
- બાળકો ટીચર સુધી ન પહોંચી શક્યા તો, શિક્ષણ સમિતીના 11 શિક્ષકો બાળકો સુધી પહોંચી 415 બાળકોને ભણાવે છે
- છેલ્લા 25 દિવસથી શિક્ષકો દરરોજ સવારે 8થી 11 દરમિયાન ઘરે ઘરે જઈને વિદ્યાર્થીને 1 કલાક એજ્યુકેશન આપે છે
હાલ કોરોનાને કારણે તમામ સ્કુલો બંધ છે ત્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતીની તારવાડીની કરસનદાસ માણેક પ્રાથમિક શાળા ક્રમાંક 315ના 11 શિક્ષકો દ્વારા 415 વિદ્યાર્થીઓને ઘરે જઈને ભણાવવામાં આવે છે. શિક્ષકો ધો-1 થી 5 ના બાળકોને ઘરે જઈને ભણાવે છે. શિક્ષકો દરરોજ 8થી 11 માં બાળકોના ઘરે જઈને 1 કલાક વિદ્યાર્થીઓને એજયુકેશન આપી રહ્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ તેમજ અન્ય દરેક નિયમોનું પાલન કરીને જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. દરેક વર્ગના વિદ્યાર્થીઓને વહેંચીને શિક્ષકોનું ટાઈમટેબલ બનાવાયંુ છે.
શિક્ષકો બાળકોને સ્વખર્ચે મટીરિયલ તૈયાર કરી આપે છે
શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ મજૂરવર્ગના છે. જેથી દરેક વર્ગના શિક્ષકો તેમના વર્ગના બાળકોની જરૂરિયાત પ્રમાણેનું અથવા તો કોઈ બાળકોની પરિસ્થિતિ સારી ન હોય તો તેવા બાળકોને સ્વખર્ચે જાતે તૈયાર કરીને મટીરીયલ આપે છે. મોટા ભાગના બાળકો શાળાની આસપાસ જ રહે છે. એક વિસ્તારમાં નજીક નજીક 5થી 7 બાળકો રહેતા હોય તો તેઓ એક જગ્યાએ આવી જતા હોય છે. નજીકની કોઈ જાહેર જગ્યા પર તેમને બેસાડવામાં આવે છે. જેમાં કોઈ બાળક અલગ ધોરણનું હોય તો એ જ શિક્ષક અન્ય ધોરણનું પણ ભણાવી લે છે.
શિક્ષકોના જવા પહેલા બાળકો તૈયાર થઈને બેઠા હોય છે
શાળાના શિક્ષકોને લોકડાઉનમાં હોમ કવોરોન્ટાઈન વિસ્તારમાં ડયુટી અપાતી હતી. તેથી અમે વિચાર્યુ કે જે લોકો નથી ઓળખતા એમના ઘરે જઈ શકીએ છીએ તો જે બાળકોને ભણાવાના છે તેમના ઘરે કેમ ન જઈ શકીએ. એ રીતે અમે વિદ્યાર્થીઓના ઘરે જઈને ભણાવવાનું નક્કી કર્યુ. બાળકોનું શિક્ષણ બંધ છે અને તેમની ડ્યુટી નિભાવવાની છે તેમ સમજી શાળાના 11 શિક્ષકો નિ:સ્વાર્થ ભાવે વિદ્યાર્થીઓને ભણાવવા જઈ રહ્યા છે. ઘણીવાર તો એવું થાય છે કે શિક્ષકોના જવા પહેલા જ બાળકો તૈયાર થઈને બેઠા હોય છે. – મિનાક્ષી અટોદરિયા, પ્રિન્સિપાલ