
- ધારીમાં ભાજપ-કોંગ્રેસે ચૂંટણી જીતવા સુરતથી મતદારો ઉતાર્યા
- ગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવાર મતદાન નહીં કરી શકે, બંને ઉમેદવારો આયાતી
- મોરબી માળિયામાં 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાની ફરિયાદ ઉઠી
- મોરબીમાં ભાજપનો ઉમેદવાર 10 હજાર મતથી જીતશે- મોહન કુંડારિયા
- ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM બંધ થતા મતદારો મુશ્કેલીમાં મૂકાયા હતા
- મોરબી-માળિયા બેઠક પર 20 જેટલા EVM ખોટવાતા તાત્કાલિક બદલવામાં આવ્યા
સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી બેઠક પર આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યુ હતું. બીજી તરફ ધારીમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે સુરતથી મતદારો ઉતાર્યા છે. ધારીમાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કોટડિયાના પત્ની પક્ષના નિશાન વાળું માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતા. જો કે બાદમાં તરત જ માસ્ક બદલાવી નાખ્યું હતું. ગઢડા બેઠક પર એમ.એમ. હાઈસ્કૂલમાં EVM ખોટવાયાની ફરિયાદ ઉઠી છે. આથી ટેકનિકલ સ્ટાફ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામા આવી છે. મોરબી-માળિયા બેઠક પર 20 જેટલી જગ્યાએ EVM ખોટવાયાની ફરિયાદ ઉઠી છે. તમામ જગ્યાએ EVM બદલાવી મતદાન ચાલુ કરવામાં આવ્યું છે.
બેઠક | ટકા |
મોરબી | 21.27 |
ગઢડા | 19.82 |
ધારી | 6.29 |
ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન
ધારી બેઠક પર મંદ ગતિએ મતદાન થઈ રહ્યું છે. પહેલી બે કલાકમાં માત્ર 6.27 ટકા જ મતદાન નોંધાયું છે. જેને લઈને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારી અપેક્ષા મુજબ જ મતદાન થઈ રહ્યું છે. ભાજપની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે.

મોરબીમાં મહિલા સંચાલિત પોલીંગ બુથને ‘શક્તિ બુથ’ નામ અપાયું
મોરબીમાં 5 મહિલા સખી બુથ બનાવવામાં આવ્યાં છે. જેમાં ઓફિસરથી લઈને પ્યૂન સુધીનો સ્ટાફ મહિલાઓ જ છે. મતદારોને આકર્ષવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. આ પોલીંગ બુથને ‘શક્તિ બુથ’ નામ આપવામાં આવ્યું છે. પોલીંગ બુથનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે.

બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી
મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ચમનપરમાં હનુમાન મંદિરમાં દર્શન કરીને મતદાન કર્યુ હતું.મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહીં લોકોને મતદાન કરવા અપીલ કરી છે. બીજી તરફ સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું હતું કે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થઈ જશે. દસ હજારથી વધુની લીડથી ભાજપના ઉમેદવાર જીતશે.

ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ મતદાન કર્યુ
ધારીમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાએ ચલાલાની પરા શાળામાં અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. જે.વી. કાકડીયાએ મતદાન કરવા જતા પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં સુરેશ કોટડિયાના પત્ની ભારતીબેન પક્ષના નિશાનવાળું માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતા. જો કે બાદમાં સુરેશ કોટડિયાના પત્નીએ માસ્ક બદલાવી નાખ્યું હતું.

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મતદાન કર્યુ
મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મતદાન કર્યુ છે. જયંતિ પટેલે પત્ની અને સંતાનો સાથે બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યુ હતું.

મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે
દરેક મતદારે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મતદાન કરવાનું રહેશે. દરેક બૂથ પર આરોગ્યની ટીમ દ્વારા તમામ મતદારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ મતદારને કોરોનાના લક્ષણ દેખાશે તો તેમને ટોકન પદ્ધતિથી 4 વાગ્યે મતદાન કરવાનું રહેશે. પોલીંગ બૂથના સ્ટાફે PPE કીટ પહેરી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેથી મતદારો સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાના મત આપી શકશે.

ધારીમાં બંને પક્ષના ઉમેદવારે સુરતથી મતદારો ઉતાર્યા
ધારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારે સુરત અને અમદાવાદથી મતદારો ઉતાર્યા છે. વહેલી સવારે ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારવામાં આવી હતી. ધારી બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરત, અમદાવાદ, ભાવનગર અને ગુજરાતના અન્ય શહેરોમાં રહેતા મતદારોને લાવવા માટે બંને પક્ષો દ્વારા 100 કરતા વધારે ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ધારી બેઠક પર 337 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ગઢડા બેઠક પર વધારે મતદાન થાય તે માટે સુરતથી ભાજપ દ્વારા મોકલવામાં આવેલી 100 અને કોંગ્રેસની 30 બસો આવી છે.