
- 50 હજારથી વધુની કિંમતની ઘડિયાળ અને મોંઘા ફોન વાપરે છે
- પાર્ટીમાં મુલાકાત બાદ જ આદિલ સલમાનનો પાર્ટનર બન્યો
શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 1.33 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડવાના કેસમાં કરોડપતિ આરોપી આદિલ નૂરાનીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં આદિલ સાતમો આરોપી છે. જોકે આદિલ કરોડપતિ છે અને પાર્ટીબોય તરીકે જાણીતો છે. કરોડોની સંપત્તિમાં આળોટતો આદિલ 80 લાખની કારમાં ફરે છે. 50 હજારથી વધુની કિંમતની ઘડિયાળ અને મોંઘા ફોન વાપરે છે. આરોપી સલમાન ઝવેરી સાથે ડુમસના ફ્લેટમાં પાર્ટીઓ રાખતો હતો. તેમાં શહેરના માલેતુજાર પરિવારનાં યુવક-યુવતીઓ આવતાં હતાં, જેમાં ડ્રગ પીરસાતું હોવાની સંભાવના નકારી શકાય નહીં. પોલીસ એ દિશામાં તપાસ કરે તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવી શકે છે.
આદિલ પાર્ટીઓનો બહુ શોખીન
એમડી ડ્રગ કેસમાં ઝડપાયેલો આરોપી આદિલ નૂરાની દ્વારા નાની-નાની વાતે વારંવાર પાર્ટીઓ રાખવામાં આવતી હતી. કરોડોની સંપત્તિમાં આળોટતો આદિલ 80 લાખની કારમાં ફરે છે. 50 હજારથી વધુની કિંમતની ઘડિયાળ અને મોંઘા ફોન વાપરે છે. દોસ્તો પાછળ પણ બહુ ખર્ચા કરવાની આદત ધરાવે છે. દોઢેક વર્ષ પહેલાં આવી જ એક પાર્ટીમાં આદિલની સલમાન સાથે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ તેઓ ડ્રગ્સના ધંધામાં પાર્ટનર બની ગયા હતા. આદિલ પાર્ટીઓનો બહુ શોખીન છે. તે નિયમિત મુંબઈ પાર્ટી માટે પણ જતો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.
આદિલ રિંગરોડ સ્થિત કંસાર હોટલમાં બેસી કારભાર ચલાવતો
આરોપી આદિલ નૂરાની ઘણીવાર પોતાની રિંગરોડ સ્થિત કંસાર હોટલમાં બેસી કારભાર ચલાવતો હતો. સલીમ નૂરાની અને તેના પરિવારની કંસાર હોટલ સિવાય કડોદરામાં હોટલ અને કતારગામમાં પેટ્રોલપંપ પણ છે. વાપી અને મુંબઈમાં પણ પેટ્રોલ પંપ હોવાનું સલીમ નૂરાનીના નજીકનાં સૂત્રો જણાવે છે. સલીમ નૂરાની કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો છે તેમજ તેમનું એક થિયેટર પણ હોવાનું તેમના નજીકનાં સૂત્રો જણાવે છે.
આદિલ નૂરાનીએ BBAનો અભ્યાસ અધૂરો છોડ્યો હતો
સલમાન અને આદિલ વચ્ચે દોઢ વર્ષથી મિત્રતા છે. પાર્ટીમાં સલમાને આદિલને બીયરનું ટિન આપ્યું એ વખતથી બંનેની મિત્રતા થઈ હતી. હાલ આદિલ એવું રટણ કરે છે કે એમડીનો જથ્થો મારા માટે મગાવ્યો હતો, પણ પોલીસને આ વાત ગળે ઊતરતી નથી. આદિલ એમ.ડી. વેચતો હોવાની આશંકા લાગી રહી છે. આદિલે બીબીએનો અભ્યાસ અધૂરો છોડ્યો હતો.
ઘટના શું હતી?
ક્રાઇમ બ્રાન્ચે ગત 22 સપ્ટેમ્બરના રોજ મેગા ઓપરેશન દરમિયાન કુલ 1.33 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, જેમાં ડુમસ રોડ કુવાડા ટી પોઈન્ટથી ભીમપોર તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી મરુન કલરની કારમાંથી રાંદેરના મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી પાસેથી 1,01,18,2000ની કિંમતનું 1 કિલો 11.82 ગ્રામ MD ડ્રગ્સ કબજે કરી 38 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન, રોકડા 12,710, બે ડિજિટલ વજન કાંટા અને 2.50 લાખની કિંમતની કાર સહિત કુલ 1,04,19,410 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સંકેતને MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડી તે જ્યાં MD ડ્રગ્સ બનાવતો હતો એ કડોદરાના યુનિટ પર પણ છાપો મારી કાર્યવાહી કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નૂરાનીને કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. આદિલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેથી કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
MD ડ્રગ્સ કેસમાં અત્યારસુધીમાં 7 યુવાનની ધરપકડ થઈ છે
સલમાન ઉર્ફે અમન ઝવેરીને 400 ગ્રામ ડ્રગ્સ સપ્લાઇ કરનાર મનોજકુમાર ભગતને ક્રાઇમ બ્રાન્ચે વાપીથી પકડી પાડ્યો હતો. મનોજ વલસાડ જિલ્લામાં લવાછા ગામે અંબિકા પાર્ક સોસાયટીમાં અને બીજું ઘર સેલવાસા દાદરાનગરમાં આમળી વિસ્તારમાં શિવમ્ એપાર્ટમેન્ટમાં છે. છેલ્લા એકાદ વર્ષથી બન્ને ડ્રગ્સનો વેપલો કરતા હતા. સલમાન વાપી MD લેવા જતો અને મનોજ એ આપવા માટે પણ સુરત આવતો હતો. મનોજ ભગત મુંબઈથી MD ડ્રગ્સ લાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી મુંબઈના કનેક્શન બાબતની વિગતો મેળવીને એક ટીમને મુંબઈ પકડવા માટે પણ મોકલી છે. MD ડ્રગ્સમાં અત્યારસુધીમાં ડ્રગ્સ પેડલર સલમાન ઉર્ફે અમન ઝવેરી, સંકેત અસલાલિયા, વિનય ઉર્ફે બંટી પટેલ, સૂફિયાન મેમણ, પ્રજ્ઞેશ ઠુંમર, રોહન ઝા અને આદિલ નૂરાની પકડાયા છે, જયારે હજુ મુંબઈનો ઉસ્માન હાથ લાગ્યો નથી.