
- પહેલીવાર 105 સંક્રમિત માતા અને 50 શિશુ પર રિસર્ચ કરવામાં આવ્યું
- સરકારી હોસ્પિટલો: 20 હજાર ડિલિવરી, 720 પ્રસૂતા કોરોના પોઝિટિવ, 38 બાળકો સંક્રમિત
- ખાનગી હોસ્પિટલો: 23 હજાર ડિલિવરી, 900 પ્રસૂતા કોરોના પોઝિટિવ, 16 બાળકો સંક્રમિત
કોરોનાકાળના 8 મહિનામાં ગુજરાતમાં 43 હજાર પ્રસૂતિ થઈ, જેમાં 1600 પ્રસૂતા ડિલિવરી વખતે કોરોના પોઝિટિવ હતી. તેમાંથી ફક્ત 54 નવજાત શિશુ જ જન્મ પછી સંક્રમિત હતા. જોકે, આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ મળેલા આ શિશુઓમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. આ તમામ શિશુ પાંચથી દસ દિવસમાં નેગેટિવ થઈ ગયા હતા. અન્ય બીમારીના કારણે કેટલાક શિશુને એનઆઈસીયુમાં રાખવા પડ્યા હતા, પરંતુ કોરોનાના કારણે એક પણ શિશુને નહીં. આ સ્થિતિમાં કોરોના ઝડપથી જીવલેણ થઈ રહ્યો હતો, ત્યારે સંક્રમિત માતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ કેવી રીતે વાઈરસથી બચી ગયા? જન્મ બાદ માતાનું દૂધ પીધા પછી પણ આ બાળકો કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહ્યા? આ સવાલોના જવાબ શોધવાનો સંભવત: દુનિયામાં પહેલો પ્રયાસ અમદાવાદમાં કરાયો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને માઈક્રોબાયોજિકલ વિભાગમાં 105 કોરોનાગ્રસ્ત માતા અને સંક્રમિત માતાના 50 શિશુ પર કરાયેલા સંશોધને આવા અનેક સવાલના જવાબ આપ્યા.
105 કોરોનાગ્રસ્ત મહિલામાંથી 50 કોરોનાગ્રસ્ત માતા અને બાળક પર સંશોધન
સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગના વડા ડૉ. એમ. યુ. મહેતા જણાવે છે કે, એચઆઈવી જેવા વાઈરસ 30% કિસ્સામાં માતા દ્વારા પ્લેસન્ટા (મેલી)માંથી બાળકમાં પ્રવેશે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં 105 કોરોનાગ્રસ્ત મહિલામાંથી 50 કોરોનાગ્રસ્ત માતા અને બાળક પર સંશોધન કરાયું. તેમાં માલુમ પડ્યું કે, કુદરતી રીતે જ પ્લેસન્ટા (મેલી), ગર્ભનાળ તેમજ માતાના દૂધમાંથી બાળકમાં કોરોનાનો ચેપ પ્રસરતો નથી. એટલું જ નહીં, કોરોનાગ્રસ્ત માતામાં ગર્ભપાત કે પ્રિ-ટર્મ ડિલિવરીના કેસ પણ ઓછા નોંધાયા છે, પરંતુ હૃદય, ફેફસાં, લિવર અને કિડની જેવાં શરીરના અન્ય અવયવોની જેમ ગર્ભનનાળમાં લોહી ગંઠાઈ જવાથી ત્રણ બાળકના ગર્ભમાં મૃત્યુ થયાં છે.
શું સંશોધન કરાયું?
આ સંશોધનમાં પહેલા, સાતમા અને દસમા દિવસે માતાનો સ્વૉબ, બાળકનો સ્વૉબ, માતાના ધાવણનો સ્વૉબ લેવાયો. આ સાથે માતાના ગર્ભનાળનાં લોહી અને માતાના યોનિમાર્ગના સ્ત્રાવનો ટેસ્ટ કરાયો. એ ટેસ્ટમાં જણાયું કે, મેલી(પ્લેસન્ટા) અને ગર્ભનાળમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો નથી. જન્મનાં પહેલાં દિવસે બાળક પોઝિટિવ આવે તો તેનો અર્થ કે વાઇરસ ગર્ભનાળમાંથી બાળકમાં આવે છે, પરંતુ એક પણ કિસ્સામાં બાળક પ્રથમ દિવસે પોઝિટિવ આવ્યાંનું કે માતાના ધાવણમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો ન હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું.
માતાના દૂધે નવજાત શિશુ માટે વેક્સિનનું કામ કર્યું
ડૉક્ટરોના મતે, સંક્રમિત માતામાંથી જન્મ લીધા પછી શિશુઓને માતાનું દૂધ અપાયું હતું. એ સંશોધનમાં જાણવા મળ્યું કે, દૂધ થકી તેઓ સંક્રમિત ના થયા. ઊલટાના તેનાથી તો બાળકોમાં વાઈરસ સામે લડવાની ઈમ્યુનિટીમાં વધારો થયો. જોકે, તમામ માતાએ ગ્લવ્ઝ પહેરવા, હાથે સેનિટાઈઝ કરવા જેવી પ્રક્રિયા અપનાવી હતી.
માતાના 100 એમએલ દૂધમાં શું હોય છે?
એનર્જી | 67 કિલો કેલરી |
પ્રોટીન | 1.3 ગ્રામ |
ફેટ | 4.2 ગ્રામ |
કાર્બોહાઈડ્રેટ | 7 ગ્રામ |
સોડિયમ | 15 મિલિગ્રામ |
ફોસ્ફરસ | 15 મિલિગ્રામ |
કેલ્શિયમ | 35 મિલિગ્રામ |
આયર્ન | 76 માઈક્રોગ્રામ |
વિટામિન એ | 60 માઈક્રોગ્રામ |
વિટામિન ડી | 0.0 1 માઈક્રોગ્રામ |
અમદાવાદ સિવિલમાં 105 કોરોનાગ્રસ્ત માતા અને 50 શિશુ પર રિસર્ચ
કુલ દાખલ | 176 |
પોઝિટિવ | 114 |
પ્રસૂતિ | 105 |
સિઝેરિયન | 45 |
નોર્મલ પ્રસૂતિ | 60 |
ગર્ભપાત | 5 |
આઉટસાઇડ પ્રસૂતિ | 66 |
આઈસીયુમાં દાખલ | 11 |
મૃત્યુ | 3 |
રાજ્યની સરકારી હોસ્પિટલના આંકડા, ક્યાં કેટલાક પોઝિટિવ
શહેર | પ્રસવ | માતા | નવજાત |
અમદાવાદ | 8000 | 350 | 15 |
સુરત | 7000 | 243 | 13 |
રાજકોટ | 2000 | 50 | 3 |
વડોદરા | 1500 | 45 | 3 |
ભાવનગર | 800 | 10 | 1 |
જામનગર | 700 | 10 | 2 |
વલસાડ | 400 | 12 | 1 |
કુલ | 20400 | 720 | 38 |
શિશુઓમાં લક્ષણ નહીં, જલ્દી સ્વસ્થ
સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એચઓડી ડૉ. અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમારે ત્યાં આશરે 4 હજાર પ્રસૂતિ થઈ, જેમાંથી 103 પ્રસૂતા કોરોના પોઝિટિવ હતી, જેમના પાંચ નવજાત શિશુ લક્ષણ વિનાના કોરોના પોઝિટિવ નોંધાયા હતા. તેમાંથી કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નથી થઈ.
સિવિલ હોસ્પિટલના ગાયનેક પ્રોફેસર ડૉ. ધ્વનિ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમે આશરે 250 કોવિડ એડમિશન પ્રેગ્નન્સી મેનેજ કરી, જેમાંથી આશરે 128 ડિલિવરી અમારા ત્યાં થઈ. તેમાં ફક્ત 8 શિશુ જ કોરોના પોઝિટિવ નોંધાયા. આ બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમનામાં કોરોનાની કોઈ અસર ન હતી.