
- ગુજરાત,મહારાષ્ટ્ર,કર્ણાટક, મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડુંગળીનો પાક નાશ થતા ભાવ વધ્યો
- ગૃહિણીઓએ કહ્યું કે, નવરાત્રિના ઉપવાસ દરમિયાન જ ભાવ વધી જતાં કફોડી હાલત સર્જાઈ
શાકભાજીના ભાવ કાબૂમાં આવ્યા બાદ હવે બટેટા અને ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આવક ઓછી અને ડિમાન્ડ વધુ હોવાથી હાલ ડુંગળી અને બટાટાના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેથી બટેટાના ભાવ 50 રૂપિયા અને ડુંગળી 80થી 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.તહેવારોની સિઝનમાં નવરાત્રિના ફળાહારમાં બટેટાનું ચલણ વધુ હોય છે ત્યારે ભાવ આસમાને પહોંચતા થાળીના મેનુમાં ગૃહિણીઓએ કઠોળનું ચલણ વધારી દીધું છે.

સરદાર માર્કેટમાં કાંદા બટેટાની ઓછી આવકની સામે માંગવામાં વધારો થતા ભાવ વધ્યા છે
આવક ઘટતા ભાવ વધ્યા
સરદાર માર્કેટના કાંદા બટાટાના જથ્થાબંધના વેપારી બાબુભાઇ શેખએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર ડુંગળીના પાકનું હબ કહી શકાય છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકશાન થતા માલની આવક ઘટી છે. સુરત સરદાર માર્કેટમાં રોજની 25 જેટલી ટ્રકો આવતી હતી એની સામે આજે માત્ર 13 ટ્રક ડુંગળીની આવી રહી છે. કર્ણાટક, મહારાષ્ટ્, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાંથી ડુંગરીનો માલ આવતો હોય છે. સરદાર માર્કેટ ડુંગરી 60-80 રૂપિયામાં મળતી હોય તો છૂટક બજારમાં એનો ભાવ 80-100 રૂપિયામાં વેચાય છે, જ્યારે યુપી અને ઉત્તર ગુજરાતમાંથી બટાટા રોજની 35-40 ગાડીઓ આવતી હતી જેની સામે આજે 20-25 ગાડીઓ આવી રહી છે. જે પણ એક ભાવ વધારાનું કારણ કહી શકાય છે. સરદાર માર્કેટમાં સારી ક્વોલિટીના બટાટા 30-35 રૂપિયામાં મળતા હોય તો છૂટક બજારમાં 40-50 રૂપિયે મળે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં નવા માલની આવક શરૂ થાય ત્યારબાદ જ ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તેવો આશાવાદ તેમણે વધુમાં રાખ્યો હતો.

ડુંગળીનો પાક ભારે વરસાદમાં ધોવાઈ જતાં ભાવમાં વધારો થયો છે.
ગૃહિણીઓ ખીરીદી ટાળી રહી છે
છૂટક ભાવે બટેટા કાંદા વેચનાર નવરત્ન ધારોલએ જણાવ્યું હતું કે, 15થી 20 અગાઉ 30થી 35ના ભાવે વેચાતા હતા ત્યારે ખરીદી 28 રૂપિયાની હતી. પરંતુ હવે બટેટાના ભાવ વધી ગયા છે તો લોકો બટેટા પાછા આપી જાય છે. હવે કિલો પર માત્ર 2 રૂપિયા પ્રોફિટ કિલોએ રહે છે. હવે રોજના 300 રૂપિયા માંડ કમાણી થાય છે. ગ્રાહકો તો બહુ મોંઘા એમ કહીને લેવાનું ઓછું કરી દીધું છે. સરકારને એમ જ કહું છું કે બટેટાને સસતા કરો..બધુ મોંઘુ થઈ ગયું છે.
કાંદાના ભાવથી ગ્રાહકો ગુસ્સે ભરાય છે
અફરોઝ પઠાણ (કાદા નો છૂટક વેપારી) એ જણાવ્યું હતું કે. 4 મહિનાથી કાંદાના વેપાર સાથે સંકળાયેલો છું, હાલ ભાવ ખૂબ જ ઉંચો છે બસ કિલો પર 5 રૂપિયા પણ મળી જાય તો બે ટાઇમનું ભોજન મળી રહે છે. અમને નોકરી કોણ આપે કે, વેપાર છોડી નોકરી કરીએ, 15 દિવસ પહેલા 100 રૂપિયાના અઢી કિલો વેચી રહ્યા હતા. જે આજે 50 રૂપિયે કિલો વેચી રહ્યા છે. ગ્રાહક પણ ભાવ સાંભળી ગુસ્સે થઈ જાય છે. ત્યારે સમજાવું પડે છે કે, સાહેબ લારી વાળા પાસે ભાવ જાણી લો પછી માલ લઈ જજો, આખો દિવસ પસીનાથી રેબઝેબ થઈ જઈએ છે. કાયમી ગ્રાહકોને સાચવવા પડે છે. સાંજ સુધીમાં લગભગ 200 કિલો વેચાઈ જાય તો આખા દિવસનો 5 જણાનો ખર્ચ નીકળી જાય છે.
કાંદા બટેટાનું શાક ઓછુ બનાવીએ છીએ
સરથાણામાં રહેતા ગૃહિણી ચંપાબેને જણાવ્યું હતું કે, અમે હવે કાંદા બટેટાની જગ્યાએ નવા ઓપ્શન શરૂ કર્યા છે. તહેવારમાં ફળાહારમાં બટેટાની જગ્યાએ સાંબાની ખીર અને અન્ય વસ્તુઓ બનાવીએ છીએ. બટેટા વધારે પડતા મોંઘા થઈ ગયા હોવાથી કઠોળ અને અન્ય વસ્તુઓના શાક બનાવીએ છીએ.