
કોરોનાકાળ છે અને બીજી બાજુ રાજ્યના સૌથી મોટા ગરબા આયોજકો નવરાત્રિનું આયોજન કરવા ના કહી રહ્યાં છે, છતાં પાલિકા નવરાત્રી માટે અઠવા લાઈન્સ ખાતે આવેલા ઈન્ડોર સ્ટેડિયમને ભાડેથી ફાળવવા ઓફર મંગાવી હતી. પાલિકાએ આ ઓફર મંગાવતા જ વિવાદ ઉભો થયો હતો. એક તરફ પાલિકા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા જ્ઞાન વેચતી ફરી રહી છે અને બીજી તરફ લોકોને એકત્ર કરવાની તૈયારી દર્શાવી હતી.
ગુરુવારે તાત્કાલિક આ ટેન્ડર પ્રક્રિયા મુલત્વી કરાઇ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે, ‘સરકાર દ્વારા હજી સુધી નવરાત્રીના આયોજનને લઈને કોઈ સુચના આપવામાં આવી નથી એટલે ઈન્ડોર સ્ટેડિયમને ભાડે આપવાની ટેન્ડર પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે, સરકાર દ્વારા સુચના આપવામાં આવશે ત્યાર બાદ હવે નિર્ણય લેવાશે.