
ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં ઉમેદવારી કરનારા 80માંથી કુલ 14 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસવાળા છે અને એમાંય સાત ઉમેદવારની સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8 પૈકી 2, બીટીપીના 2માંથી 1, જ્યારે 8 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમાં બીટીપીનો એક, ભાજપના 2 અને 4 અપક્ષ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. આમાં 2 ઉમેદવારની સામે ખૂનની કોશિશ જેવો ગંભીર ગુનો દાખલ થયેલો છે. નવી દિલ્હીની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) નામની સ્વૈચ્છિક સંસ્થાએ બહાર પાડેલા રિપોર્ટમાં આ તારણો આવ્યાં છે.
પાંચ કરોડથી વધુ મિલકત ધરાવતા 7 ઉમેદવાર
80માંથી 20 ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે 9 ઉમેદવારે PAN CARDની વિગતો આપી નથી. પાંચ કરોડથી વધુ મિલકત ધરાવતા 7 ઉમેદવાર છે, 6 ઉમેદવાર પાસે 2થી 5 કરોડની મિલકત છે, 15 ઉમેદવાર 50 લાખથી 2 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે, 19 ઉમેદવાર પાસે 10 લાખથી 50 લાખ જેટલી કુલ સંપત્તિ છે, જ્યારે 33 ઉમેદવાર એવા છે જેમની પાસે દસ લાખથી ઓછી સંપત્તિ છે. ભાજપના તમામ 8 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે, જ્યારે કોંગ્રેસના 6 ઉમેદવાર તથા 6 અપક્ષ ઉમેદવાર કરોડ કરતાં વધુ સંપત્તિ ધરાવે છે.
ઉમેદવારો બાબતે અન્ય વિગતો
- અબડાસા અને કરજણ બેઠક પર 3થી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસવાળા હોઇ એ રેડ અલર્ટ મતક્ષેત્ર.
- 25% ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના પોણાભાગના, જ્યારે ભાજપના તમામ ઉમેદવારો કરોડથી ઉપરની મિલકત ધરાવે છે.
- તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.16 કરોડ છે.
- કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા છે.
- 29 ઉમેદવાર 40 વર્ષથી ઓછી ઉંમરના છે, જ્યારે 38 ઉમેદવાર 41થી 60 વર્ષ વચ્ચેના અને 13 ઉમેદવાર 60થી 70 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવે છે.
- 3 ઉમેદવાર નિરક્ષર છે, 49 ઉમેદવાર 5થી 12 ધોરણ પાસ છે, 20 ઉમેદવાર ગ્રેજ્યુએટ તથા 3 ડિપ્લોમા હોલ્ડર છે. ભાજપના અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત 5 ઉમેદવાર માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે.