કૃષિ કાયદાના વિરોધમાં 7 દિવસથી દિલ્હી-હરિયાણા બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને મનાવવાના સરકારના પ્રયાસ મંગળવારે નિષ્ફળ રહ્યાં. સરકાર સાથે 35 ખેડૂત સંગઠનોની 3 કલાક સુધી ચાલેલી વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું. મીટિંગમાં સરકાર કાયદા પર પ્રેજેન્ટેશન બતાવીને ફાયદા ગણાવતી રહી, પણ ખેડૂત ત્રણ કાયદાને પાછા લેવાની માંગ પર અડ્યાં છે. તેમણે એટલે સુધી કહી દીધું કે, અમે કંઈક તો મેળવીને જશું, ભલે ગોળી હોય કે પછી શાંતિપૂર્ણ નિવેડો.
મીટિંગમાં સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ઉપરાંત રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશ હાજર રહ્યાં. ત્રણેય આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. ખેડૂતો સાથે સરકાર 3 ડિસેમ્બરે ફરી મીટિંગ કરશે.
ચા આવી તો ખેડૂતોએ કહ્યું કે,ધરણાસ્થળે આવો, જલેબી ખવડાવીશું
3.45 વાગ્યેઃ ખેડૂતો અને સરકારની મીટિંગ શરૂ થઈ. 4 વાગ્યે સરકાર તરફથી ખેડૂતો નેતાઓને ચા ઓફર કરવામાં આવી, પણ ખેડૂતોએ કહ્યું કે, ચા નહીં, અમારી માંગને પુરી કરો. તમે ધરણા સ્થળે આવો, અમે તમને જલેબી ખવડાવીશું.
4.15 વાગ્યેઃ કૃષિ મંત્રીએ ખેડૂતોને તેમની આપત્તિઓ પુછી. ખેડૂત નેતા ડો. દર્શનપાલે ત્રણ કાયદાઓને રદ્દ કરવા અને MSPની ગેરેંટી આપવાની વાત મુકી. આ અંગે પીયૂષ ગોયલે ટોકીને કહ્યું કે, અમે ત્રણ બિલ અને MSP પર એક PPT તૈયાર કરીને લાવ્યા છીએ, એ જોઈ લો, પછી આગળ વાત કરીશું.
5.15 વાગ્યાઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમપ્રકાશે કહ્યું કે, આ ત્રણેય કાયદા તમારા ખેડૂતોના ફાયદા માટે છે. ખેડૂતોએ કહ્યું અમારી જમીન મોટા કોર્પોરેટ લઈ લેશે. તમે કાયદામાં કોર્પોરેટને ન લાવશો. આ કાયદો ખેડૂતો માટે ડેથ વોરંટ છે.
6.45 વાગ્યેઃ ખેડૂત નેતાઓએ કહ્યું કે, જ્યાં સુધી નિર્ણય નહીં થાય આંદોલન ચાલુ રહેશે. ત્યારપછી તોમરે કહ્યું કે, 3 ડિસેમ્બરે ફરી મીટિંગ કરીશું.
UP, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીના ખેડૂતો સાથે ચર્ચા જારી
બીજીબાજુ ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ આ બેઠક માટે એટલે તૈયાર થયા કારણ કે સરકારે કોઈ શરત રાખી નથી. આ અગાઉ કેન્દ્ર બે વખત ખેડૂતો સાથે વાતચીત કરી ચુકી છે.આજની બેઠક પૂરી થયા બાદ સરકાર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહી છે.
આંદોલનને લગતા કેટલાક અપડેટ
- 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પ્રથમ તબક્કાની વાતચીત યોજાઈ. ત્યારબાદ આશરે 6 વાગે ફરી ચર્ચા શરૂ થઈ અને આશરે 30 મિનિટમાં પૂરી થઈ.
- હરિયાણાના અપક્ષ ધારાસભ્ય અને સાંગવાન ખાપના પ્રમુખ સોમબીર સાંગવાને ખટ્ટર સરકારને સમર્થન પાછું ખેંચી લીધુ. ચરખી દાદરીમાં સાંગવાને કહ્યું-ખેડૂતો પર થયેલા અત્યાચારોને જોતા હું સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચુ છું.
- CAA સામે શાહીન બાગ પ્રદર્શનમાં સામેલ થયેલ 82 વર્ષની બિલ્કિસ બાનોને પોલીસે કસ્ટડીમાં લીધી. તે ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થવા સિંઘુ બોર્ડર પર પહોંચી હતી.
- ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા દિલ્હી-યુપી બોર્ડર પહોંચ્યા.
આંદોલન માટે પંજાબના ઘરે ઘરેથી લોટ,ચોખા અવે ઘી આપવામાં આવી રહ્યું છે
ભૂખ્યા પેટે ફોજ જંગ નહીં લડી શકે. આ વાતને પંજાબના ખેડૂતો કરતા વધુ સારી રીતે કોઈ ન જાણી શકે. બે મહિના પંજાબ અને હવે સાત દિવસથી દિલ્હી બોર્ડર પર રહેલા ખેડૂતોને જમવામાં મુશ્કેલી ન પડે, તેના માટે આખા પંજાબમાં દરેક ખેડૂત પરિવાર યોગદાન આપી રહ્યો છે. પંજાબમાં લાગેલા ધરણા આ દિવસે કલેક્શન સેન્ટરમાં ફેરવાઈ ગયા છે. જ્યાં 70 વર્ષના વદ્ધથી માંડી મહિલાઓ પણ માથે લોટ, ચોખા, દાળની બોરીઓ લઈને પહોંચી રહ્યાં છે. દરેક ઘરેથી લોટ, દાળ, ફળ, શાકભાજી અને દૂધ વગેરે પહેલા કલેક્શન સેન્ટર અને પછી ત્યાંથી દિલ્હી પહોંચાડાઈ રહ્યું છે.
