
- ખેડૂતોના પ્રશ્ન માટે હું હંમેશા જાગતો રહીશ. વિધાનસભામાં જાગતો રહીશ- સુરેશ કોટડિયા
ધારી બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ધારીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા પત્ની સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં સુરેશ કોટડિયાના પત્ની ભારતીબેન પક્ષના નિશાનવાળુ માસ્ક પહેરલા જોવા મળ્યા હતા. જેને લઈને વિવાદ ઉભો થયો છે. જો કે બાદમાં હાજર વ્યક્તિ ભારતીબેનનું માસ્ક બદલાવતા જોવા મળ્યાં હતાં.
પ્રથમ ખેડૂતોના પ્રશ્નને વાંચા આપીશઃકોટડિયા
મતદાન મથક પર મતદાન કરવા આવેલા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ જણાવ્યું હતું કે મને પહેલી વખત ટિકિટ મળી છે. ખેડૂતોના પ્રશ્ન માટે હું હંમેશા જાગતો રહીશ. વિધાનસભામાં જાગતો રહીશ અને અહીંયા મારી ઓફિસ 24 કલાક ચાલુ રહેશે. બગસરા, ધારી અને ખાંભામાં હું મારી ઓફિસ ખોલવાનું છું. ત્રણેય ઓફિસ પર જે પણ ખેડૂતોના પ્રશ્નો હશે તેને વાંચા આપવામાં આવશે. હું 30 હજાર મતથી એક પણ મત નીચે નઈ જાવ. લોકો મતદાન કરશે અને 60 ટકા મતદાન ઉપર જશે.
ધારીમાં બંને પક્ષના ઉમેદવારે સુરતથી મતદારો ઉતાર્યા
ધારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારે સુરત અને અમદાવાદથી મતદારો ઉતાર્યા છે. વહેલી સવારે ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારવામાં આવી હતી. ધારી બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા મતદારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા 100 કરતા વધારે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારી બેઠક પર 337 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.
(જયદેવ વરૂ-અમરેલી)