
- કડોદરા નગરપાલિકાની સમાન્યસભામાં નગરજનો માટે વિકાસલક્ષી કામોની દિવાળી બોનસ
- કડોદરાને પાલિકાનો નવો દરજ્જો મળ્યો હોવાથી પાણીની યોગ્ય સુવિધાના અભાવે તકલીફ વેઠતા હતા
- કડોદરા નગરમાં દરેક વોર્ડ દીઠ 3 બોરિંગ કરવામાં આવશે
કડોદરા નગરજનો માટે પાણીની સુવિધા માટે પાણી પુરવઠાએ 20 કરોડનો પ્રોજેકટને મંજૂરી આપતા, ટૂંક સમયમાં સુરત એસએમસીના હાઇડ્રોલિક એન્જીનિયરના દેખરેખ હેઠળ 3 ટાંકી અને 70 કિલોમીટર પાણીની લાઈનનું કામ શરૂ થશે. ઘણા સમયથી પાણીની તકલીફ વેઠતા નગરજનોને કાયમી પાણીની સમસ્યાનો અંત આવશે. પાલિકાની મળેલી સમાન્ય સભામાં મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો હતો. એજન્ડાના અન્ય કામોને પણ બહુમતી આપવામાં આવી હતી.કડોદરા નગરપાલિકામાં મંગળવારે બપોરે પ્રમુખ સીમાદેવી ઠાકુરના અધક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી, કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ, ચીફ ઓફિસર અને સભ્યોની હાજરીમાં એજન્ડાના કામો બાબતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કડોદરા નગરજનો માટે સૌથી મોટી પાણીની તકલીફને કાયમી દૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
પાલિકાએ પાણી પુરવઠામાં નગરમાં પાણીની ટાંકી અને પાણીની લાઈન કરવા માટે પેપરવર્ક કરી ટી.એસ.ની માંગણી કરી હતી, જે પાણી પુરવઠા વિભાગે મંજૂરી આપી હતી. આ પ્રોજેકટ માટે સુરત મહાનગરપાલિકાની ગ્રાન્ટ આપી છે. તેમના હાઇડ્રોલિક એન્જીનિયરની દેખરેખ હેઠળ કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી કડોદરા પાલિકાના 7 વોર્ડના અંદાજીત 13,000 ઘરોમાં 27,336 રહીશોને પાણીની સુવિધા મળશે. 20 કરોડના ખર્ચે, કડોદરા નગરના 70 કિમી વિસ્તારમાં પાણીની લાઈન કરવામાં આવશે. નગરજનોને અત્યાર સુધી પાણીની સુવિધાથી વંચિત અને તકલીફ ભોગવી રહ્યા હતા, જે થોડા સમયબાદ દૂર થશે. આ પ્રોજેકટને સભામાં વધાવી લેવામાં આવ્યો હતો.
અન્ય એજન્ડાના કામોમાં પાલિકાને હાલ દરજ્જો મળ્યો હોવાથી દિવાબત્તી, પાણી, ગટર વેરા અંગે નિયમ બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે નગરમાં આંતરિક રસ્તાઓ માલિકના હક્કો પાલિકાને સુપ્રત કરવાના હોવાથી જે બાબતે વાંધા સૂચનો મંગાવવાનું નક્કી કરાયું હતું. ઘણી વખત ખાનગી માલિકીના રસ્તાઓ વિવાદિત હોય, જે બાબતે પાલિકા અજાણ હોવાથી તકલીફ ઊભી થઈ શકે. જેથી વાંધા સૂચનોથી સ્થિતિ અંગે જાણી શકાય. નગરમાં ગટરની લાઈન અંગે ચોકપ જેવા પ્રશ્નના નિરાકરણ માટે ગલી એમ્પિયટ મશીન લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. એજન્ડાના કામોની ચર્ચા બાદ મંજુર કરી, સમાન્યસભા પૂર્ણ કરવામાં આવી હતી.
2.50 કરોડના પેવરબ્લોકની સુવિધા
કડોદરામાં પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાના કામોને પ્રાધાન્ય મળ્યું છે. વધુમાં 2.50 કરોડના ખર્ચે નગરમાં પેવરબ્લોકનું પણ કામ કરવામાં આવશે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી 46 રસ્તા બનશે
નગરમાં સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી નગરમાં 46 રસ્તાઓ, 19 ગટરના કામોની સુવિધા પણ નગરજનોને મળશે. વધુમાં ચોમાસામાં ખરાબ થયેલા રસ્તાઓનું રોડ રિફ્રેસિંગની ગ્રાન્ટમાંથી રીપેરીંગ સહિતની કામગીરી કરવાનું નક્કી કરાયું હતું.
પાણી પુરવઠાની યોજના નગરના 7 વોર્ડમાં દરેક વોર્ડ દીઠ 3 બોરિંગ કરવામાં આવશે, ઇએસઆર પાણીની 3 ટાંકી, જેની 10 લાખ લિટરની પાણીની ક્ષમતા અને ડી.ઇ.આર.આઈ. પાઈપ નાખવામાં આવશે.
60 લાખના ખર્ચે સ્મશાનનું કામ કરાશે
કડોદરા નગરપાલિકા નગરના અકળામુખી હનુમાન મંદિર નજીક ખાડી કિનારે સાર્વજનિક સ્મશાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 60 લાખના ખર્ચે 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી આર.સી.સી. વર્ક કરવામાં આવશે. જેની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે.