તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન અમિત શાહ શુક્રવારે રાત્રે કોલકાતા પહોંચી ગયા છે. પહેલાં દિવસે તેમણે રામકૃષ્ણ મિશન જઈને તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અહીં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ અને બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય હાજર રહ્યા હતા.
બે દિવસની મુલાકાતમાં તેઓ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીનું માળખું તૈયાર કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા નથી માંગતું. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના પોઝિટિવ આવ્યા પછી અહીંનો ચૂંટણી મોર્ચો અમિત શાહ જાતે જ સંભાળી રહ્યા છે.
અમિત શાહ મિદનાપુરમાં આજે રેલી કરવાના છે. આ દરમિયાન સંભળાઈ રહ્યું છે કે, મુખ્યમંત્રી મમતા બેનરજીથી નારાજ ટીએમસીના 9 ધારાસભ્યો અને એક સાંસદ ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમાં હાલ પાર્ટી છોડનાર તાકાતવર નેતા શુભેંદુ અધિકારી સિવાય ધારાસભ્ય શિલભદ્ર દત્તા સામેલ છે.
મમતા સાથેની ખેંચતાણ અને ચૂંટણીના કારણે આ પ્રવાસ મહત્વનો
આ સમયે કેન્દ્ર અને મમતા સરકારના સંબંધો સારા નથી ચાલી રહ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો, ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો અને રાજ્ય અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ ન હોવાથી ખેંચતાણ વધી ગઈ છે. આ દરમિયાન અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું છે કે, અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા દર મહિને પશ્ચિમ બંગાળની મુલાકાત કરવાના છે. અહીં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા છે. પહેલાં નડ્ડા એક દિવસની મુલાકાતે ઉત્તરી બંગાળ ગયા હતા. થોડા દિવસ પહેલાં જ તેઓ ફરી બે દિવસની મુલાકાતે ગયા હતા.
200+નો ટાર્ગેટ રાખ્યો છે, લોકસભામાં મળી હતી 18 સીટો
ભાજપે 2021માં થનારી વિધાનસભા ચૂંટણીમાં 249 સીટોમાંથી 200 પ્લસ સીટોનો લક્ષ્યાંક રાખ્યો છે. શાહ અને નડ્ડા ઘણી વખત જાહેર મંચ પરથી આ જાહેરાત કરી ચૂક્યા છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે બંગાળની 42માંથી 18 સીટો ભાજપના ખાતામાં ગઈ હતી.
