- થિયોસ ફાર્માસ્યૂટિકલના સંચાલકે રેમડેસિવિરના ખોટા બિલ બનાવ્યા’તા
શહેરના નાનામવા સર્કલ પાસે આવેલી થિયોસ ફાર્માસ્યૂટિકલના સંચાલક અને દવા કંપનીના એમઆરે મળી 206 ઇન્જેક્શનના કાળાબજાર કરવાના મામલામાં બંને શખ્સે મળી સૌરાષ્ટ્ર હોસ્પિટલના નામનું 80 ઇન્જેક્શનનું નકલી બિલ બનાવ્યાનો પોલીસ તપાસમાં ધડાકો થયો હતો, આ ઉપરાંત કેટલાક દર્દીના નામે પણ ઇન્જેક્શન આપ્યાની ખોટી સ્ટોરી ઊભી કર્યાનું બહાર આવ્યું હતું.
નાનામવા સર્કલ પાસે આવેલી થિયોસ ફાર્માસ્યૂટિકલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેટલાક દિવસો પહેલા દરોડો પાડી ઇન્જેક્શનના સ્ટોકની ખરાઇ કરી હતી જેમાં થિયોસના સંચાલક વિવિધ કર્મચારી સોસાયટીમાં રહેતા સચિન હરેશ પટેલે વેદાંત હોસ્પિટલમાં 110 રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યાનું બિલ રજૂ કર્યું હતું, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વેદાંત હોસ્પિટલમાં તપાસ કરતાં હોસ્પિટલના ડો.અનવરભાઇ કોઠિયાએ ઇન્જેક્શન મેળવ્યા અંગેનો ઇનકાર કર્યો હતો અને આ અંગે ડો.કોઠિયાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત થિયોસના સંચાલક અને ઝાયડસ ફાર્માસ્યૂટિકલના એમઆર રજનીકાંત પરષોત્તમ ફળદુએ મળી શુભમ હોસ્પિટલને 96 ઇન્જેક્શન આપ્યા અંગેનું બોગસ બિલ બનાવ્યાનો પણ ધડાકો થયો હતો.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે.જાડેજા સહિતના સ્ટાફે સચિન અને રજનીકાંતની ધરપકડ કરી બંનેને રિમાન્ડ પર લીધા હતા. પોલીસે કુલ 206 ઇન્જેક્શન અંગેની તપાસ કરતાં સચિન પટેલે સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં 80 ઇન્જેક્શન અંગેનું બિલ રજૂ કર્યું હતું. પીએસઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે, સચિન પટેલે રજૂ કરેલા બિલ પર તપાસ કરતાં સૌરાષ્ટ્ર હોસ્પિટલના નામે પણ બોગસ બિલ બન્યાનું ખુલ્યું હતું, આ ઉપરાંત બંને શખ્સે કેટલાક દર્દીના નામ આપ્યા હતા તે દર્દીને પૂછપરછમાં કેટલાક દર્દી તો આ ઇન્જેક્શન અંગે અજાણ હતા.
