની ઑફર ઠુકરાવવાની ખુમારી ધરાવતા ચંદુભાઈ આજેય મિત્રો-સ્વજનોનાં લગ્નમાં ટ્રેડિશનલ રાસ પણ લઈ લે છે અને પૌત્રીઓ માટે વૅફર પણ તળી આપે છે. આજે જ્યારે બાલાજી વેફર્સ પોતાના નવા પ્લાન્ટ સાથે ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી કરવા વિચારી રહી છે, ત્યારે દિવ્ય ભાસ્કરે તેમની સાથે ટેલિફોનિક ગોઠડી માંડી હતી, જેમાં ચંદુભાઈ પોતાના નિખાલસ સ્વભાવનો પરિચય આપતાં ખાસ્સા ખીલ્યા હતા. તેમની બાલાજી વેફર્સ સાથેની ચાર દાયકાની સફરની ખાટી-મીઠી વાતો તેમણે મોકળા મને વ્યક્ત કરી હતી. આવો માણીએ…
દિવ્યભાસ્કર: શું આજે પણ જૂના મિત્રો તમારા સંપર્કમાં છે?
ચંદુભાઈ: મારે નાનપણના 2-4 મિત્ર છે, જેની સાથે હું નદીએ નાહવા જતો અને અમે ઝાડ પર ચડવાની રમતો રમતા, તેમના સંપર્કમાં છું. તેઓ પણ જ્યારે રાજકોટ આવે તો મને અચૂક મળે છે અને હું પણ તેમના નાના-મોટા પ્રસંગોમાં ગામડે જાઉં છું. તેમના પ્રસંગમાં હું રાસ પણ રમું છું. મને આવું કરતાં જોઈ તેઓ પણ ચોંકી જાય છે. ગામડામાં જે રીતે રાસ લેવાય એ રીતે જ હું કાઠિયાવાડી રાસ લઉં છું. આ સિવાય રાજકોટ આવ્યા પછી જે મિત્રો બન્યા અને મારી સાથે જે લોકો કામ કરતા હતા તેમના સંપર્કમાં પણ રહું છું. મિત્રો એ મિત્રો હોય છે. પૈસા આવ્યા એટલે હું તેમને છોડી દઉં એ યોગ્ય નથી. તેઓ મને ફોન કરે, હું તેમને ફોન કરું. આવું બધું ચાલતું હોય છે.
દિવ્યભાસ્કર: એસ્ટ્રોન ટોકીઝમાં નોકરી કરતા એ સમયના લોકો સાથે અત્યારે કેવો સંબંધ છે?
ચંદુભાઈ: હું જ્યારે એસ્ટ્રોનમાં નોકરી કરતો હતો એ સમયે મારી સાથે એક વિજયભાઈ શાહ નોકરી કરતા હતા અને ચંદુભાઈ ઠક્કરની રેકડી હતી. તેઓ આજે પણ મારી સાથે જોડાયેલા છે. આ બંને દર રવિવારે મને મળવા આવતા. હાલ કોરોના છે એટલે અમે મળી શકતા નથી. ફોન કરીને કહે છે કે ઘણા દિવસોથી મળ્યા નથી તો મળવું છે. આ બંનેનાં ઘરે જઈને જમવાના વ્યવહાર છે. વિજયભાઈને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન છે અને ચંદુભાઈ સેન્ડવિચની દુકાન ચલાવે છે.
દિવ્યભાસ્કર: તમે જ્યાં નોકરી કરતા એ એસ્ટ્રોન ટોકીઝ બંધ થઈ તો તમને કેવું લાગ્યું?
ચંદુભાઈ: ટોકીઝ બંધ કરી ત્યારે મેં મારા શેઠ ગોવિંદભાઈ ખુંટને કહેલું કે તમે આ સિનેમાને વેચી કેમ નાખ્યું? મને તો ટોકીઝ માટે લાગણી હતી, પણ એનાથી વિશેષ મારા શેઠ માટે દુઃખ થતું હતું, કેમ કે એસ્ટ્રોન ટોકીઝ એ ગોવિંદભાઈની ઓળખ હતી. મેં તેમને કહેલું કે ભાગીદારોને છૂટા થવું હોય તો ભલે થાય, હું તેના બદલે પૈસા આપી દેત. એસ્ટ્રોનની કેન્ટીનમાં મેં 1974થી નોકરી શરૂ કરી હતી અને ત્યારે મને રૂ. 90 પગાર મળતો હતો. મને આજે પણ એ યાદ છે કે બે સીટ વચ્ચે અને બે લાઈન વચ્ચે કેટલી જગ્યા હતી. મને તો સમાચારથી ખબર પડી હતી કે ટોકીઝ વેચાઈ ગઈ છે. એ સમયે એમાંથી મને કોઈ આવક ન હતી છતાં પણ મને આંચકો લાગ્યો હતો, આ તો આપણું સિનેમા વેચાઈ ગયું.
દિવ્યભાસ્કર: કંપનીના કર્મચારીઓ અને તમારી વચ્ચે કેવો તાલમેલ રહે છે? સામાન્ય રીતે મોટી કંપનીઓમાં સ્ટાફ અને મેનેજમેન્ટ વચ્ચે નાનામોટા ઝઘડા થતા હોય છે, પણ બાલાજી વિશે આવું કંઈ સાંભળ્યું નથી.
ચંદુભાઈ: બાલાજી સાથે આશરે 5000 કર્મચારી જોડાયેલા છે. આ અમારા કર્મચારીઓ નથી, પણ અમારો પરિવાર છે. અમારી સ્ટ્રેટેજી પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફના કોઈને પણ ક્યારેય માગવા આવવું જ ન પડે એટલું તેમને આપવું. કર્મચારીએ માગવા આવવું પડે એ આપણી કમી છે. કર્મચારીઓ આપણા કમાઉ દીકરા છે. અમારી ફેક્ટરીમાં ઘણી બહેનો અને છોકરીઓ કામ કરે છે, તેમનાં લગ્ન થાય કે કોઈ કર્મચારીના પરિવારમાં બીમારી આવે અથવા બાળકોના અભ્યાસની જરૂરિયાત, આવી તમામ બાબતોની અમે ખાસ તકેદારી રાખીએ છીએ. નાછૂટકે કોઈ કર્મચારીને કાઢવો પડ્યો હોય તોપણ તેનું ઘર ચાલતું અટકવું જોઈએ નહિ તેવું મારું માનવું છે. મેં આ વાત કંપનીમાં પણ કહી છે કે ભૂતકાળમાં પણ કોઈ આપણી સાથે જોડાયેલું હોય અને અત્યારે તેને કંઈ જરૂર પડે તો તેને મદદ કરવી.
દિવ્યભાસ્કર: એસ્ટ્રોનમાં વેફર વેચતા ત્યારની અને અત્યારની સ્થિતિમાં કેવો બદલાવ અનુભવો છો?
ચંદુભાઈ: હું કેન્ટીનમાં જોડાયો ત્યારે સૌ પહેલા 1974-1982 સુધી બહારથી વેફર લાવીને કેન્ટીનમાં વેચતા હતા. 1982થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી. પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા ન હતા અને વિચારતા કે આ ક્યારે બનેલી હોય. રાજકોટમાં એ સમયે ગોરધનદાસ તાવડો રાખીને વેફર વેચતા હતા. ધીમે ધીમે અમારું વેચાણ વધ્યું તો આસપાસની દુકાનોમાં સપ્લાઇ શરૂ કરી અને પછી આખા શહેરમાં વેચાવા લાગી. વેચાણ વધતાં લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી અને બેંક લોન લઈને પ્રોડક્શન શરૂ કર્યું. મારા ભાઈ કનુભાઈને ટેક્નિકલ સમજ હતી એટલે 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો અને આજે હવે સમય પ્રમાણે મારા અને ભાઈઓનાં સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે.
દિવ્યભાસ્કર: શું આજે પણ ક્યારેય હવે વેફર બનાવો છો?
ચંદુભાઈ: આમ તો છેલ્લાં 10-15 વર્ષથી મેં કામ પણ ઓછું કરી નાખ્યું છે. મારા દીકરા પ્રણયની દીકરીઓ શ્રીજા અને શ્રાવ્યા ક્યારેક મને કહે કે દાદા અમારે વેફર ખાવી છે તો હું તેમના માટે ઘરે વેફર બનાવી આપું છું. પરિવારના સભ્યો કહે તો હું ના નથી પાડતો. છોકરાઓ પણ નવી ફ્લેવર બનાવવાની હોય ત્યારે મને પૂછતા હોય છે અને મને ખબર પડે એ રીતે હું તેમને સલાહસૂચન કરતો રહું છું.
દિવ્યભાસ્કર: પેપ્સિકોએ બાલાજી વેફર્સ ખરીદવા માગણી કરી હતી અને એ સમયે ઈન્દ્રા નુયીને તમે ના કહી હતી?
ચંદુભાઈ: અમુક વર્ષો પહેલાં પેપ્સિકોએ તબક્કાવાર બાલાજી વેફર્સ ખરીદવાની ઓફર કરી હતી. પેપ્સિકો પહેલાં 25%, પછી 51% અને એવી રીતે ધીમે ધીમે 100% સ્ટેક ખરીદવા માગતી હતી. બરાક ઓબામા જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે તેઓ એક વાર ભારત આવેલા અને તેમની સાથે પેપ્સિકોનાં ઈન્દ્રા નુયી પણ હતા. હું પણ ત્યારે દિલ્હીમાં હતો અને તેમણે મળવા માટે મને અડધો કલાકનો સમય આપ્યો હતો, પણ હું ના ગયો. મને થયું કે મારે શું જરૂર છે? પછી મારા નાના ભાઈના દીકરાએ કહ્યું, ભલે તમે ડીલ ના કરો, પણ તમારે તેમને મળવું જોઈએ. ઈન્દ્રા નુયીને મળવું એ એક અચિવમેન્ટ કહેવાય. તો મેં કહ્યું, મારે નથી લેવું અચિવમેન્ટ અને હું ના મળ્યો.
દિવ્યભાસ્કર: તમને કઈ વસ્તુનો શોખ છે?
ચંદુભાઈ: મને ટ્રેડિશનલ રાસનો શોખ છે, બાકી બીજો કોઈ ખાસ શોખ નથી. હું એકદમ સરળ રીતે રહેવામાં માનું છું. મારા કરતાં તો મારા ડ્રાઈવરને ગાડીઓનો શોખ છે. તે મને ઘણીવાર નવી નવી ગાડી વિશે વાત કરતો હોય છે.
દિવ્યભાસ્કર: લોકડાઉનમાં તો ક્યાંય બહાર જવાનું થતું નહીં, તો એ સમય ઘરે કેવી રીતે પસાર કર્યો?
ચંદુભાઈ: આમ તો મને બહુ બહાર જવાનો શોખ નથી. મારા દીકરાની બંને દીકરી નાની છે. લોકડાઉન હતું ત્યારે હું તેમની સાથે રમીને સમય પસાર કરતો હતો.
દિવ્યભાસ્કર: કોરોનાની વર્તમાન સ્થિતિને તમે કેવી રીતે જુઓ છો?
ચંદુભાઈ: કોરોના છે તો શું થયું? મોટી રાત છે તેમ મોટો દિવસ પણ આવશે. એમાં ગભરાવાની જરૂર નથી. મારી ત્રણ ફેક્ટરી છે. પરિસ્થિતિ ખરાબ છે તો હું ક્યાં ઘરમાં બેસી ગયો? હું ગુજરી જઈશ તો આ બધું ભેગું થોડો લઇ જવાનો છું. માણસો રોડપતિમાંથી કરોડપતિ બને છે તો ક્યારેક ફરી રોડપતિ પણ બની જાય, તો એમાં મુંઝાવાનું ન હોય. અમીરી કે ગરીબી સુખ-દુઃખનાં માનસિક કારણો છે. ટેન્શન લેવાથી બીમારી આવશે, એના કરતાં ચિંતા કરવી નહિ તેવું હું માનું છું.
બાલાજી વેફર્સ – શૂન્યમાંથી સર્જનની સફર
- 1981 ઘરમાં જ બટાકાની વેફર બનાવવાની શરૂઆત અને એસ્ટ્રોન ટોકીઝની કેન્ટીનમાં વેચાણ શરૂ કર્યું
- 1984 વેચાણ વધતાં આસપાસની દુકાનોમાં અને પછી શહેરભરમાં સપ્લાઇ શરૂ કરી
- 1989 બેંક પાસેથી લોન લઈને રાજકોટમાં સેમી-ઓટોમેટિક પ્લાન્ટ સ્થાપ્યો
- 1995 બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની બની
- 2002 રાજકોટમાં બીજો પ્લાન્ટ બનાવ્યો, જેની મશીનરી એ સમયે દેશની સૌથી અત્યાધુનિક હતી
- 2008 વેફર અને અન્ય નમકીન બનાવવા માટે વલસાડમાં પ્રોડક્શન શરુ કર્યું
- 2013 બાલાજી વેફર્સનું ટર્નઓવર રૂ. 1000 કરોડને પાર પહોચ્યું
- 2016 પહેલીવાર ગુજરાતની બહાર મધ્યપ્રદેશમાં રૂ. 400 કરોડના રોકાણ સાથે પ્લાન્ટ શરૂ કર્યો
- કંપનીમાં 5000થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને પરોક્ષ રીતે કંપની 1 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે
- બાલાજી વેફર્સનો ભારતના સ્નેક્સ માર્કેટમાં 20% અને પશ્ચિમ ભારતમાં 70% જેવો હિસ્સો છે
- કંપની હવે ઉત્તર ભારતની બજારને સર કરવા ઉત્તરપ્રદેશમાં પ્લાન્ટ બનાવવાનું વિચારી રહી છે
