
- ઉપપ્રમુખ પદે આશિષ ગુજરાતીને 1777 મત મળ્યા
- સીએ મિતિષ મોદી 679 મતથી હાર્યા
આરોપ-પ્રત્યારોપ વચ્ચે ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રવિવારે યોજાયેલી ઉપપ્રમુખ પદ્દ માટેની ચૂંટણીમાં વીવર આશિષ ગુજરાતી વર્સેસ સીએ મિતિષ મોદી વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં કુલ 2930 મતો બંન્ને લો-પ્રોફાઈલ ઉમેદવારોની ચૂંટણીમાં પડ્યા હતા. જેમાંથી 54 મત રદ્દ થયા, વિજેતા આશિષ ગુજરાતીએ 1777 મત જ્યારે સીએ મિતિષ મોદીએ 1098 મત મેળવ્યા હતા. ટેક્સટાઈલ સેક્ટરની સાથે સૌરાષ્ટ્રવાસી મતોના સંયોજનથી 9 વર્ષ બાદ ટેક્સટાઈલ સેક્ટરમાંથી આવેલા ઉમેદવાર ગુજરાતીએ 679 મતની લીડ મેળવી ઉપપ્રમુખનું સ્થાન મેળવ્યું છે. જીત પાછળ સૌરાષ્ટ્રવાસીની સાથો-સાથ ટેક્સટાઈલના મતોનું એકસરખું દાન અને કાળા વાવટા પ્રકરણથી સેન્ટીમેન્ટ ગુજરાતી તરફે રહ્યું હોવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. કોરોનાના કારણે ઉમેદવારોના જૂથને મંડપ બાંધવા કે રસોડું નહીં કરવા કલેકટર તરફે સૂચના આપવામાં આવી હતી.જોકે, પાર્કિગ એરિયાને જ પ્રચાર મંચ બનાવી લેતાં ઉમેદવારોના બે સમર્થકો વચ્ચે ભણેલા ઉમેદવારને મત આપવાની વાતને મામલો ઉશ્કેરાટે ચઢ્યો હતો.
સ્મૃતિ ઇરાની સામે કાળા વાવટા ફરકાવ્યા હતાં
વીવીંગ ઈન્ડસ્ટ્રીની રૂ.650 કરોડની ક્રેડિટ રિફંડ મુદ્દે સરકાર દ્વારા ઉકેલ નહીં આવતાં દોઢ વર્ષ અગાઉ એસઆરટીઈપીસીના કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સામે ફોગવાની ટીમ સાથે ગુજરાતીએ કાળા વાવટા ફરકાવ્યા હોવાનો વિડીયો ચૂંટણીના 2 દિવસ પૂર્વે વાયરલ થયો હતો. આ અંગે માજી પ્રમુખોએ મત આપ્યો છે કે, વિરોધીઓએ જે વિડીયો વાયરલ કર્યો તેનાથી ટેક્સટાઈલ સેક્ટરમાં આશિષ ગુજરાતીને નહીં ઓળખનારા લોકોએ પણ તેમને મત આપ્યા છે.
ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુડ ફેબ્રિક્સ, ગાર્મેન્ટ-ટેક્નિકલ ટેક્સટાઈલ હબ સુરતને બનાવવાનું સપનું:ગુજરાતી
ઉપપ્રમુખ પદ્દના વિજેતા આશિષ ગુજરાતી જણાવે છે કે, સુરત હીરામાં તો પાયોનિયર છે જ પરંતુ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરના વેલ્યુએડીશનમાં આગળ આવે આ સાથે ગાર્મેન્ટ અને ટેકનિકલ ટેક્સટાઈલનું હબ બને ઉપરાંત, ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુડ ફેબ્રિક્સ સુરતમાં બને તે માટે સરકારમાં રજૂઆતો કરી તૈયાર પ્લાન અમલમાં મુકાશે. વધુમાં સુરત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે ત્યારે બેસ્ટ સિટી ટુ લીવ બને તે માટે પણ પ્રયત્નો કરાશે.
7 ઓક્ટોબરે દિનેશ નાવડિયા અને આશિષ ગુજરાતીનું ઈન્સ્ટોલેશન સેરેમની યોજાશે
તા.5 ઓક્ટોબરના રોજ વર્તમાન પ્રમુખ કેતન દેસાઈની આગેવાનીમાં ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા ઝૂમ એપ્લીકેશનના માધ્યમથી યોજવામાં આવશે. વાર્ષિક સભા બાદ 6 ઓક્ટોબરે બપોરે 12.39 ના વિજય મુહૂર્તમાં પ્રમુખ દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ આશિષ ગુજરાતી, સેક્રેટરી નિખીલ મદ્રાસી, ખજાનચી મનીષ કાપડીયા વિધિવત રીતે કાર્યભાર સંભાળી લેશે.તા. 7મી ઓક્ટોબરને બુધવારના રોજ દિનેશ નાવડીયા સાથે તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ પ્લેટિનમ હોલ ખાતે સાંજે 5 કલાકે યોજવામાં આવનાર છે. જેમાં 200 સભ્યો હાજરી આપે તેવી શક્યતા છે