- આરટીઓના કામકાજ માટે આવતા વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ
- પેસેન્જર વાહન, કેપેસિટી 33 સીટવાળી મિની બસ શહેરની અંદર પ્રવેશ કરી શકશે
શહેરમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. બે દિવસ કર્ક્યૂના કારણે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. પરંતુ ગઈકાલ સવારથી ફરી પ્રદૂષણ વધ્યું છે. આ બાબતને ધ્યાનમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતરગત હવે શહેરમાં સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ છે. ત્યારે આરટીઓના કામકાજ માટે આવતા વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ મળશે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા ખુબ જ વધી રહી છે. ત્યારે હવે તેને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર હવેથી સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક સહિતના ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે જે વાહનો આરટીઓમાં કામકાજ માટે આવવા માંગતા હોય તેઓને સવારે 10થી સાંજે 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે.
7500 કિગ્રા સુધીના વજન સાથેના વાહન શહેરમાં પ્રવેશ કરી શકશે
* જે વાહનનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતુ હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા લાઈટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, તે સિવાયના વ્હીકલને શહેરમાં અવરજવર કરવા પર સવારે 8થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે.
* માત્ર આરટીઓ કચેરીના કામકાજ માટે નીચે દર્શાવ્યા મુજબના માર્ગ પર સવારે 10 થી સાંજે 6 દરમિયાન પ્રવેશ મળી શકશે.
* સુભાષ બ્રિજ આરટીઓ કચેરીના કામ માટે આવવા અને જવા માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને ઝુંડાલ તપોવન સર્કલથી વિસત પેટ્રોલ પંપ, અચેર ચાર રસ્તા, ચિમન ભાઈ પટેલ બ્રિજ પરથી માત્ર આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે.
* સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ સર્કલથી શાંતિપુરા સીધા બોપલ બાજુથી જમણી તરફ વળી તથા સરદાર પટેલ રિંગ ઉપરના સનાથલ સર્કલથી ઉજાલા સર્કલથી સીધા ઈસ્કોન સર્કલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તાથી ડાબી તરફ વળી સીધા 132 ફૂટ રિંગ રોડથી સીધા આરટીઓ કચેરી સુધી અવરજવર કરી શકાશે.
* વસ્ત્રાલ આરટીઓ કચેરીના કામ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા થઈ ફક્ત આરટીઓ કચેરીના કામ માટે આવી અને જઈ શકાશે.
* જાહેરનામા જીવનજરૂરી ચીજવસ્તુઓ જેમ કે, દૂધ-શાકભાજી, ફ્રુટ, પેટ્રોલ તેમજ ડીઝલના વાહનોને સવારે 9થી બપોરે 1 અને સાંજના 4થી 9 સિવાયના સમયગાળામાં આવવા જવા માટે છૂટછાટ આપવામાં આવી છે.
ધૂળ કરતા ધુમાડો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક
સામાન્ય રીતે હવામાં રજકણ રહેલા હોય છે. પરંતુ નિયત માત્રાથી વધારે હોય તો તે માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભારતના મોટા શહેરોમાં હાલ આવા પાર્ટીકલનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેમાં વાતાવરણમાં ખાસ કરીને ધુમાડો અને ધૂળના રજકણ મુખ્ય જવાબદાર પ્રદૂષક છે. આ પ્રદૂષકમાથી ધુમાડો એ કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક છે. ધુમાડા અને ધૂળના વધતા પ્રમાણથી લોકોમાં શ્વાસને લગતી બીમારીઓ વધુ જોવા મળી રહી છે. ધૂળ-ધૂમાડો મહદ્અંશે કેન્સર માટે પણ જવાબદાર પરિબળ છે. સૌથી વધારે બાળકોના શ્વસન પ્રક્રિયાને માઠી અસર કરે છે.
અમદાવાદમાં આ કારણોથી હવા પ્રદુષણના વધુ ફેલાય છે
– પિરાણા કચરાના ડુંગરમાં વારંવાર લાગતી આગ
– બાંધકામ અને મોટા પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ધૂળ
– ખુલ્લા પ્લોટમાંથી થતું માટીનું ધોવાણ
– જાહેરમાં કચરાને આગ લગાડવાની પ્રવૃતિથી પણ જવાબદાર
