- ઓફિસમાં હાજર સીએને પણ બંધક બનાવી દીધો
- માસ્ક પહેરીને આવેલા લૂંટારૂઓ પાસે રિવોલ્વર અને ચપ્પુ જેવા હથિયાર હતા
મહિધરપુરા- હરિપુરામાં વિશાલા વાડી પાસે કોન્ટ્રાક્ટરના ખાંચામાં હીરા પેઢીમાં શનિવારે બપોરે ચાર લૂંટારૂઓ ત્રાટક્યા હતા. રિવોલ્વર બતાવી વેપારીને ઢોર માર માર્યો હતો. ત્યાં હાજર સીએને પણ બંધક બનાવ્યો હતો. જોકે લૂંટારૂઓ કઇ લૂંટી જઈ શક્યા ન હતા. ઘોડદોડ રોડના રત્નનાભ એપાર્ટમેન્ટમાં રહેતા આતિષ પ્રકાશ સવાણી હરિપુરા ખાતે રતિ ઇમ્પેક્ષમાં હીરાનો વેપાર કરે છે. શનિવારે બપોરે વેપારીની ઓફિસમાં સીએ અક્ષય નિમિષકુમાર શાહ(નંદીગ્રામ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ) પણ હિસાબ માટે બેઠા હતા. બપોરે પોણા બે વાગે માસ્ક પહેરીને ત્રણેક જણા આવ્યા હતા. તે પૈકી એકે આતિષભાઈ પાસે આવી રસિકભાઈ એવું પૂછયું હતું.
આતિષભાઈએ પૂછ્યું કે કોણ રસીકભાઈ. ત્યારે એકે રિવોલ્વર કાઢી લમણે મુકી દીધી હતી. બીજાએ સીએ અક્ષયના લમણે રિવોલ્વર મુકી દીધી હતી.ત્રીજાએ અક્ષયના ગળાના ભાગે છરો મુકી દીધો હતો.એકે આતિષભાઈને પૂછયુ, માલ કહાં હૈ. આતિષે કહ્યું કે કુછ નહીં હૈ. આતિષભાઈ પાસે ડ્રોઅરની ચાવી માંગી હતી. જે તેમણે નહીં આપતા તેમને માર માર્યો હતો.આતિષભાઈએ સામનો કર્યો હતો.થોડા સમયમાં આતિષભાઈનો કણસવાનો અવાજ બંધ થઈ ગયો હતો. અક્ષયે વારંવાર હાથ-પગ હલાવતા દોરી ઢીલી પડી ગઈ હતી.ત્યાર બાદ તે છુટી ગઈ હતી.
આતિષભાઈને દોરીથી બાંધી રાખ્યા હતા. અક્ષયે ઓળખીતાઓને બોલાવ્યા હતા અને આતિષભાઈને સારવાર માટે ઘોડદોડ રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આતિષભાઈને માથામાં,નાક અને ગાલના ભાગે ઇજા થઈ હતી. જે-તે સમયે ખબર ન પડી કે શું લૂંટાયું છે કારણ કે તે બાબત આતિષભાઈ જાણતા હતા પરંતુ તેઓ બેભાન હતા. મોડી સાંજે પોલીસને જાણ કરવામાં આવતા મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુલિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચ્યો હતો. સીએ અક્ષયે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વહેલી સવારે આતિષભાઈ ભાનમાં આવ્યા હતા. ઓફિસમાંથી કાંઈ લૂંટાયું નથી. આરોપીઓ સીસી કેમેરામાં કેદ થઈ ગયા છે.
આરોપીઓ રિક્ષામાં બેસી વરાછા તરફ ભાગ્યા
મહિધરપુરા પોલીસે સીસી ફુટેજના માધ્યમથી તપાસ હાથ ધરી હતી. તેમાં સીસી ફુટેજ અને રીક્ષાવાળાની મદદથી આરોપીઓની ઓળખ થઈ છે. રીક્ષાવાળાને ફુટેજ બતાવતા તેને આરોપીઓને રીક્ષામાં બેસાડીને વરાછા તરફ ડ્રોપ કર્યા હોવાની વિગત જણાવતા પોલીસે તે સ્થળે તપાસ કરતા બે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. જેથી હવે આરોપીઓની ધરપકડ બાદ લૂંટ ચલાવતી આ ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
38 વર્ષ પૂર્વે દુબઈના લૂંટારૂઓ ત્રાટક્યા હતા
આતિષના પિતા હીરાનો વેપાર કરે છે. 1982 એટલે 38 વર્ષ પહેલા તેમની હીરાની ઓફિસમાં હથિયારોના જોરે તે સમયે 15 લાખના હીરાની લૂંટ થઈ હતી. ગુનો ડિટેક્ટ થતાં તેમાં એક લૂંટારૂ દુબઈનો હતો. બીજા છેડા દુબઇ અડતા હતા. તપાસ માટે દિલ્લી પોલીસ સુરત આવી હતી.
લૂંટારૂઓ થર્મોકોલ લઇને આવ્યા હતા
લૂંટારૂઓ પોતાની બેગ ત્યાંજ છોડી ગયા હતા. તેમાં થર્મોકોલની શીટો હતો. લૂંટારૂઓ પૈકી એકનું શર્ટ ફાટી ગયું હતું. લૂંટારૂ વેપારી આતિષનું ટી-શર્ટ લઈને ગયો હતો. કુલ ચાર આરોપીઓ હતો.
