
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તહેવારોની સિઝનમાં સાવધાની રાખવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન અંતર્ગત ગરબામાં માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે તથા ધાર્મિક કાર્યક્રમોમાં સ્પર્શી શકાશે નહીં. નવી ગાઈડલાઈન હેઠળ કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો નહીં આયોજિત કરી શકાય. સાથે જ પૂજા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે.
ગાઈડલાઈન્સ અનુસાર, ધાર્મિક કાર્યક્રમો માટે પૂરી પ્લાનિંગ કરવી પડશે. ભીડ-ભાડ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. કમ્યુનિટી કિચન, લંગરોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. કમ્યુનિટી કિચન ચલાવનાર લોકોએ સાફ-સફાઈનું પૂરું ધ્યાન રાખવું પડશે. કાર્યક્રમ સ્થળની સફાઈથી લઈને જૂતા-ચંપલ ઉતારવા સુધીની પ્રક્રિયામાં કાળજી રાખવી પડશે. આ જવાબદારી આયોજકોની રહેશે.
કન્ટેઇન્મેન્ટ ઝૉનમાં ગરબા યોજી શકાશે નહીં
કન્ટેઇનમેન્ટ ઝોનમાં ગરબા કે પૂજા-પાઠનો કાર્યક્રમ કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી આયોજકો, સ્ટાફ કે અન્ય લોકોને પણ જવાની મંજૂરી અપાશે નહીં. લોકો ઘરમાં રહીને જ તહેવાર મનાવી શકશે. રેલી કે વિસર્જન જેવા કાર્યક્રમમાં નિર્ધારીત મર્યાદાથી વધારે લોકો ભાગ લઈ શકશે નહીં. આ જોવાની જવાબદારી સંપૂર્ણપણે આયોજકોની રહેશે.
નિયમોનું પાલન ચકાસવા માટે સીસીટીવી કેમેરા ફરજિયાત
ગરબાના કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય એટલે જે જગ્યા પર કાર્યક્રમ કરવામાં આવશે, ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત થશે. સાથે જ ધાર્મિક સંસ્થાઓ, પંડાલોમાં મૂર્તિને અડવાની મનાઈ હશે. સામૂહિક ધાર્મિક ગાવા-વગાડવાના ધાર્મિક કાર્યક્રમોની મનાઈ હશે. આ જગ્યા પર રેકોર્ડેડ ધાર્મિક સંગીત વગાડી શકાશે.
એક જણ સંક્રમિત હશે, તો બધાને કોરોનાગ્રસ્ત કરશે
એએમએના પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. મોના દેસાઇના જણાવ્યા અનુસાર લોકોએ જાતે જ સમજવું પડશે કે તેઓ શું કરી રહ્યા છે અને શું કરવું જોઈએ. સિનેમા હૉલ હોય કે ગરબા, પાંચ વ્યક્તિ ભેગા થાય કે 100 ભેગા થાય, પરંતુ જો કોઈ એક વ્યક્તિ સંક્રમિત હશે તો એ બધાને કોરોનાગ્રસ્ત કરી નાખશે. એટલે સાવચેતી રાખવી ફરજિયાત છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. નહીં તો આ અમને બહુ ભારે પડશે. મોટી સંખ્યામાં આપણે ભેગા ના થઈએ એ હાલ સમયની માંગ છે, યુવાનોએ સમજવાની જરૂર છે કે સામાજિક જમાવડા ના થાય એમાં જ સૌનુ હિત છે.’