- 50થી વધુ ઉંમરના લોકો અને 50થી ઓછી ઉંમરના જેઓ અન્ય રોગો ધરાવે છે તેમની યાદી અલગ તૈયાર કરાશે
રાજ્યમાં કોરોનાના કેસમાં હવે ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, વેક્સિનની ચાલી રહેલી ટ્રાયલથી સંક્રમણના હાહાકારમાં લોકોને હાશકારો થયો છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. ઘરદીઠ સર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર મારફત અને અન્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે, એ રીતે સર્વે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.
મતદાન મથકની જેમ સરવે માટે ટીમોની રચના કરાશે
દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા જિલ્લા તંત્રને આ સર્વે માટે મતદાન મથક પ્રમાણે તાત્કાલિક મંગળવારે જ ટીમોની રચના કરી દેવાનું તેમજ દરેક ટીમને ઓરિયેન્ટેશન આપવાનું જણાવાયું છે. સર્વે ટીમોએ કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, થેલિસિમિયા, સિકલસેલ એનિમિયા, એઈડ્સ, માનસિક રોગો સહિત અસાધ્ય રોગોની માહિતી ધ્યાને લેવા જણાવાયું છે. આ સમગ્ર બાબતો અંગે રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરોને મોકલાવ્યો છે.
33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના
વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે.
યાદીમાં 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લોકો સામેલ
50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કોલસ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે. કોલસ્ટોરેજની કેપેસિટી વધારવાનું કામ ચાલી રહ્યું છે તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
AMCએ 40 હજાર હેલ્થ વર્કર્સની યાદી મોકલી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વેક્સિન આપવા માટેની તૈયારીઓ અગાઉથી જ આરંભી દીધી હતી. વેક્સિનના વિતરણ મામલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 4 સ્ટેજમાં આ વેક્સિન આપવામાં આવશે, જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવાઈ છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.
