
- સુરતમાં ફાફડા અને જલેબીનો અંદાજે 7 કરોડનો વેપાર
સુરતમાં સિંગાપુરી વાડી સલાબતપુરામાં 44 વર્ષ પહેલી સુરતમાં રાવણ દહનની શરૂઆત આદર્શ રામલીલા ટ્રસ્ટ સુરત દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી સતત રાવણ દહન થતું હતું. હાલના વર્ષોમાં 65 ફૂટના રાવણનું દહન રામલીલા મેદાન વેસુ ખાતે કરાય છે. રાવણને બનાવવા માટે ખાસ વૃંદાવનથી કારીગરો આવતા હતા અને મહિના પહેલાથી જ રાવણ દહનની તૈયારીઓ શરૂ થઈ જતી હતી. જોકે આ વર્ષે કોરોના મહામારીને લીધે રાવણ દહન કરાશે નહીં. જો કે આ વખતે ખરીદીને લઇને સુરતીઓનો ઉત્સાહ ઓછો થયો નથી. દશેરાના શુભ મૂહૂર્તમાં 400 કાર અને 800 બાઇકની ડિલિવરી કરાશે, જ્યારે ગોલ્ડ અને જ્વેલરીમાં પણ 30 ટકા બુકિંગ થયું હતું તેવું ઈબજાના સ્ટેટ ડિરેક્ટર પાસેથી જાણવા મળ્યું છે. આ સાથે ફૂલ બજારોમાં પણ આખો દિવસ ચહલ-પહલ જોવા મળી હતી.
સુરત કોરોનાના હાઉમાંથી બહાર આવી ગયું છે, શનિવારે દુર્ગાઆઠમે શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડ જોવા મળી છે. ફૂલ, ફાફડા જલેબી સહિત જ્વેલરી અને ઓટો બજારમાં ભીડ ઉમટેલી જોવા મળી હતી. ઘીમાં બનેલી જલેબી રૂ. 440 કિલો જયારે તેલની 210 રૂ. કિલો જલેબી સાથે 180-200 રૂ. વેચાણ થતા ફાફડા ખરીદવા માટે સુરતીઓએ શનિવારે સાંજથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં લાઈનો લગાડી હતી. અડાજણ વિસ્તારના ફાફડા જલેબી વેચાણ કરતા વિક્રેતા હાર્દિક જાની જણાવે છે કે, કોરોનાના કારણે ભીડ નહીં થાય તે માટે એડવાન્સ ઓર્ડર લીધા છે.
જયારે પ્લાસ્ટિક બોક્સમાં પેકીંગ કરીને જ 500 ગ્રામ અને એક કિલોના બોક્સમાં વેચાણ કરવાનું શરુ રાખ્યું છે. ઉલ્લેખીનય છે કે, ફાફડા જલેબીનો જ વેપાર એક દિવસમાં રૂ.6-7કરોડનો નોંધાતો હોઈ છે. બીજીતરફ ગલગોટાના હાર લેવા માટે પણ માર્કેટમાં ભીડ થઈ છે. વિવિધ વિસ્તારોમાં જે-તે વિસ્તાર પ્રમાણે ફૂલના ભાવ વસુલવામાં આવ્યા છે. રૂ. 60-100 કિલો છૂટક ફૂલ વેચાણ થયું છે.જયારે જ્વેલરી બજારમાં પણ દશેરાથી શુકનવંતુ રોકાણ થતું હોય છે. જેની ખરીદી માટે ભીડ જામી છે.
આ અંગે ઈબજાના સ્ટેટ ડિરેક્ટર નૈનેશ પચ્ચીગર જણાવે છે કે, ગોલ્ડ જ્વેલરીમા અંદાજે 30% જેવી બુકિંગ થઈ હશે. દશેરાએ વધુ ખરીદીનો અંદાજ છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ દશેરા ફળ્યું છે. આ વિશે કોમેટ મોટર્સના રોહન દેસાઈએ જણાવ્યું હતું કે ‘તહેવારોની સિઝન દરમિયાન અમારે ત્યાંથી 300 કાર્સનું બુકિંગ હતું. દશેરાના દિવસે 60 બુકિંગ થયા છે, ઓનલાઇન પણ 20 નોંધાયા છે. ઉલ્લેખનિય છે કે, ટાટા 90, હોન્ડા 50, હુન્ડાઈ 170 ગાડીઓના બુકિંગ નોંધાયા છે. જ્યારે આજના દિવસે કુલ 400 ગાડીઓનું બુકિંગ છે. બાઈક અને મોપેડ મળીને 800 બાઇકોનું બુકિંગ મળ્યું હોવાનું આગેવાનોનો મત છે.
સવારે 9.28થી 11.02 સુધી શસ્ત્ર પૂજાનું શુભ મુહૂર્ત
શહેરમાં આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. દશેરાના દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવાની અને શસ્ત્ર પૂજની પરંપરા છે. શસ્ત્ર પૂજા માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 9.28 થી 11.02 વાગ્યા સુધી છે. તેમજ ખરીદી માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત 12.39થી 11 વાગ્યા સુધીનું છે. આજના શુભ મુહૂર્તમાં વાહન, શસ્ત્ર, કોઇપણ ધાતુની ભગવાનની મૂર્તિ કે પછી ધાર્મિક પુસ્તકો ખરીદવાથી વસ્તુ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
RSS અને VHP કોઈ કાર્યક્રમ નહીં
આરએસએસ અડાજણના વિદ્યાકુંજ સ્કૂલ ખાતે સાંજે 5 કલાકે એમની રૂટીન એક્ટિવિટી બાદ લગભગ 6.30 વાગ્યે શસ્ત્ર પૂજન કરશે. બહેનો સવારે 6.20 વાગ્યેથી નિયમિત એક્ટિવિટી કરી આરએસએસ કાર્યાલય ખાતે શસ્ત્ર પૂજન કરશે. વીએચપી અને બજરંગ દળ સાંજે 4 વાગ્યે નારાયણ મઠ લાલ દરવાજા ખાતે શસ્ત્ર પૂજન કરશે. ત્રણેય સંસ્થા દ્વારા કોઇ જાહેર કાર્યક્રમ કરાશે નહીં. કાર્યક્રમમાં ફક્ત સંસ્થા સાથે જોડાયેલા લોકો જ સામેલ થશે.