
- 201 કરોડના પ્રોજેક્ટોનું ઇ-લોકાર્પણ : સુરત ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બને તે દિશામાં આગળ વધવાની નેમ : CM
- મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ, તાપી શુદ્ધિકરણ, ડ્રીમસિટીને ઝડપથી આગળ ધપાવવામાં આવશે
કુંભારીયાથી કડોદરા સુધીના સાત કી.મી. બીઆરટીએસ રૂટના લોકાર્પણ સાથે શહેરમાં 108 કિ.મી.જેટલા બીઆરટીએસનું નિર્માણ થતાં એ સમગ્ર દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો બી.આર.ટી.એસ બન્યો છે. તથા અણુવ્રત દ્વાર જંકશનથી જમનાબા પાર્ક સુધી ત્રણ કિ.મી. ના કેનાલ કોરિડોર આંતરરાષ્ટ્રીય કક્ષા સમાન માર્ગ બન્યો છે.
આ સહિતના પાલિકાના અને સુડાના મળી કુલ રૂપિયા 201.86 કરોડના પ્રકલ્પોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ-લોકાર્પણ કર્યા છે.તેમણે સુરતને સોનાની મુરત બનાવવા સુરતમાં જનસહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ, તાપી શુદ્ધિકરણ, ડ્રીમસિટી જેવા પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુદ્ધના ધોરણે કાર્ય કરી રહી છે. સુરત શહેર ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ CMએ વ્યકત કરી હતી.
ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે : વિજય રુપાણી
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા મહિનાઓ દરમિયાન ગુજરાતમાં 12 હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તો સાથે કોરોના સંક્રમણનો વ્યાપ રોકવા પર અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો રિકવરી રેટ 90 ટકા તથા મૃત્યૃદર ઘટીને 2.25 ટકા થયો છે. શહેરો માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કડક કાયદાઓમાં સુધારાઓ કર્યા છે. ‘ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે’ તેવા સુત્ર સાથે સરકારે પોલીસને કડક હાથે કામ લેવા આદેશો આપ્યા છે.
અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર-ટેરેસ ગાર્ડન બન્યું
પાલિકા રૂ.1.39 કરોડના ખર્ચે ઉગત-ભેંસાણ રોડ ખાતે કવિશ્રી સ્નેહ રશ્મિ બોટનિકલ ગાર્ડનમાં ‘અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર’- ટેરેસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. શહેરના લોકોને વિવિધ જાતના રોપાઓ વ્યાજબી ભાવે મળી રહે તથા બાગબગીચાને લગતી સાધનસામગ્રી, દવા, બિયારણ, દવા, ખાતર વગેરેની તમામ માહિતી મળી રહે તે હેતુથી ટેરેસ ગાર્ડનનું નિર્માણ કરાયું છે. ઉપરાંત શહેરીજનોને પોતાના ઘરની અગાસી, ખાનગી બિલ્ડીંગોના ટેરેસ પર ટેરેસ ગાર્ડન બનાવવા માટે પ્રોત્સાહિત કરવા, વર્ટીકલ ગાર્ડન, રોપાઓનો ઉછેર તેમજ ગાર્ડન બનાવવા જેવી વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની માહિતી મળી રહેશે.
