
- 40 વર્ષ પૂર્વે બંધ થયેલી કંપનીમાંથી ભાજપના શર્માએ 2.25 કરોડની ખરીદી બતાવી
- મનોજ પ્રજાપતિ ગાયબ, બાતમી આપનાર કોણ, ચર્ચાતો સવાલ
- સુરતમાં પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા સામે આઈટી તપાસ પૂર્ણ
પૂર્વ આઇટી ઇન્સ્પેક્ટર અને હાલના શહેર ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્મા સામે આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરાયેલું સર્ચ ઓપરેશન ચોથા દિવસે મોટાભાગે તમામ જગ્યાએ મોડી રાત સુધી પૂર્ણ થઈ ગયું છે. પીવીએસ શર્માને ત્યાંથી પણ આઇટીની ટીમ રવાના થઈ ગઈ છે. શનિવારે તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, શર્માની સંકેત મીડિયાની રૂપિયા 2.25 લાખની ખરીદી એવી ફર્મમાંથી બતાવવામાં આવી છે જે 40 વર્ષ પહેલાં જ જેની ઓફિસ બંધ થઈ ગઈ છે. અધિકારીઓને લાગે છે કે, આ તમામ ખરીદી બોગસ છે.
બીજી તરફ શર્મા જ્યાં નોકરી કરે છે તેવા કુસુમ સિલિકોનના ડિરેક્ટર ખંડેલીયાએ પોતાના ઘોડદોડ રોડ સ્થિત નિવાસ્થાનેથી દરોડા પડતાની સાથે જ ઘરમાંથી 25 લાખ ભરેલી બેગ, દોઢ કિલો સોનું બારીમાંથી બહાર ફેંકી દીધું હતું. અલબત્ત, તમામ મુદ્દામાલ અધિકારીઓએ રિકવર કરી લીધો હતો. પડદાં પાછળના ખેલ પણ આ સાથે જ શરૂ થઇ ગયા છે. શર્માની માહિતી કોઈ સી.એ. કે રાજનીતિમાં તેમના હરીફે જ આપી હોવાની વાત વહેતી થઈ છે. ડિપાર્ટમેન્ટની કામગીરી પણ હાલ શંકાના દાયરામાં છે કેમકે આવી અનેક ટીઇપી (ટેક્સ ઇવેઝન પિટિશન) આવતી હોય છે. પરંતુ ભાગ્યે જ તે સર્ચમાં પરિણમે છે. શર્માના ઘરનો વીડિયો રેકોડિંગ પણ દરોડા દરમિયાન કરાયું છે. તેમના ત્યાંથી રૂપિયા 12 લાખની ચોપડે નહીં બતાવેલી જ્વેલરી મળી છે.
40 વર્ષ અગાઉ બંધ થયેલી કંપનીમાં ટ્રેડિંગ
અધિકારીઓ કહે છે કે, સંકેત મીડિયામાં શર્મા ડિરેક્ટર છે અને ગુજરાતી-અંગ્રેજી પેપર નીકળે છે. કંપનીની સૌથી વધુ ખરીદી મહિધરપુરામાં આવેલી મહેશ ટ્રેડિંગમાં બતાવાઈ હતી. ત્યાં તપાસ કરાતા એ ઓફિસ સી.એ. અદુકિયાની જ નિકળી હતી. મહેશ ટ્રેડિંગની ઓફિસ 40 વર્ષ અગાઉ ત્યાં હતી.
તો દરોડા સફળ કે નિષ્ફળ એ સવાલ
આઇટીમાં વર્ષમાં 100 જેટલી ટિઇપી આવતી હોય છે. ભાગ્યે જ કોઈમાં સર્ચ થાય છે. શર્મા કેસમાં 15 દિવસમાં સમન્સ અને 20 દિવસમાં સર્ચ થયું. આ બાતમી રુટિન હતી કે જાણી જોઇને દરોડા પાડવા માટેનો પ્લોટ હતો તે પણ સવાલ છે.
જે સ્થળેથી ટ્રેડિંગ દર્શાવાયું ત્યાં હાલ CAની ઓફિસ
અધિકારીઓ કહે છે કે, સંકેત મીડિયામાં શર્મા ડિરેક્ટર છે અને ગુજરાતી ઉપરાંત અંગ્રેજી પેપર નીકળે છે. આ કંપનીની સૌથી વધુ ખરીદી મહિધરપુરામાં ભાનુ સ્મૃતિ બિલ્ડિંગમાં આવેલી મહેશ ટ્રેડિંગમાં બતાવાઈ હતી. ત્યાં જઈને તપાસ કરાતા એ ઓફિસ સી.એ. અદુકિયાની જ નિકળી હતી.
અદુકિયાનો ભાઈ સીતારામ સંકેત મીડિયામાં ડિરેક્ટર પણ છે. તપાસમાં માલુમ પડ્યું કે, મહેશ ટ્રેડિંગની ઓફિસ 40 વર્ષ અગાઉ ત્યાં હતી. બાદમાં સી.એ.ની ઓફિસ શરૂ થઈ. હવે અધિકારીઓને શંકા છે કે, મહેશ ટ્રેડિંગ સાથે જે 2013થી અત્યાર સુધી 2.25 કરોડની ખરીદી બતાવાય છે તે બોગસ છે. એ જ રીતે હવે વેચાણ પર પણ અધિકારીઓએ બિલોરી કાચ મૂક્યો છે.
સોનુ-રોકડ લઈને ભાગતા 1ને ITએ દબોચ્યાો
ઘોડદોડ રોડ સ્થિતિ બ્રિજવાટીકા ખાતે રહેતા મુંબઇની કુસુમ સિલિકોનના ડિરેક્ટર કૌશલ ખંડેલીયાને ત્યાં ટીમ પહોંચી ત્યારે તેઓએ દરવાજો ખોલતા વાર લગાવી હતી. આથી અધિકારીઓને શંકા જતાં નીચેથી પણ વોચ રાખી હતી. આ દરમિયાન બારીમાંથી 25 લાખ ભરેલી બેગ ઉપરાંત દોઠ કિલો સોનું ફેંકવામાં આવ્યું. એક વ્યક્તિ તેને કારમાં લઇને ભાગી જ રહ્યો હતો કે, તેને પકડી લેવાયો. જોકે, આ વાત અધિકારીઓ કહી રહ્યા છે, પરંતુ કેટલાંક સૂત્રો ત્યાં સુધી કહે છે કે, દરોડાના 1 કલાક બાદ આ ઘટના બની હતી. ચાલુ દરોડામાં બેગ ફેંકાઈ હતી.
સવાલો હજી ઉભા : શર્માને ત્યાં દરોડો સફળ કે નિષ્ફળ?
એક્સપર્ટ કહે છે કે, દરોડામાં જે મળ્યું છે તે મોટાભાગે ચોપડે બતાવાયું છે. કેટલીક બાબતો એવી છે, જે શર્મા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જેમકે શાહ એન્ડ પ્રજાપતિ કંપનીની તપાસમાં કંઇ મળી આવે તો, મહેશ ટ્રેડિંગ સાથે વ્યવહાર. બાકી જેટલો ઊહાપોહ થયો એવા આધારે અન એકાઉન્ટેડ વધુ મળ્યું નથી એ હકિકત છે. ચર્ચાતો પ્રશ્ન એ પણ છે કે આઇટીમાં વર્ષમાં 100 જેટલી ટિઇપી આવતી હોય છે. ભાગ્યે જ કોઈમાં સર્ચ થાય છે. શર્મા કેસમાં 15 જ દિવસમાં સમન્સ અને 20 દિવસમાં સર્ચ થયું. આ બાતમી રુટિન હતી કે જાણી જોઇને દરોડા પાડવા માટેનો પ્લોટ હતો તે પણ સવાલ ચર્ચાઇ રહ્યો છે.