ભૂમાફિયાઓ પર લગામ:હવે ગેરકાયદે જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે, 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે: સીએમ

By Abhishek Raghuvanshi
6 Min Read
  • ગમે તે માથાભારે વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાશે
  • ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ કાર્યવાહી કરવામાં આવશે
  • કેસોના ઝડપી નિકાલ અને ગુનેગારોને કડક સજા કરવા વિશેષ અદાલતો બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદમાં ભૂમાફિયાઓ પર લગામ કસવા માટે જમીન ઉચાપત કાયદા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે, જેમાં હવેથી ગેરકાયદે જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે. આ મામલે 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે. નાના માણસોને સલામતી મળે એવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ માટે 7 અધિકારીની કમિટી બનાવવામાં આવશે. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે ગમે તે માથાભારે વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાશે અને ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે દર 15 દિવસે ફરજિયાત બેઠક યોજાશે. કેસોના ઝડપી નિકાલ અને ગુનેગારોને કડક સજા કરવા વિશેષ અદાલતો બનશે.

ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો સરકારે ધ્યાનમાં લીધી
મુખ્યમંત્રીએ આ કાયદાકીય જોગવાઇઓની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ હડપ કરી હોવાની ફરિયાદો અને તેમને રાતા પાણીએ રોવડાવ્યા હોવાની કેટલીક ઘટનાઓ સરકારના ધ્યાનમાં આવી હતી, જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કીમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે એવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે.

ગુનો સાબિત થશે તો ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ
ગેરકાયદે રીતે જમીન પચાવી પાડવાની ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમાફિયા કે કોઇપણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માગતી નથી. હવે આ કાયદા હેઠળ ગુનેગારો દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટને વધુ વ્યાપક અને કડક સજા કરી ભૂમાફિયાઓને નશ્યત કરી શકાય તેવો સકંજો કસતો એકટ બનાવવા જે જોગવાઇઓ સુનિશ્ચિત કરવામાં આવી છે એની વધુ વિગતો આપી હતી.

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી
આ કાયદાની આડ લઇને કોઈ લેભાગુ તત્ત્વો કોઇની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે એ માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તથા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળના સી.ઇ.ઓ આ સમિતિના સભ્યો રહેશે, સાથે જ સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદે કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્ત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે-સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદ આવ્યાના માત્ર 21 દિવસમાં જ કમિટીએ નિર્ણય લેવો પડશે
રાજ્યમાં ભૂમાફિયાઓ સામે કોઇની પણ શેહશરમ કે દબાણ આપ્યા સિવાય પગલાં ભરી શકાશે. આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર 15 દિવસે યોજાશે. એટલું જ નહિ, બળપ્રયોગ, ધાકધમકી, લોભ- લાલચ કે છેતરપિંડીથી આવી જમીનનો કબજો મેળવાયો છે કે કેમ એનો પણ અહેવાલ આપશે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની કમિટી સમક્ષ આવો તપાસ અહેવાલ રજૂ થાય એના 21 દિવસમાં કમિટીએ નિર્ણય લેવો પડશે.આ કમિટી એવા નિષ્કર્ષ પર આવે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ અંતર્ગત આવરી લેવા યોગ્ય આ ગુનો છે, ત્યારે કમિટી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરે ત્યારે આવા નિર્ણયના એક સપ્તાહ-7 દિવસમાં પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવી પડશે.

કેસોના ઝડપી નિકાલ-ગુનેગારોને કડક સજા કરવા વિશેષ અદાલતો બનશે
ફરિયાદ FIR નોંધાય એના 30 દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલત-સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે. આ કાયદા અન્વયેના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક DYSPના દરજ્જાના અધિકારી કરશે. કેસોના ઝડપી નિકાલ-ગુનેગારોને કડક સજા અને અસરગ્રસ્ત-નિર્દોષ વ્યક્તિને યોગ્ય વળતર માટે વિશેષ અદાલતો બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જમીન પચાવી પાડવાના આવા કેસોમાં ગુનેગારને ઝડપી શિક્ષા થાય અને ન્યાય તોળાય એ આવશ્યક છે. આ હેતુસર આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય એ માટે વિશેષ ‘અદાલત’-‘સ્પેશિયલ કોર્ટ’ની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે.

તમામ સત્તા મળતાંની સાથે વિશેષ અદાલતો ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી શકશે
વિશેષ અદાલતમાં આવા કેસોની ઝડપી સુનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં સરકારી વકીલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ કરવામાં આવશે. વિશેષ અદાલતોને દીવાની અને ફોજદારી એમ બેય અદાલતોની સત્તા આપવામાં આવી હોવાથી ભૂમાફિયાઓ સામે કડક શિક્ષાપાત્ર કાર્યવાહી થઇ શકશે. તેની સાથે જ જે નિર્દોષ વ્યકિત, ખેડૂત, ગ્રામીણ નાગરિકની જમીન હડપ કરી લેવામાં આવી છે તેને વળતર તેમજ ઝડપી ન્યાય પણ મળશે. આ કાયદાની અન્ય એક મહત્ત્વની જોગવાઇ પ્રમાણે, લેન્ડ ગ્રેબિંગના કેસમાં જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેને આવી જમીન પોતે પચાવી પાડી નથી એવું કોર્ટ સમક્ષ પુરવાર કરવું પડશે.

સીએમએ વધુમાં કહ્યું હતું કે આ કાયદાની જોગવાઇઓ તાત્કાલિક ધોરણથી અમલમાં આવતાં અસરકારક અમલીકરણ થવાથી જમીનોનો ગેરકાયદે કબજો લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ માટે નાણાકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે અન્ય વસૂલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઇ જશે. ગુજરાતમાં શહેરો-નગરો-મહાનગરોની સર્વાંગી વિકાસયાત્રાને વેગવંતી બનાવવા ઉદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટનું અમલીકરણ નવું સીમાચિહન બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

Exit mobile version