
- એપી સેન્ટર મુંબઈ હોવાથી બંને સપ્લાયર્સને તપાસ માટે મુંબઈ લઈ જવાશે
સલમાન પાસેથી પકડાયેલાં એક કરોડના ડ્રગ્સ પ્રકરણમાં માલેતુજાર પરિવારના નબીરા આદિલ નૂરાનીનું નામ ખુલ્યાં બાદ પોલીસે આજે વધુ બે ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વિવિધ 10 મુદ્દાના આધારે 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સુરત અને વાપી સહિત દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાયર્સ તરીકે મનોજ પાટીલનું નામ ખુલ્યું હતું. મનોજ પાટીલે અનેક યુવાધનને નશાખોરીના દલદલમાં ધકેલ્યા હોવાથી તેેની ધરપકડ માટેના પ્રયાસ પોલીસે તેજ કર્યા છે.
સલમાનની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સના ચક્રવ્યૂહને ભેદવાનો પ્રયાસ કરી રહી છે અને એક પછી એક ધરપકડ કરીને ગુનાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરી રહી છે. આજે આરોપી વીરામની ઉર્ફે અન્ના પાંડુરંગા (ઉ.વ.53, રહે. રહે, મુંબઇ, મૂળ, તમિલનાડુ) અને પ્રવિણ રોહિદાસ મ્હાત્રે (ઉ.વ.42, રહે. મુંબઇ)ની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ બકુલ પરંજિયાએ દલીલો કરી હતી કે, આ બંને આરોપીઓ મુંબઇના મુખ્ય સપ્લાયર્સ છે. જેઓ મુંબઇથી માલ મોકલતા હતા અને પછી તે દેશના જુદા-જુદાં રાજ્યોમાં જતો હતો. આરોપીઓ બીજા કોના સંપર્કમાં છે, ક્યાં પ્રોડક્શન થાય છે અને કોને-કોને માલ આપવામાં આવે છે તે સપ્લાયર્સને શોધવાના છે અને તમામની ધરપકડ કરવાની બાકી છે. આરોપીઓને વધુ તપાસ માટે મુંબઇ પણ લઇ જવાના છે અને તમામનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવાનું છે. આ સિવાય જે મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે તેની તપાસ પણ કરવાની છે.
મનોજે 400 ગ્રામ ડ્રગ્સ સુરત મોકલ્યું હતું
રિમાન્ડ અરજી દરમિયાન એપીપી બકુલ પરંજિયાએ દલીલ કરી હતી કે, મનોજ પાટીલ સુરત સહિતના દક્ષિણ ગુજરાતનો મુખ્ય સપ્લાયર્સ છે. તેણે અગાઉ 400 ગ્રામ ડ્રગ્સ સુરત મોકલ્યું હતું.
આરોપી કાંદાનો વેપારી
મુંબઇથી ધરપકડ કરાયેલાં આરોપી પૈકી વિરામની કાંદાનો વેપારી અને પ્રવિણ લેબર કોન્ટ્રાક્ટર છે. બંને આ ધંધામાં કેવી રીતે અને કોના મારફતે પ્રવેશ્યા એની તપાસ પણ પોલીસ કરી રહી છે.