
- ભાજપ અધ્યક્ષ નડ્ડા ચાર દિવસમાં બીજી વાર બિહારની મુલાકાતે
- નડ્ડાના ગુનાખોરી, જાતિગત મતદાન, રામમંદિર અને ત્રણ તલાક અંગે પણ વિપક્ષ પર પ્રહાર
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુરુવારે બિહારના રોહતાસ અને ઔરંગાબાદ જિલ્લામાં ચૂંટણી રેલીઓ સંબોધી. ચાર દિવસમાં તેમની આ બીજી બિહારની મુલાકાત છે. તેમણે પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, લાલુપ્રસાદ યાદવના રાજમાં શિક્ષણ બરબાદ થઈ ગયું. બિહારના ચરવાહા યુનિવર્સિટી આપતા આપતા ચારાગાહ બનાવી દેવાયું. આજે ચારા વાળો રાંચીની જેલમાં બેઠો છે. લાલુપ્રસાદના રાજમાં શાહબુદ્દીન (બાહુબલી નેતા) સામે કોઈ પગલાં ના ભરાયાં. તેના રાજમાં ડીએમ કૃષ્ણૈયાની હત્યા કરી દેવાઈ. અહીં પહેલાં જાતિના આધારે મતદાન થતું, પરંતુ હવે જાગૃતિ વધી છે. ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી કલમ 370 ધરાશાયી કરી દીધી. કોંગ્રેસે રામમંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો, પરંતુ ભાજપે રામમંદિરને હંમેશા આસ્થાનો મુદ્દો ગણાવ્યો. છેવટે સુપ્રીમકોર્ટના ચુકાદા પછી ભવ્ય રામમંદિરની સ્થાપનાનો માર્ગ મોકળો થઈ ગયો.
કોંગ્રેસ: બીજા તબક્કાની તૈયારી પણ શરૂ, 24 બેઠકોમાંથી 12 પર સવર્ણ ઉમેદવારો ઊભા રાખ્યા
કોંગ્રેસે બીજા તબક્કાની બેઠકોની પણ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસે આ તબક્કાની 24 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં 12 સવર્ણને ટિકિટ આપી છે. આ ઉમેદવારોમાં 6 બ્રાહ્મણ, 4 ભૂમિહાર, 1 રાજપૂત અને 1 કાયસ્થ ઉમેદવાર છે. પક્ષના સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસે એનડીએની વફાદાર મતબેન્ક પર ફરી કબજો કરવાનો વ્યૂહ ઘડ્યો છે. જોકે, અનુસૂચિત જનજાતિના 4, અતિ પછાત વર્ગના 2, યાદવના 2 અને કુર્મીના 1 ઉમેદવારને ઊભા રખાયા છે. આવું કરીને તે જૂનાં સમીકરણોને જાળવી રાખવા ઈચ્છે છે.
સુરક્ષા: અર્ધસૈનિક દળો, વિવિધ રાજ્યોની પોલીસ સહિત 1200 કંપની તહેનાત રહેશે
બિહાર વિધાનસભા ચૂંટણી માટે અર્ધસૈનિક દળો અને જુદાં જુદાં રાજ્યોની પોલીસની 1200 કંપનીઓ તહેનાત કરાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, તેમાં અર્ધસૈનિક દળોની 1012 કંપની સામેલ છે, જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને ઝારખંડ પોલીસની આશરે 188 કંપની તહેનાત હશે. અર્ધસૈનિક દળોની કંપનીમાં સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, બીએસએફ, આઈટીબીપી અને આરપીએફની કંપનીઓ સામેલ છે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે છે.
લોજપા: ચિરાગે કહ્યું- નીતીશે મારા પિતાનું અપમાન કર્યું હતું
લોજપાના અધ્યક્ષ ચિરાગ પાસવાને જદયુ પર નિશાન સાધતા કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશકુમારે મારા પિતાનું અપમાન કર્યું હતું. નીતીશ કહે છે કે, જદયુના સમર્થન વિના રામવિલાસ પાસવાન રાજ્યસભામાં પસંદગી ના પામ્યા હોત કારણ કે, લોજપાના બિહારમાં ફક્ત બે ધારાસભ્ય છે. નીતીશકુમારે એ યાદ રાખવું જોઈએ કે, મારા પિતાને રાજ્યસભામાં મોકલનારા તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ હતા. જ્યારે જદયુએ 2019ની લોકસભા ચૂંટણીમાં લોજપા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.