
- ઓટો મોબાઈલ્સ અને જ્વેલરી સેક્ટરમાં ખરીદી નીકળતા શહેરનાં ઉદ્યોગ જગતમાં ખુશી
- ટુ વ્હીલર કરતા એસયુવી સહિતના તમામ ફોર વ્હીલર્સ સેગમેન્ટમાં સારી એવી ખરીદી જોવા મળી
કોરોનાના કારણે સર્જાયેલા લોકડાઉન પછી આ વર્ષે દિવાળી પણ નબળી જવાની ઉદ્યોગ જગતને ચિંતા હતી. રવિવારે દશેરાના દિવસે શહેરના 3 મોટા સેક્ટર ઓટોમોબાઈલ્સ અને જ્વેલરી સેક્ટરમાં નીકળેલી તેજીને જોતાં ઉદ્યોગવર્ગને હાશકારો થયો છે. 4 વ્હીલર્સમાં સારા પ્રમાણમાં બુકિંગ્સ નોંધાયા છે. પાછલા વર્ષની સરખામણીએ 15 ટકા સુધીનો ગ્રોથ નોંધાયો છે. લગ્નસરા માટે જ્વેલરી સેક્ટરમાં થતી જ્વેલરીઓમાં 50 ટકા સુધીનો વેપાર નોંધાયાનું જ્વેલર્સે જણાવ્યું હતું.
શહેરમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં અંદાજ મુજબ 50 કરોડ સુધીનો વેપાર નોંધાયો હશે. ફોર વ્હીલર્સ સેગમેન્ટમાં 3000થી વધુ ગાડીઓનું નવરાત્રિના 10 દિવસમાં વેચાણ થયું છે. ટુ વ્હીલર્સમાં પાછલા વર્ષની સમપ્રમાણ ખરીદી હતી. રીઅલ એસ્ટેટમાં લક્ઝુરિયસ ફ્લેટ્સ, પ્લોટ્સ, દુકાનો-ઓફિસોમાં પણ સારા પ્રમાણમાં ઈન્કવાયરી આવી છે.
જ્વેલરી સેક્ટર માટે ઉત્સાહજનક માહોલ
રોકાણના પર્પઝની જગ્યાએ લોકોએ ઘરેણાંમાં સારા પ્રમાણમાં બુકિંગ કરવાની સાથે ખરીદી દશેરાએ કરી છે. દશેરાએ મોટા ભાગે દિવાળી પછીની લગ્નસરાની ખરીદી માટેની શરૂઆત થઈ જતી હોઈ છે. દશેરાના કારણે જ્વેલરી સેક્ટરમાં સારો એવો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો છે. જે જ્વેલરી સેક્ટર માટે ટોનિકનું કામ કરશે.એક અંદાજ પ્રમાણે 50 ટકા સુધીની લગ્નસરાંની ખરીદી અને ડિઝાઈનર્સ જ્વેલરીઓમાં બુકિંગ મળ્યા છે. તહેવાર ટાણે શુકનવંતુ પણ નાનું રોકાણ અમુક લોકો કરતાં હોઈ છે તે પણ દશેરાએ થયું છે. > સલીમ દાગીનાવાલા, પ્રમુખ, સુરત જ્વેલરી એસોસિએશન
3000થી વધુ 4 વ્હીલર્સની ખરીદી નીકળી
અમુક કંપનીઓ દ્વારા કોરોનાની મહામારીની અસર વચ્ચે મેન્યુફેક્ચરીંગ મર્યાદિત રીતે ઘટાડ્યું છે પરંતુ સેફ્ટી પર્પઝને જોતાં સિડાન, હેચબેક, એસયુવી સહિતના તમામ ફોર વ્હીલર્સ સેગમેન્ટમાં સારી અવી ખરીદી જોવા મળી રહી છે. હાલમાં આંકડામાં વેચાણ આંકવું મુશ્કેલ થઈ પડે તેમ છે પરંતુ એક અંદાજ મુજબ 3000થી વધુ 4 વ્હીલર્સની આ વખતે ખરીદી નીકળી છે. જોકે એક બાબત એવી પણ જોવા મળી છે કે ફોર વ્હીલર્સ સેગમેન્ટમાં મોટાભાગના ડીલર્સને સરેરાશ 10 થી 15 ટકાનો ગ્રોથ આ વખતે મળ્યો છે. > વિશ્વજીત જાડેજા, અગ્રણી ઓટોડીલર