
- ચૂંટણી મોકૂફ રાખવાના સરકારના ઠરાવને HCમાં પડકાર
- મ્યુનિ. અને ન.પા.ની ચૂંટણીઓ નિર્ધારિત સમયે જ યોજવા દાદ
રાજ્ય ચૂંટણી પંચે કોર્પોરેશનો, નગરપાલિકાની ચૂંટણી 3 મહિના માટે મોકૂફ રાખવા બહાર પાડેલા નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. ચૂંટણી પંચનો આ નિર્ણય તદ્દન ગેરકાયદે અને અન્યાયી છે. રાજ્યમાં પેટાચૂંટણીઓ યોજાઇ શકે તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ કેમ નહી? નિર્ધારિત સમયે ચૂંટણીઓ યોજાય તે માટે અરજીમાં દાદ માગવામાં આવી છે.
સ્નેહ ભાવસાર નામના અરજદારે કરેલી અરજીમાં રજૂઆત કરાઇ છે કે, ચૂંટણીપંચે 3 મહિના માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુલતવી રાખવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. ચૂંટણીપંચે તાજેતરમાં જ 8 બેઠક પર પેટાચૂંટણી યોજી છે તો પછી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી શા માટે મોકૂફ રખાઈ છે?.
6 મ્યુનિ.માં ચુંટાયેલા સભ્યોની ટર્મ 15 નવેમ્બરે પૂર્ણ થાય છે. 15 ડિસેમ્બરે 55 નપા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થઇ રહી છે. બંધારણ મુજબ કુદરતી આફત કે કોમી રમખાણો થયા હોય ત્યારે જ ચુંટણી મુલતવી રાખી શકાય તે સિવાયના સમયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી મુલતવી રાખી શકાય નહી.
‘ચૂંટણીપંચ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે’
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મોકૂફ રાખવાનું નોટિફિકેશન બહાર પાડીને ચુંટણીપંચ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે. બંધારણના અનુચ્છેદ 243-Uનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં પણ સેફટી માપદંડ સાથે ચૂંટણી યોજાઇ છે તો આ ચૂંટણી મોકૂફ રાખી શકાય નહીં.