
- સુગરે શેરડીની વિવિધ જાતોના રોપાણ નિયમોમાં ફેરફાર કરતા વાવેતર વધ્યું
- 2019માં 48,899 એકર રોપણી થઈ હતી, હાલ રોપવાનું કારણ શેરડી કટિંગ વહેલું આવે
દક્ષિણ ગુજરાતના ખેડૂતો ધીરે ધીરે શેરડીની રોપણી સપ્ટેમ્બર માસથી શરૂ કરવામાં વધારો નોંધાય રહ્યો છે. વર્ષ 2019માં સપ્ટેમ્બરમાં 14 સુગરોમાં 48,899 એકર રોપણી થઈ હતી. જે તાજેતરના વર્ષ 2020માં રોપાણ 73,154 એકર પર પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીમાં 24,255 એકર શેરડીનું રોપાણમાં વધારો નોંધાયો છે.
ઓલપાડની કાંઠા સુગરમાં એકમાત્ર ગત વર્ષની સરખામણીમાં 36 એકરનું રોપાણ ઘટ્યું છે. બાકીની 13 સુગરોમાં સપ્ટેમ્બરમાં રોપણ વધ્યું છે. જોકે, ખેડૂતો માથે જોખમ લઈ 1 લી સપ્ટેમ્બરથી રોપાણ કરતા હોય છે. આ માસમાં વરસાદનું જોખમ રહેતું હોય છે. વધારે વરસાદ પડતાં બિયારણ બગડવા તેમજ મજૂરી ખર્ચ ભારે પડી શકે છે. છતાં ખેડૂત જોખમ ખેડી વાવેતર કરતો હોય છે. સુગરની ઓક્ટોબર માસમાં પિલાણ સિઝન શરૂ થતાં વહેલી શેરડીનું કટિંગ થાય, જેનાથી શેરડીના પાકનું વજન સારું મળી રહે અને વળતર સારું મળે. આ આશયથી ખેડૂત ઉનાળામાં જ ખેતરોમાં પાળિયા ખેંચી ખેતરો તૈયાર રાખે છે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થતાં જ રોપાણ શરૂ કરે છે.
અમુક જાતોમાં વહેલી રોપણીની મંજૂરી મળતા લાભ
ઘણી સુગરોમા નિયમોમાં થોડાં સુધારા વધારા કરતા શેરડીની રોપણીમાં વધારો થઈ રહ્યો હોવાનું સુગર સંચાલકો સાથે વાતચીત દરમિયાન જાણવા મળેલ છે. અમુક સુગરો શેરડીની જાતો પૈકી જે ઓક્ટોબરમાં રોપણીની મંજૂરી આપી હોય, એમાં સુધારો કરી 15 થી 25 સપ્ટેમ્બરમાં રોપણી કરવાની મંજૂરી આપતાં, આવી જાત રોપતા ખેડૂતો પહેલાથી તૈયારી કરી સપ્ટેમ્બરમાં રોપણી કરતા થયાં હોવાનું કારણ જાણવા મળેલ છે.
એડવાન્સમાં રોપણીથી આ ફાયદો થઈ શકે
એડવાન્સમાં રોપણી કરવાથી વહેલી શેરડી કપાઈ, પાણીનો શોસ ન પડવાથી વજન સારું આવે અને ભાવ પણ સારો મળે, લેટ કટિંગ થાય તો, શેરડી સુકાઈ જવાથી વજન ઓછું આવે, જેથી ખેડૂતો શેરડી રોપણ માટે પૂર્વ તૈયારીઓ કરી રાખે છે. અને સપ્ટેમ્બરમાં રોપી ફાયદો લેવાનો પ્રયાસ હોય છે.
સપ્ટેમ્બરમાં રોપણીથી આ નુકસાન
સુગરના સંચાલકો સાથે વાતચીતમાં જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં શેરડીની રોપણી માટે ખેડૂતે ઉનાળુ પાક છોડવો પડે છે. લીલો પડવાશ થતો ન કરી શકે. ખેડ પણ થતી નથી, જેથી જમીનની ફળદ્રુપતા પર પણ અસર થતી હોવાનું કહેવાય છે. બીજી તરફ આ માસમાં વરસાદ વધારે પડતા, રોપણ કરેલ શેરડીમાં પાણીનો ભરાવો રહેતા બિયારણ બગડી શકે. શેરડી નહિ ઉગેલી ખાલી જગ્યામાં બીજું બિયારણ લાવી રોપવાનો ખર્ચ વધી શકે છે.
સપ્ટેમાં ઠંડીને લીધે જરમીનેશ ન આવે, પીલા ઓછા નીકળે
ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં શિયાળાનો પ્રારંભ થતો હોવાથી ઠંડીનું પ્રમાણ ચાલુ થાય, જેથી જરમીનેશન ન આવે. પરિણામે રોપણ કરેલ શેરડીના પીલા ઓછા નીકળે છે. ટેમ્પરેચર જરૂરી છે. સપ્ટેમ્બરમાં શેરડીની લેટ વેરાયટી રોપી શકાય. > જયદેવભાઈ રાઠોડ, કૃષિ તજજ્ઞ