- માંગરોળ તાલુકામાં કૃષિ વિજ લાઇનના વાયરોની ચોરીનો સિલસિલો યથાવત
માંગરોળ તાલુકામાં છેલ્લા બે વર્ષથી કૃષિ વીજ લાઈનના વીજ વાયરોની મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે. આ સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં ઝાખરડા નાની નરોલી વસ્તાન આમનડેરા સહિતના ગામોમાં વીજ વાયરોની ચોરી થઈ છે. જ ખરેડા પાટ ગામે 20 વીજપોલ ઉપરથી તસ્કરો વાયરોની ચોરી કરી ગયા હતા. માંગરોળ તાલુકા ખેડૂત સમાજના આગેવાનો દ્વારા આ સંદર્ભમાં વીજ કંપનીના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની માંગરોળ કચેરી દ્વારા ઝાખરડા ગામે 26 જેટલા વીજ પોલ ઉપરથી વીજ વાયરોની ચોરી થતા નવા વીજ વાયરો નાખવામાં આવ્યા હતા. આ વિજ વાયરોમાં વીજ સપ્લાય વીજ કંપની ચાલુ કરે તે પહેલા જ તસ્કર ટોળકી 26 વીજપોલ ઉપરથી મોડી રાત્રે વીજ વાયરોની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. થોડા સમય અગાઉ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ માંગરોળના પોલીસ સબ ઈન્સ્પેક્ટરને આ ચોરી ના બનાવો અટકાવવા રૂબરૂ મળી રજૂઆતો કરી હતી, પરંતુ આ દિશામાં પોલીસ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી, જેને કારણે ચોર ઇસમોને ચોરી કરવાનું મોકળું મેદાન મળી ગયું છે જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ચોરીની વારંવારની ઘટનાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.
