
- સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 12 દર્દી વેન્ટિલેટર પર
કોરોના સંક્રમણે ફરી માથુ ઉંચક્યું હોય તેમ કેસની સંખ્યા વધી રહી છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર પોઝિટિવનો આંકડો વધીને 28,560 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક વધીને 919 પર પહોંચ્યો છે. રિક્વરી રેટ 90 ટકા આસપાસ રહેતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 25,135 પર પહોંચી છે. શહેર અને જિલ્લામાં હાલ 2506 કેસ એક્ટિવ છે.
કેસો વધતાં રત્નકલાકારોના ટેસ્ટિંગ વધારાશે
સુરત જિલ્લામાં રોજના 250થી વધુ કેસ સપ્તાહ દરમિયાન નોંધાયા છે,જેથી રત્નકલાકારોના ટેસ્ટ વધારવા માટે પાલિકાએ નિર્ણય કર્યો છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરિયા જણાવ્યું કે પાલિકા સાથે મિટીંગ મળી હતી. જેમાં રત્નકલાકારોના વધુને વધુ ટેસ્ટ માટે સૂચના અપાઇ છે. રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીંગ રૂ.100ના દરે કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
સિવિલ અને સ્મીમેરમાં 12 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 114 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 79 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 57 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 40 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 39 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે.