
- 25 માર્ચ પછી બંધ કરાયેલા ગાર્ડનમાં લોકોની પાંખી હાજરી દેખાઈ
લોકડાઉન અને કોરોનાના કારણે છ માસથી બંધ સુરતના 150 જટલા ગાર્ડન આજથી અનલોક થયા છે. ગાર્ડનના ઉપયોગ માટે એસ.ઓ.પી. બનાવવામાં આવી છે તેના પાલન સાથે ગાર્ડન શરૂ કરવામાં આવ્યા છે. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે શરૂ થયેલા ગાર્ડનમાં લોકોની પાંખી હાજરી જોવા મળી છે. જો કે, વડીલો માટે બનાવવામાં આવેલા 75 જેટલા શાંતિકુંજ ખોલવામાં આવ્યાં નથી. આજે વડીલોને ગાર્ડનમાં પ્રવેશ અપાયો નથી.
મોર્નિંગ વોક્ માટે રસ્તા પર નહીં દોડવું પડે
રાજીવભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી ગાર્ડન બંધ રહેતા સવારમાં મોર્નિંગ વોક માટે રસ્તા પર દોડવું પડતું હતું. એ સલામત નહોતું. પરંતુ હવે ગાર્ડન ખુલી જતા અને શિયાળો પણ શરૂ થવાનો હોવાથી આ નિર્ણયને અમે આવકારીએ છીએ. નિયમો જરૂરી છે. તેનું પાલન થવું જોઈએ.
બે કલાક જ ગાર્ડનમાં રહી શકાશે
ગાર્ડનમાં લોકો ભેગા થાય અને ફરીથી સંક્રમણ ન થાય તે માટે મ્યુનિ.તંત્રએ કેટલીક નીતિ બનાવી છે તનું ચુસ્ત પાલન કરવા માટે સુચના આપવામાં આવી છે.કોરોનાનું સંક્રમણ વડિલો અને બાળકો, ગર્ભવતિ મહિલા સાથે સુગર પ્રેશર અને અન્ય બિમારી ધરાવતાં લોકોને ઝડપી થતું હોવાથી તેઓને ગાર્ડનમાં ન પ્રવેશ આપવામાં આવતો નથી. ગાર્ડનમાં સેલ્ફ સેનેટાઈઝ અને માસ્ક પણ ફરજ્યાત રાખવામાં આવ્યું છે. કોઈ પણ ગાર્ડનમાં એક સાથે પાંચ કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવું નહી તેથા કોઈ વ્યક્તિ કે પરિવાર બે કલાકથી વધુ ગાર્ડનમાં રહી નહીં શકે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
સવારે 6થી9 અને સાંજે 4થી 7 ખુલ્લા રહેશે
પાલિકાના ગાર્ડન સુપરિટેન્ડન્ટ એસ. જે. ગૌતમે જણાવ્યું હતું કે, ગાઈડલાઈન મુજબ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ગાર્ડન ખુલ્લા મુકવામાં આવ્યાં છે. જેમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરવવામાં આવી રહ્યું છે.