
- ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બની ઘટના
- અથડામણ બાદ કાર-બાઇક ડિવાઇડરમાં ઘૂસી ગયાં, એકનું ઘટનાસ્થળે, બીજાનું હોસ્પિટલમાં મોત
- કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડર સાથે અથડાયા બાદ બાઇક અને કારનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા
- જિનેશ દારૂ પીને કાર ચલાવતો હોવાની આશંકા, બ્લડ સેમ્પલ લેવાયું
ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં છે.
પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી કલર કામ કરતા હતા. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કામ પતાવીને તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક નંબર વગરની મર્સિડીઝ કાર ગિયોડ અંબાજી મંદિર પાસે ઊભેલી પૂજાપાની લારી સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કાર બાઇક તરફ ધસી ગઈ ટક્કર મારી હતી. બાઇક અને કાર બંને ડિવાઇડરમાં ઘૂસી જતાં જુગાજી પરમારનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે કલ્યાણ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં કારચાલક યુવકે મંદિર પાસે લારીને ટક્કર મારતાં એરબેગ ખૂલી ગઈ હતી, જેથી આગળ કશું ન દેખાતાં બાઇકને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના ટેસ્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે
આરોપી યુવક મૂળ રાજકોટનો અને પાંચેક વર્ષથી બોપલ વિસ્તારમાં રહેતો જિનેશ મુકેશભાઈ ટોડિયા (જૈન, 28 વર્ષ,ઈસ્કોન પ્લેટિનમ) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાલ તો ચિલોડા પોલીસે તેની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, સાથેસાથે તે ખરેખર દારૂ પીને કાર ચલાવતો હતો કે નહીં એની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે.

આરોપી સાથે એક યુવતી પણ હતી
આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પોતાનો ફોન ઉદયપુર ભૂલી ગયો હતો એ લેવા જઈ રહ્યો હતો. બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેની સાથે એક યુવતી હતી. બંને હોટલમાં જમવા બેઠાં હતાં ત્યારે બંને વચ્ચે રકઝક થતાં યુવતી ગિયોડ મંદિર તરફ ચાલતી જતી હતી. આ યુવતીને લેવા જિનેશ ફુલ સ્પીડમાં કાર ચલાવતો હતો.

અકસ્માતમાં મોતને ભેટનાર જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકીની ફાઇલ તસવીર.