
- 260 કેસ સાથે વધુ 3 મોત, એક જ વોર્ડના 20 દર્દીઓને એક સાથે રજા
શહેરમાં 175 અને જિલ્લામાં 85 કોરોના શહેર-જીલ્લામાં રવિવારે વધુ 260 પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 32 હજારને પાર કરી 32178 થઇ છે. રવિવારે શહેર જિલ્લામાં વધુ 3 મોત થતાં કુલ મૃતાંક 963 થયો છે. જ્યારે 280 કોરોના દર્દીઓએ કોરોનાને માત આપતા અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 28962 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો સુરતમાં હાલ 2253 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
એક જ વોર્ડના 20 દર્દીઓમાંથી 10ને રેમડેસિવીર ઇન્જેક્શન અપાયા હતા| નવી સિવિલે એક જ વોર્ડના 20 કોરોનામુક્ત થયેલાં દર્દીઓને માસ ડિસ્ચાર્જ કરી અનોખું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વિદ્યાર્થિની, શિક્ષક, દિવ્યાંગ, તબીબ, ખેડૂત, દંપતી સહિતના દર્દીઓને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક સાથે રજા આપવામાં આવી હતી. સાજા થયેલા દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં હતાં, જ્યારે 20 દર્દીઓ પૈકી 10 ને રેમડેસિવીર ઈન્જેક્શન આપવામાં આવ્યાં હતાં.
ધારાસભ્ય હર્ષ સંઘવી માસ્ક વગર બેટિંગ કરી કોરોનાનો સ્કોર વધારવા માંગે છે?
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ માસ્ક વગર ક્રિકેટ રમતા હોય તેવા ફોટો સોશિયલ મિડીયામાં મુકતા ટ્રોલરોના નિશાને આવ્યા હતાં. તેમના જ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં SMC પાર્ટી પ્લોટ પર ક્રિકેટ રમનારાઓને દંડાયા હતાં.

બે ગજની દૂરીનો અભાવ
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના ઇલેક્શનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતાં તેમજ અમુક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં.

સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું
પુણામાં હક અને અધિકારની લડાઇ અંતર્ગત CMને પોસ્ટકાર્ડ લખવાના કાર્યક્રમમાં મહિલાઓ માસ્ક વગર હતી તેમજ સો.ડિસ્ટન્સિંગ ભૂલાયુ હતું.

કોરોનાને ખુલ્લું આમંત્રણ
વરાછા બરોડા પ્રેસ્ટિજ મેઈન રોડ પરની માર્કેટ સામાન્ય દિવસોની જેમ જ ખીચોખીચ જણાઇ આવી છે. બીજી તરફ આટલી ભીડ હોવા છતાં પાલિકાએ નિયમોનું અમલીકરણ કરાવવામાં પાછી પડી હતી.