રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે દિલ્હીથી આવેલી કેન્દ્ર સરકારના તજજ્ઞોની ટીમે કરેલા સૂચનો મુજબ રાજ્યના આરોગ્ય વિભાગે ગાઇડલાઇન જારી કરી છે. જે પ્રમાણે રેપિડ એન્ટિજન નેગેટિવ હોય તેવા સિમ્પ્ટોમેટિક દર્દીઓનો RTPCR ટેસ્ટ અવશ્ય કરાવવાનો રહેશે. જે દર્દી સિમ્પ્ટોમેટિક હોય અને રેપિડ એન્ટિજન તેમજ RTPCR બંને ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તેનો સિઝનલ(સ્વાઇન)ફ્લૂ માટેનો ટેસ્ટ કરાવવાનો રહેશે.
પાંચ-સાત દિવસે રેપિડ એન્ટિજન ટેસ્ટ અવશ્ય કરાવવો પડશે
આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.દિનકર રાવલે તમામ આરોગ્ય અધિકારીઓ માટે જારી કરેલી સૂચના મુજબ પોઝિટિવ દર્દીના હાઇરિસ્ક કોન્ટેક્ટમાં હોય તેવા વ્યક્તિઓના પાંચથી સાત દિવસે રેપિડ એન્ટિજન ટેસ્ટ અવશ્ય કરવાનો રહેશે. તે પૈકી સિમ્પ્ટોમેટિક હોય તેવા લોકોના તાત્કાલિક ટેસ્ટ કરવાના રહેશે. પોઝિટિવ દર્દીના હાઇરિસ્ક કોન્ટેક્ટને હોમ ક્વોરન્ટાઇન રાખી દૈનિક ધોરણે ગાઇડલાઇન મુજબ મોનિટરિંગ કરવાનું રહેશે.
દર્દીની સ્થિતિ વણસે તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના રહેશે
હોમ ક્વોરન્ટાઇનની અમલવારી ન કરનારા કોન્ટેક્ટને જરૂર જણાયે ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવાના રહેશે. હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓને દૈનિક ધોરણે પેરા-મેડિકલ સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવાનું રહેશે અને તેમની આરોગ્ય ચકાસણી બાબતનું રજીસ્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી નિભાવવાનું રહેશે. દર્દીની સ્થિતિ વણસે તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાના રહેશે.
