આણંદ અકસ્માત:આઇશર ટેમ્પો બાઇકને ટક્કર મારી ઢસડીને ખેતર સુધી લઈ જતાં ત્રણ યુવકના પ્રાણ નીકળી ગયા, પરિવારજનોમાં આક્રંદ

By Abhishek Raghuvanshi
2 Min Read
  • ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે
  • સવારે 6.30ની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી છે

આણંદના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે સવારે અરેરાટીભર્યો બનાવ બન્યો છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આઈશર ટેમ્પો બાઇકચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ જઈ અટક્યો હતો, જ્યાં બાઈક સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આઈશર ટેમ્પોચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આણંદના ખંભોળજ પાસેથી પસાર થતા એક આઈશર ટેમ્પોએ સાવલી નોકરીએ જતા બાઈકસવાર ત્રણ યુવકને ખતરનાક ટક્કર મારતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. સવારે 6.30ની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

મૃતકોના ગામમાં અકસ્માતને લઈ માહોલ ગમગીન બન્યો.

108 ઘટનાસ્થળે પહોંચી મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા
સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા સવારે છ વાગે કણભઈપુરા ગામથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓડ બાજુ જતા આઈશર ટેમ્પોએ ખતરનાક રીતે અડફેટે લીધા હતા. આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈકસવાર યુવકો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઊભો રહી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં ત્રણેય યુવકના પ્રાણ નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલા ટેમ્પોડ્રાઈવર ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો છે. 108 ઘટનાસ્થળે પહોંચી EMT તેજસ પટેલ અને પાઈલોટ સુરેશભાઈ રાવલ મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

સવારે 6.30ની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ.

પરિવારજનોમાં આક્રંદ વ્યાપ્યો
હાલ ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. યુવાનીના ઊંબરે પરિવારની જવાબદારી લઈ રોજગારીએ નીકળેલા ત્રણ યુવકોના અસહ્ય કહી શકાય તેવા મોતને પગલે તેમનાં પરિવારજનોમાં આક્રંદ વ્યાપ્યો છે. પરિવારજનો અને સ્નેહીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યાં છે. મૃતકોના ગામમાં પણ આ અકસ્માતને લઈ માહોલ ગમગીન બન્યો છે.

- Advertisement -

બાઈકસવાર ત્રણ યુવક
(1) મનુભાઈ રણછોડભાઈ ઠાકોર રહે, પાડવણિયા
(2) ભરતભાઈ પૂજાભાઈ ઠકોર, કણભઈપુરા
​​​​​​​​​​​​​​(3) રાજેશભાઈ રમણભાઈ ઠાકોર,ખાનકુ

Exit mobile version