
- રામવિલાસ પાસવાન પછી ચિરાગનો માર્ગ કેટલો દૂર, કેટલો નજીક, ચૂંટણીમાં અગ્નિપરીક્ષા
બિહાર વિધાનસભામાં હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (લોજપા) મહાગઠબંધન કે જનતાદળ યુનાઈટેડ (જદયુ)માંથી કોના પર વધુ અસર કરશે. જોકે, ભાજપ વિરુદ્ધ ચુનંદા બેઠકોને છોડીને ઉમેદવારો નહીં ઉતારવાની ચિરાગ પાસવાન જાહેરાત કરી ચૂક્યા છે. પહેલા તબક્કામાં 71 બેઠકમાંથી લોજપાએ 42 ઉમેદવારની જાહેરાત કરી છે. તેમાંથી 35 ઉમેદવાર એ વિધાનસભા ક્ષેત્રના છે જ્યાં જદયુના ઉમેદવાર છે.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, લોજપા વધુ નુકસાન જદયુને કરશે. તેની તુલનામાં મહાગઠબંધનને ઓછું નુકસાન થશે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે લોજપાએ 42 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા તેમાંથી બે જીત્યા હતા અને 36 બીજા સ્થાને રહ્યા હતા. જે 36 બેઠક પર લોજપા નંબર 2 પર રહી, તેમાંથી 21 બેઠક જદયુએ જીતી હતી, જ્યારે 8 પર રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને 6 બેઠક પર કોંગ્રેસ પહેલા નંબરે હતી.
સીએસડીએસના પ્રો. સંજયકુમાર કહે છે કે લોજપાના ઉમેદવારોના કારણે ગઠબંધનને નુકસાન પહોંચવાની શક્યતા ઓછી છે. ગળાકાપ સ્પર્ધા ધરાવતી બેઠકો પર લોજપાના ઉમેદવાર જદયુને જ નુકસાન પહોંચાડશે, જેનાથી મહાગઠબંધન અને ભાજપ બંનેને ફાયદો થઈ શકે છે. નુકસાન એટલે પહોંચી શકે છે કારણ કે, બિહારમાં લગભગ દરેક વિધાનસભા બેઠકમાં લોજપાના ઓછામાં ઓછા પાંચથી દસ હજાર સમર્પિત મતદારો છે. તમે લોકસભા અને વિધાનસભા ચૂંટણી પર નજર કરશો તો, લોજપાને પાંચ ટકા મત મળ્યા છે. મને લાગે છે કે, જદયુની 20થી વધુ બેઠક પર લોજપા અસર કરી શકે છે.
બીજી તરફ, જદયુના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા કે.સી. ત્યાગી લોજપાની અસરને નકારે છે. તેઓ કહે છે કે બિહારમાં ચૂંટણી સીધેસીધી એ વાત પર નિર્ભર છે કે નીતીશકુમાર જોઈએ છે કે નહીં? મતદારોના મગજમાં એ જ વાત છે કે અમે છેલ્લાં 15 વર્ષમાં જે વિકાસ કર્યો છે, તે લોકો જોઈ રહ્યા છે. બિહારમાં મુખ્યત્વે ત્રણ જ પક્ષ છે- જદયુ, ભાજપ અને રાજદ. તેમાંથી જે બે લોકો સાથે રહે છે તે ચૂંટણી જીતશે. ગઈ વખતે જદયુ અને રાજદ હતા, તો તેઓ જીત્યા હતા. આ વખતે જદયુ અને ભાજપ છે, તો તેઓ ચૂંટણી જીતશે. મુકાબલો મહાગઠબંધન સામે જ છે. લોજપા ચૂંટણી ફેક્ટર છે જ નહીં.
ભાજપના બળવાખોર ઉમેદવાર (જે લોજપામાંથી ચૂંટણી લડી રહ્યા છે) મુદ્દે સંજયકુમારે કહ્યું કે ભાજપનો સ્ટ્રાઈક રેટ જદયુથી સારો હોઈ શકે છે. વિધાનસભા ચૂંટણી પછી ભાજપ અને જદયુએ જીતેલી બેઠકોનું અંતર 8-10થી વધુ રહેશે તો નીતીશકુમારને કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે, તે અંતર 20થી વધુ બેઠકનું રહ્યું, તો સ્થિતિ બદલાશે. ભાજપ નીતીશકુમાર પર દબાણ વધારી શકે છે. ભાજપ ચૂંટણી તો 2020ની લડી રહ્યો છે, પરંતુ તેની નજર 2025 પર છે. ભાજપ વિચારતો હોઈ શકે કે 2020માં તેઓ જદયુથી એટલા આગળ નીકળી જાય કે 2025માં તેમને જદયુની જરૂર જ ના પડે.