
- વિદેશમાંથી એક મિત્રે તેમના અકાઉન્ટમાં પગાર ટ્રાન્સફર કરતાં 10 વર્ષની જેલની સજા થઈ હતી
- નોકરી મેળવ્યા પછી પણ ભાનુભાઈ પટેલે બીજી 23 ડિગ્રી મેળવી
- લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ સહિત 6 રેકોર્ડ પોતાના નામે કર્યા
જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ભાગ્યે જ કોઈ હશે કે જે જેલમાં રહીને પોતાના ભવિષ્યના જીવનને સુધારવા માટે શિક્ષણ મેળવતો હોય કે પછી એવી પ્રવૃત્તિ કરતો હોય કે જેને કારણે તેણે કરેલા ગુનાના કારણે નહીં, પરંતુ કરેલા કામને કારણે જાણવામાં આવે. આવી જ એક વ્યક્તિ અમદાવાદમાં રહે છે. ભાનુભાઈ પટેલ જેમને 10 વર્ષની જેલ થઇ હતી, જેમાંથી 8 વર્ષમાં તેમણે અભ્યાસ કરી 31 ડિગ્રી મેળવી હતી. આ કારણે તેમને સામેથી સરકારી નોકરીની ઓફર આવી. તેમણે નોકરી સાથે સાથે વધુ 23 ડિગ્રી મેળવી છે. તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં તેમનું નામ નોંધાયું છે.

FERA કાયદાનું ઉલ્લંઘનનો કેસ થતાં 10 વર્ષની જેલ થઈ હતી
ભાનુભાઈ પટેલ મૂળ ભાવનગરના મહુવા તાલુકાના છે અને વર્ષોથી અમદાવાદમાં રહે છે. અહીંથી જ તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1992માં અમેરિકાના મેક્સિકોમાં મેડિકલ ડિગ્રી માટે ગયા હતા, જ્યાં તેમના એક મિત્રએ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં જોબ ચાલુ કરી અને પોતાનો પગાર ભાનુભાઈના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. આમાં ભાનુભાઈ પર FERA કાયદાનું ઉલ્લંઘનનો કેસ થયો અને તેમને 50 વર્ષની ઉંમરે અમદાવાદની મધ્યસ્થ જેલમાં 10 વર્ષની સજા થઇ હતી. જેલની સજા દરમિયાન તેમણે જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી પીજી ડિપ્લોમા, ડિપ્લોમા અને સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ કર્યો. આમાંથી તેમણે કુલ 31 ડિગ્રી હાસલ કરી હતી, જેના ભાગરૂપે વિશ્વભરના 6 રેકોર્ડમાં તેમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જેલમાં 7 વર્ષમાં 31 ડિગ્રી મેળવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો
ભાનુભાઈ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેલમાં 7 વર્ષમાં 31 ડિગ્રી મેળવવી એ એક વિશ્વ રેકોર્ડ છે. આજદિન સુધી કોઇપણ વ્યક્તિએ જેલમાં રહીને એકસાથે આટલી ડિગ્રી પ્રાપ્ત કરી નથી. જેલમાંથી છૂટ્યા બાદ મને સરકારી આંબેડકર યુનિવર્સિટીમાંથી જોબ માટે ઓફર કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે જે વ્યક્તિ જેલમાંથી છૂટે તેને સરકારી નોકરી ન મળી શકે, પરંતુ મને સામેથી નોકરીની ઓફર મળી હતી. મેં નોકરની સાથે મારો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો, જેમાં મેં 5 વર્ષમાં વધુ 23 ડિગ્રી મેળવી હતી. એટલે મેં કુલ 12 વર્ષમાં 50થી 65 વર્ષની ઉંમર વચ્ચે કુલ 54 ડિગ્રી મેળવી છે. આ વિષય પર મેં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તક પણ લખ્યાં છે.

પોતાના જેલના અનુભવોને ત્રણ ભાષાનાં પુસ્તકોમાં ઉતાર્યા
ભાનુભાઈ કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળામાં તેમના જેલના અનુભવ અને વિશ્વર રેકોર્ડ સુધીની તેમની અભ્યાસયાત્રા વિશે એક પ્રેરણાત્મક અને પ્રોત્સાહક પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખ્યાં છે. ગુજરાતી પુસ્તકનું નામ છે ‘જેલના સળિયા પાછળની સિદ્ધિ’ અને અંગ્રેજીમાં ‘BEHIND BARS AND BEYOND’ છે. ભાનુભાઈ 13મી વિધાનસભા ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ સાથે જ ભાનુભાઈ વિશ્વની એવી પહેલી વ્યક્તિ છે, જેમણે જેલ સજા દરમિયાન સૌથી વધુ ડિગ્રીનો રેકોર્ડ મેળવ્યો છે. ભાનુભાઈ પટેલ હાલમાં 65 વર્ષના છે અને તેમણે લગ્ન કર્યા નથી.

જેલમાં અભણ કરતાં શિક્ષિત કેદીઓની સંખ્યા વધી
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(NCRB)ના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અભણ કરતાં શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે છે. ગ્રેજ્યુએટ, એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના કેદીઓ અલગ-અલગ ગુનાઓની સજા ભોગવી રહ્યા છે. રાજ્યની જેલોમાં 268 કેદી એવા છે જેઓ ગ્રેજ્યુએટ છે તેમજ 108 કેદી પોસ્ટ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે, સાથે જ 9799 કેદી અન્ડર ટ્રાયલ છે, જ્યારે 5179 કેદી ધો. 10થી ઓછું ભણેલા છે. ધો. 10થી વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા હોય તેવા 1631 કેદી જેલમાં છે. 442 ગ્રેજ્યુએટ, 150 જેટલા ટેક્નિકલ ડિગ્રી-ડિપ્લોમા, 213 પોસ્ટ ગ્રેજ્યુએટ કેદી છે.

જેલોના કેદીઓના શિક્ષણ માટે ઓપન યુનિ. સહિતની સુવિધા
ગુજરાતની જેલોમાં અત્યારે કેદીઓને શિક્ષણ મળે એ માટે ઓપન યુનિવર્સિટી સાથે વિવિધ અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે, જેને કારણે ઘણા કેદીઓએ જેલમાં રહીને ડિગ્રી મેળવી હોય તેવા પણ કિસ્સા છે. દર વર્ષે નિયમિતપણે આ યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજવામાં આવે છે અને કેદીઓ પરીક્ષામાં ભાગ લે છે. સૌથી વધુ આરોપીઓ હત્યા અને અપહરણના ગુનામાં સજા કાપી રહ્યા છે.