ખેડૂત આંદોલનનો 23મો દિવસ:મોદી આજે મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધશે, નવા ખેડૂત કાયદાના ફાયદા જણાવશે

By Abhishek Raghuvanshi
3 Min Read

ત્રણ નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 23મો દિવસ છે. ખેડૂત કાયદાને પાછા લેવાની માગ પર અડગ છે. આ બધાની વચ્ચે સરકાર અલગ અલગ રીતે ખેડૂતોને સમજાવવામાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડિયો-કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોની કોન્ફરન્સમાં જોડાશે. તેઓ ખેડૂત કાયદાના ફાયદા જણાવશે.

મોદીની અપીલ- કૃષિમંત્રીની ચિઠ્ઠી જરૂર વાંચજો
2 દિવસ પહેલાં જ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગ્વાલિયરમાં ખેડૂત સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નવા કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. તોમરે ગુરુવારે ખેડૂતોના નામે ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP)સહિત અન્ય ચિંતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીએ ખેડૂતો સાથે સાથે આખા દેશને તોમરની ચિઠ્ઠી વાંચવા માટે અપીલ કરી એને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર કાયદો હોલ્ડ કરવાનો રસ્તો વિચારે
ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સતત બીજા દિવસે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પણ કોઈની સંપત્તિ અથવા કોઈના જીવને જોખમ ન થવું જોઈએ, સાથે જ સલાહ આપી કે વિરોધની પદ્ધતિમાં ફેરફાર કરો, કોઈ શહેરને જામ ન કરી શકાય. કોર્ટે સરકારને પણ પૂછ્યું કે આ મામલાની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી શું તમે ખેડૂત કાયદાને અટકાવી શકો છો?

હાલ નવા કૃષિ કાયદા લાગુ કરવાના નિયમ જ નથી બન્યા, જેવી રીતે CAAના નથી બન્યા
લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચારીએ કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની કોમેન્ટ સાથે જોડાયેલા સવાલોના જવાબ જણાવ્યા.

- Advertisement -

શું કોઈ કાયદા પર અમલને અટકાવી શકાય છે?
બિલ પર અમલનો અધિકાર કાર્યપાલિકાનો છે. અમલ માટે નિયમ અને દિશાનિર્દેશ હોય છે. કૃષિ કાયદાને લાગુ કરવાના નિયમ હાલ નથી બન્યા, એટલે કે એ લાગુ જ નથી થયા, તો પછી એને કેવી રીતે અટકાવી શકાય છે.

શું પહેલાં ક્યારેય આવું થયું છે કે બિલ સંસદમાં પસાર થઈ ગયું અને એની પર અમલ નથી થયો?
આનું સૌથી મોટું ઉદાહરણ નાગરિકતા કાયદા સંશોધન એક્ટ છે, જે ગત વર્ષે સંસદમાં પસાર થયો હતો, પણ હજુ સુધી આ કાયદાને લાગુ કરવાના નિયમ અને દિશાનિર્દેશ બનાવાયા નથી. એટલા માટે આ કાયદો હાલ કોલ્ડસ્ટોરેજમાં છે.

જો સરકાર ઝડપથી જ નિયમ બનાવી લેશે તો?
સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો કેસ ચાલે ત્યાં સુધી અમલના નિયમ ન બનાવવાનો આદેશ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટનો ઈરાદો શું લાગે છે?
સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતમાં પ્રગતિ નથી થઈ રહીં. કોર્ટ સંભાવના શોધી રહી છે કે શું વાતચીત ચાલુ રહે ત્યાં સુધી કાયદાની અસરને મોકૂફ રાખી શકાય છે. મને લાગે છે કે કોર્ટનું આ પગલું સમાધાનની દિશામાં છે.

શું કોઈ સરકાર કાયદાને નિષ્પ્રભાવી કરવા માટે અધ્યાદેશ પણ લાવી શકે છે?
ના. કોઈપણ કાયદાને નિષ્પ્રભાવી અથવા રદ કરવા માટે સંસદનું સત્ર એકમાત્ર વિકલ્પ છે. આમ તો કાયદાના અમલને અટકાવવા માટે નિયમ ન બનાવવો એ જ કારગર પદ્ધતિ છે.

Exit mobile version