
- 21મી ઓકટોબરે સમગ્ર દેશમાં પોલીસ શહીદ સંભારણા દિવસ મનાવાય છે
21મી ઓકટોબરે સમગ્ર દેશમાં પોલીસ શહીદ સંભારણા દિવસ મનાવવામાં આવે છે. જે સંર્દભે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસની ઉજવણી એરૂમાં આવેલા હેડ કવાટર્સમાં પોલીસ ફરજ દરમિયાન વીર જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી.

નવસારી જિલ્લા પોલીસ દ્વારા એરૂમાં આવેલા હેડ કવાટર્સમાં 21મીએ પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ સંભારણા દિવસ, લોકોની સુરક્ષા માટે પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલ તથા અકુદરતી મૃત્યુ પામેલ તમામ પોલીસ અધિકારી / કર્મચારીઓને આજના દિવસે યાદ કરી નવસારી પોલીસ પરિવાર દ્વારા શહીદ સ્મારક પર શહીદોની શહાદતને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ પોલીસવડા બી.એસ.મોરી (HQ) અને અધિકારીઓએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી. આ શહીદ સ્મારક પર સમગ્ર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજ દરમિયાન શહીદ વીર જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલી આપી હતી.
મળતી માહિતી મુજબ વર્ષ 1959માં લદાખનાં દુર્ગમ ક્ષેત્રમાં ફરજ બજાવતી ભારતીય પોલીસની એક ટુકડી માતૃભૂમિનું રક્ષણ કરતી વખતે શહીદ થઈ હતી. જેથી દર વર્ષે 21મી ઓકટોબરે પોલીસ શહીદ દિન નિમિતે સમગ્ર દેશમાં કાર્યક્રમો યોજાય છે. નવસારીમાં દર વર્ષે આ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ચાલુ વર્ષે પણ શહીદ પોલીસ જવાનોની શહાદતને નવસારી જિલ્લા પોલીસ વડા ઉપાધ્યાયે બિરદાવી હતી. પોલીસ પોતાની કામગીરીમાં પોતાના પરિવારની સુરક્ષાની સાથે સાથે લોકોની સુરક્ષાની પણ બેવડી જવાબદારી નિભાવે છે. તેઓ ખરા અર્થમાં વોરિયર્સ છે. પોલીસ પોતાના ધ્યેય પર અડગ છે અને સમાજમાં કલ્યાણકારી કામો કરવામાં પણ આગળ વધી એક સમાજનું નિર્માણ કરવા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.