
- છત્રાલ લૂંટ કેસ : લુટારૂઓને પકડવા પહોંચેલી પોલીસે મેક્ઝીમ કંપનીના ડ્રાઈવરને ત્યાં જોતાં ભાંડો ફૂટી ગયો
કલોલ તાલુકાના છત્રાલમાં બુધવારે થયેલી 18 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું છે. મેક્ઝીમ કંપનીના માલિકના ડ્રાઈવર એવા યોગેશ ચંદુભાઈ બારોટને જુગારમાં 6 લાખનું દેવું થયું હતું. જેને પગલે તેણે પોતાના 2 મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તે બુધવારે આંગડીયામાં આવેલા કંપનીના 18 લાખ લેવા ગયો ત્યારે 2 મિત્રોને બોલાવીને લૂંટનું તરકટ રચ્યું હતું. જોકે નવા નીશાળીયા આરોપીઓ પૈસાનો ભાગ પાડવા માટે ભેગા થયા તે દરમિયાન ગાંધીનગર એલસીબીએ તેમને ઝડપી લીધા હતા.
છત્રાલમાં ગત વર્ષે એક્સીસ બેંકમાં 44 લાખની લૂંટની ઘટના બાદ બુધવારે 18 લાખની લૂંટની વાત આવતા પોલીસ દોડતી થઈ હતી. રેન્જ આઈજી અભય ચુડાસમા અને એસપી મયુર ચાવડાની કડક સુચનાથી કલોલ તાલુકા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો તપાસમાં લાગી ગઈ હતી. જેમાં પોલીસે રૂટ પર આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે બાતમીદારોને સક્રીય કર્યા હતા. ત્યારે એલસીબી-1 પીઆઈ જે. જી. વાઘેલની ટીમના એ. જી. એનુરકારને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા બાઈક અને આરોપીઓની બાતમીને આધારે પોલીસે ગુરૂવારે સવારે પિયજ કેનાલ પાસેથી બાઈક સાથે 3 શખ્સોને દબોચી લીધા હતા. જોકે પોલીસ ત્યાં ચોંકી જ્યારે ઝડપાયેલા 3 લોકોમાં ફરિયાદી પોતે પણ હાજર હતો. તેઓ લૂંટેલા પૈસાના ભાગ પાડવા માટે ભેગા થયા હતા. જેને પગલે પોલીસે લૂંટમાં ગયેલા 18,06,300 રોકડા, 50 હજારનું બાઈક અને 1 ફોન મળીને 18,66,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ડ્રાઈવર પોલીસની સાથે જ હતો
બપોરે લૂંટ બાદ આરોપીએ પહેલાં આંગડીયા પેઢીમાં પછી પોતાના માલિકને જાણ કરી હતી. જેને પગલે માલિકે કલોલ તાલુકા પોલીસને જાણ કરતા પીઆઈ કે. કે. દેસાઈ સહિતનો પોલીસનો કાફલો પણ આવી ગયો હતો. સમગ્ર મુદ્દે પોલીસે સાંજના સુમારે લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે બપોરથી રાત સુધી પોલીસની તપાસમાં આરોપી સાથે જ રહ્યો હતો. જેમાં આરોપીની હીલચાલ પણ પોલીસને શંકાસ્પદ લાગી હતી, પરંતુ કોઈ નક્કર આધાર ન મળતા પોલીસ ઉલટ તપાસ કરવાનુ મન બનાવ્યું હતું. પણ તે પહેલાં જ તેની એક ભૂલથી તે પકડાઈ
ગયો હતો.
7 વર્ષમાં કમાયેેલી ઈજ્જત ગુમાવી
આરોપી યોગેશ બારોટ મેક્ઝીમ કંપનીના માલિક કૃણાલભાઈ પટેલની ગાડી છેલ્લા 7 વર્ષથી ચલાવતો હતો. તેના પરના વિશ્વાસને લઈને માલિક દ્વારા તેને કંપનીના પૈસાની લેતી-દેતીના વ્યવહારો, બેંક તથા આંગડીયા પેઢીમાં આવતા લાખો રૂપિયા લેવા માટે પણ તેને મોકલવામાં આવતો. ત્યારે બુધવારે તેને 18 લાખ લેવા માટે ગયો ત્યારે તેના મનમાં લાલચ જાગી અને તેણે પોતાના 2 મિત્રોને જાણ કરી લૂંટ કરાવી હતી. જેમાં તે બપોરે અઢી વાગ્યાના સુમારે પૈસા લેવા ગયો હતો. પોણા 3 વાગ્યે પી. એમ. આંગડીયા પેઢીમાં જેવો બહાર નીકળ્યો ત્યારે તેના 2 મિત્રો બેગ ઝુંટવીને ફરાર થયા હતા.