
- આરઆરસેલે માંડવી તાલુકાના કરંજ ગામમાં રેઇડ કરી 2ને ઝડપી લીધા, 2 ફરાર
- ઓઇલ, ટેન્કર તેમજ અન્ય ચીજ વસ્તુઓ સહિત કુલ રૂ. 23,94,500 નો મુદ્દામાલ જપ્ત કરાયો
આર.આર. સેલ સુરત વિભાગ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન કરંજ ગામની સીમમાં એક ગોડાઉનમાંથી ઓઈલ ભરેલી ટેન્કરમાંથી ચોખ્ખા ઓઇલની ચોરી કરી લુઝ ફર્નેસ ઓઇલની મિલાવટ કરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ રેડ જોઇ ભાગવા જતા 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે 2 ફરાર થઈ ગયા હતા. ઓઇલ, ટેન્કર તેમજ અન્ય ચીજ વસ્તુઓ સહિત કુલ રૂ. 23,94,500 નો મુદ્દામાલ જપ્ત કરાયો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આર.આર. સેલ સુરત વિભાગની ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે કરંજ ગામની સીમમાં આવેલ લોખંડ ના કારખાના પાસે ગોડાઉનમાં એચ.પી. કંપનીના ઓઇલ ભરેલા ટેન્કરમાંથી ચોખ્ખું ઓઇલ કાઢી લુઝ ફર્નસ ઓઈલની મિલાવટ કરવામાં આવી રહી છે. મળેલ બાતમી મુજબ સ્થળ પર જતા એચ.પી. કંપનીનું ચોખ્ખું ઓઇલ ભરેલ ટેન્કર (MH-04GC-7396) પાસે ત્રણ વ્યક્તિઓ ઊભા રહી ટેન્કરના વાલ્વ સાથે પ્લા પાઇપ ફીટ કરી બે મોટા ટેન્ક પૈકી એક ટેન્કમાં ચોખ્ખું ઓઇલ કાઢી રહ્યા હતા.
પોલીસ રેડ જોઇ ત્રણેય ઇસમો નાસવા લાગ્યા હતા. જેમાંથી 2 ઇસમોને દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે 2 ફરાર થઈ ગયા હતા. પકડાયેલા બંને ઇસમોને પોતાનું નામ પુછતા પહેલાએ પોતાનું નામ અનિલકુમાર ગંગાપ્રસાદ તિવારી (37) (રહે. બોરીવલી , મહારાષ્ટ્ર) નો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા ઈસમે પોતે ટેન્કર નો ચાલક મોહમ્મદ આદિશ મોહમ્મદ હદિશ ખાન (35),(રહે. સલ્તનત રોડ, મુંબઈ) નો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા પૂછપરછ કરતા અનિલે જણાવ્યું હતું કે આ ગોડાઉન ભાડેથી લઈ કંપનીનું આવતું ચોખ્ખું ઓઇલ કાઢી તેમાં લુઝ ફર્નસ ઓઇલની મિલાવટ કરી જે તે જગ્યાએ ઓર્ડર મુજબ પહોંચાડવામાં આવતું હતું. સ્થળ પરથી એક લુઝ ફર્નસ ઓઇલ ભરેલું ટેન્કર, એક એચ.પી. કંપનીનું ચોખ્ખું ઓઇલ ભરેલું ટેન્કર, બે લુઝ ફર્નસ ઓઇલ ભરેલ ટેન્ક, 32 નંગ ૨૦૦ લીટર ના બેરલો, બે સિંટેક્સ ની 5000 લીટરની ટાંકીઓ, બે નોઝલ સહિત મોટરો, ચાર પ્લાના પાઇપોના ટુકડા, એક જનરેટર અને પકડાયેલ ઈસમોના મોબાઈલ સહિત કુલ રૂ. 23,94,500 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારબાદ આગળની તપાસ માંડવી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.